CIA ALERT

જમીન તકરારી નોંધ સામેની અપીલના હિયરિંગમાંથી મામલતદાર આઉટ : હવે સીધા પ્રાંત અધિકારી સ્તરે હિયરિંગ

Share On :

હાલમાં ત્રણ સ્તરીય હિયરિંગમાં પહેલા સ્તરે મામલતદાર કક્ષા થતી સુનાવણીની પ્રક્રિયા દૂર કરવામાં આવી, હવે સીધા પ્રાંત અધિકારી અને એ પછી કલેક્ટર કક્ષાએ હિયરિંગ હાથ ધરાશે

Gujarat Land Records 7/12 AnyRoR for Android - APK Download

ગુજરાત સરકારે જમીન કાયદા સુધારણા અભિયાન અન્વયે લીધેલા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં તકરારી નોંધની અપીલની સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવામાં આવશે. અત્યાર સુધી જમીન દફતરે થયેલી તકરારી નોંધની સુનાવણી જમીન મહેસૂલ નિયમો ૧૯૭ર-૧૦૮ અન્વયે સૌથી પહેલા મામલતદાર કક્ષાએ હાથ ધરાય એ પછી પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ હાથ ધરવાનો નિયમ અમલી હતો. જૂના નિયમને કારણે અરજદારોને ભારે અસંતોષ પ્રવર્તતો અને લિટીગેશન તેમજ કાયદાકીય પ્રકરણો પણ ઉભા થતા હતા. પરંતુ, હવે રાજ્ય સરકારના નિર્ણય બાદ સ્થિતિમાં સુધારો થાય તેવો આશાવાદ સેવાય રહ્યો છે.

જમીન દફતરે તકરારી નોંધની અપીલ હિયરિંગની પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં ગુજરાત સરકારે ત્રણ અલગ અલગ સ્તરે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપિલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાનો પ્રજાહિતકારી અભિગમ અપનાવ્યો છે.

રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી (ફાઈનલ) જાહેરનામું જારી કર્યુ છે, જેથી હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે.

સરકારનો દાવો છે કે, આ નિર્ણયથી જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે. જમીનના હક્કપત્રક એટલે ગામ નમુના નં.૬ જેમાં હક્ક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૧ પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય (પ્રમાણિત અથવા નામંજુર) કરવાની સત્તા નાયબ મામલતદારની છે.

ઘણી બધી વખત જુદા જુદા કારણોસર હક્કપત્રકની નોંધોની નોટિસ આપવામાં આવે તે સમયે પક્ષકારો તરફથી કે ત્રાહિત પક્ષકાર તરફથી પણ વાંધો લેવામાં આવતો હોય છે. તેના કારણે હક્કપત્રકની નોંધો સમય મર્યાદામાં મંજૂર ન થવાથી હુકમની નોંધના કિસ્સાઓમાં રેકર્ડે અસર આવતાં ઘણો બધો સમય પસાર થઇ જાય છે.

આ કારણે પક્ષકારને પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે. આમ, તકરારના કારણે નોંધની રેકર્ડે અસર લેવામાં વધુ ને વધુ વિલંબ થાય તે કારણે અરજદારને તેનો હક્ક સમયમર્યાદામાં ન મળવાથી સંતોષ થતો નથી તથા કેટલીક વખત બિનજરૂરી લીટીગેશનને પણ નોતરે છે. જોકે, નિર્ણયને પરિણામે પડતર તકરારી અપિલોનો સત્વરે નિકાલ થઇ શકશે અને મહેસૂલ વિભાગની કામગીરીનો બોજ પણ ઓછો થશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :