સુરત : પાલ ગૌરવપથ રોડ પર મોનાર્ક આર્કેડમાં ધમધમતા ઓનલાઈન જુગારનો અડ્ડો

સુરતના પાલ ખાતે ગૌરવપથ રોડ પર આજે એક કોમ્પલેક્ષ માંથી ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને ઓનલાઈન ગેમ્બલીંગનો જુગાર રમાડતાં 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 1.83 લાખ અને 13 લેપટોપ સહિત કુલ્લે સાડા આઠ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે અમદાવાદના ભરત સહિત એક વિદેશી નાગરિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના ગૌરવ પથ રોડ પર આવેલ મોનાર્ક આર્કેડમાં ઓનલાઈન જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જે બાતમીના આધારે આજે ક્રાઈમ બ્રાંચની ટીમે મોનાર્ક આર્કેડમાં બીજા માળે આવેલ વિકટ આઈ.ટી. સોલ્યુશન નામનની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન પોલીસે ઘટના સ્થળેથી જીગર, રાહુલ અને કાર્તિક સહિત 13 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપી જીગર – રાહુલ અને કાર્તિકે ઓફિસ ભાડે રાખીને ઓનલાઈન જુગાર રમવા તેમજ રમાડવા માટે અમદાવાદના ભરત નામના ઈસમ પાસેથી સર્વર ભાડે લીધું હતું. આ સર્વર યુ.કે. બેઈઝ્ડ હોવાને કારણે આરોપીઓએ તેમાં ફેક આઈ.ડી. બનાવીને અલગ – અલગ 30 ડોમેઈનમાં ઢગલાબંધ વેબસાઈટો બનાવી દીધી હતી. આ વેબસાઈટના માધ્યમથી આરોપીઓ ઓનલાઈન તીન પત્તીનો જુગાર, રૂલેટ, અંદર – બહારનો જુગાર, ડ્રેગન ટાઈગરનો જુગાર અને બકોરેટનો જુગાર સહિત ક્રિકેટ, ટેનિસ અને ફુટબોલની મેચો પર હાર – જીતનો જુગાર રમાડતા હતા. આ માટે આરોપીઓ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પણ ભાડેથી પુરૂં પાડી અલગ – અલગ ગ્રાહકો પાસેથી માસિક એક લાખથી બે લાખ રૂપિયા સુધીનું ભાડું વસુલ કરવામાં આવતું હતું.
સુરત ક્રાઈમ બ્રાન્ચના દરોડામાં મુખ્ય સૂત્રધાર એવા જીગર દિપક ટોપીવાલા, રાહુલ પ્રહલાદ પ્રજાપતિ અને કાર્તિક રવજી હિસોરીયા સહિત કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ સિવાય યુ.કે.નું સર્વર ભાડેથી આપનાર અમદાવાદના ભરત અને વેબસાઈટો પર જુગારની રમતનો લાઈવ વીડિયો મુકનાર અરમેનીયા દેશના નારીક નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઘટના સ્થળેથી ક્રાઈમ બ્રાંચે 4.15 લાખના 13 લેપટોપ, 1.50 લાખના આઠ મોબાઈલ અને રોકડા રૂપિયા 1.83 મળી કુલ્લે 8.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓની વિગત
(૧) જીગર ટોપીવાલા (રહે. પવિત્રા રો-હાઉસ, અડાજણ) (૨) રાહુલ પ્રજાપતિ (રહે. ભૂમિપૂજ્ય રેસીડેન્સી, પાલ) (૩) કાર્તિક હિસોરીયા (રહે. લક્ષ્મીધામ સોસાયટી, કતારગામ) (૪) હુસૈન કોકાવાલા (રહે. કોકાવાલા મેન્સન, ઝાંપા બજાર) (૫) ભાવિક શેઠ (રહે. શુભ રેસીડેન્સી, ઉધના) (૬) ફલક કાબરાવાલા (રહે. વેસ્ટર્ન સિટી, અડાજણ) (૭) જૈમેશ રાઠોડ (રહે. સાકાર પેલેસ, ડિંડોલી) (૮) અર્જુન કંસારા (રહે. દિવાળીબાગ ફ્લેટ, રાંદેર) (૯) કૃષાન કંસારા (શરણમ રેસિડેન્સી, જહાંગીરપુરા) (૧૦) રાજ આનંદ (રહે. શુભમ બંગ્લોઝ, વેસુ) (૧૧) ઈશીતા ગાંધી (એન.એસ.એસ. સ્પલેન્ડેડ, વેસુ) (૧૨) કૃપાબેન પેન્ટર (રહે. દયાળજી પાર્ક, અડાજણ) (૧૩) શશાંગ ટેલર (સુડા આવાસ, પાલ)
હાઈટેક જુગારનું સર્વર ઈંગ્લેન્ડમાં
મોનાર્ક આર્કેડમાં વિકટર આઈ.ટી. સોલ્યુશનના નામે દુકાન ભાડે રાખીને જીગર, રાહુલ અને કાર્તિક નામના આરોપીઓએ અમદાવાદના ભરત નામના ઈસમ પાસેથી સર્વર ભાડે લીધું હતું. પોલીસ આરોપીઓ સુધી ન પહોચે તે માટે જે સર્વર ભાડે લેવામાં આવ્યું હતું તે ઈંગ્લેન્ડનું રાખવામાં આવ્યું હતું. આ સર્વરમાં પણ આરોપીઓએ ફેક આઈડી બનાવીને અલગ અલગ વેબસાઈટો દ્વારા ઓનલાઈન જુગારનો ધીકતો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. આરોપીઓ જુગાર શોખિનોને પણ ઓનલાઈન પ્લેટફોર્મ પુરૂં પાડવાના નામે મહિના એકથી બે લાખ રૂપિયાનું ભાડું વસુલ કરી રહ્યા હતા. પોલીસે તમામને ધરપકડ કરી આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અન્યોને પણ ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


