CIA ALERT

સંકટ કટે મિટે સબ પીડા, જો સુમિરે હનુમત બલબીરા!

Share On :

આજે સંકટમોચક હનુમાનની જન્મ જયંતી છે. એક એવા દેવ જે ચારે યુગમાં હાજરાહજૂર છે. જી.. હાં, હનુમાનજી અમર છે. ચિરંજીવ છે. શંકરનો અવતાર એવા આ હનુમાન ત્રેતા યુગમાં રામના સેવક બનીને આવે છે તો દ્વાપર યુગમાં મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના રથ પર બિરાજી ધર્મની ધજા ફરકાવે છે.

આશા રાખીએ કે હાલ કળિયુગમાં વ્યાપી રહેલા કોરોના રૂપી માયાવી રાક્ષસનો કોળિયો કરીને આ કષ્ટભંજક આપણી સહાય કરે. આજે આપણે પંચમુખી હનુમાનને વિશેષરૂપે યાદ કરવાની જરૂર છે. રામ-રાવણના યુદ્ધ સમયે એક સમય એવો આવ્યો હતો કે રાવણનો ભાઇ અહીરાવણ જે માયાવી રાક્ષસ હતો. તેણે પોતાની માયાથી રામ-લક્ષ્મણને મૂર્છિત કરી દીધા હતા અને પાતાળલોક લઇ ગયો હતો. માયાની અસર ઓછી થતાં વિભીષણને જ્યારે આ વાતનો ખ્યાલ આવ્યો કે અહીરાવણ રામલક્ષ્મણને પાતાળલોક લઇ ગયો છે તો તેમને છોડાવી લાવવા હનુમાનને ત્યાં જવાનું કહ્યું. અહીરાવણે માયા પ્રપંચથી પોતાના જીવને પાંચ દિશામાં પાંચ દીવા તરીકે સ્થાપિત કર્યો હતો. આ પાંચ દીવા એક સાથે બુઝાય તો જ અહીરાવણનો વધ થાય એમ હતો. આ કામ કરવા માટે હનુમાનજીએ પાંચ રૂપ ધારણ કર્યા. ઉત્તરમાં વરાહમુખ, દક્ષિણમાં નરસિંહમુખ, પશ્ર્ચિમમાં ગરૂડમુખ, આકાશ તરફ હયગ્રીવ મુખ અને પૂર્વમાં હનુમાન મુખ. આવું રૂપ ધારણ કરી હનુમાને પાંચ દિશામાં રહેલા પાંચ દીપકને બુઝાવ્યા ત્યારે માયારૂપી અહીરાવણનો વધ થયો.

આજે કોરોનારૂપી માયાવી રાક્ષસે પણ આવી જ દહેશત ફેલાવી છે. તેની મારક રસી હજી શોધાઇ નથી. લોકો કશું સમજે તે પહેલાં જ તે કોઇ પણ દિશામાંથી આવીને માણસને તેનો ચેપ લગાડી દે છે. અત્ર તત્ર સર્વત્ર દરેક દિશામાં ફેલાયેલા તેના માયારૂપી દીપને બુઝાવવા આજે હનુમાનજી ફરીથી પંચમુખ ધારણ કરે અને આસુરી કોરોનાનો અંત થાય એવી પ્રાર્થના કરીએ.

અત્યારે લૉકડાઉનને કારણે ઘરે બેઠા તેમના ગુણગાન ગાતો એક શ્ર્લોક ગાઇને તેને આત્મસાત્ કરવાની આજે ઉત્તમ તક છે.

મનોજવં મારુત તુલ્યવેગં,

જિતેન્દ્રિયં બુદ્ધિમતામ્ વરિષ્ઠમ,

વાતાત્મજં વાનરયુથ મુખ્યમ,

શ્રીરામદૂતમ્ શિરસા નમામિ !

ઉત્તમ વિચારોવાળા, પવનની ઝડપે ઊડવાવાળા પણ તમામ ઇન્દ્રિયોને જેમણે વશ કરી છે તેવા બુદ્ધિમાં શ્રેષ્ઠ અને રામના પરમદૂત એવા હનુમાનને વંદન હજો. આ શ્ર્લોકને ખરેખર આજના સંદર્ભમાં સમજીને મનમાં ઉતારવા જેવો છે. આજે સહુ કોઇ પવનની ઝડપે પોતાનો વિકાસ થાય એવું ઇચ્છે છે, પણ આ વિકાસ તેને મન બાહ્યવિકાસ છે. આવો વિકાસ સાધીને અંતે માણસ પોતાની પાંચે ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવામાં જ વાપરે છે જે કદીયે સંતુષ્ટ થતી જ નથી. હનુમાનજી જિતેન્દ્રિય છે. તે એવું સૂચન કરે છે કે ઇન્દ્રિયો આપણને જીતી જાય એવું નહીં પણ આપણે ઇન્દ્રિયોને જીતી લઇએ એ શ્રેષ્ઠ કાર્ય છે. આજે માણસ પોતાની ઇન્દ્રિયોને સુખ આપવા એવો વિકાસ કરવા લાગ્યો છે જેનાથી પર્યાવરણ અને ખુદનો પણ નાશ થવા લાગ્યો છે. આજનો વિકાસ ગતિવાન તો છે પણ તે વિનાશ તરફ અધોગતિ કરી રહ્યો છે.

હનુમાન જિતેન્દ્રિય છે, બળવાન અને બુદ્ધિવાન છે છતાંય તેમનામાં અહંકાર લેશમાત્ર નથી. તેઓ રામરૂપી પરમના દૂત બનીને રહેવા માગે છે.

આપણે પણ ગમે તેટલો વિકાસ કરીશું, પણ અભિમાન આવી જશે. નમ્રતાનો છાંટોય આપણામાં નહીં હોય તો એવો વિકાસ રાવણની જેમ વિનાશના પંથે લઇ જશે. આવો આજે હનુમાનના આ શ્ર્લોકને વારંવાર રટીને તેમના જેવા ગુણો જીવનમાં ઉતારવાનો નમ્ર પ્રયાસ કરીએ.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :