રાષ્ટ્રપતિ શાસન તરફ મહારાષ્ટ્ર??
મહારાષ્ટ્રમાં જોવા મળતી રાજકીય અસ્થિરતા અને અનિશ્ર્ચિતતાને ધ્યાનમાં રાખતા આવનાર દિવસોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી શક્યતાઓ રાજકીય પક્ષો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. ૧૦૫ બેઠક સાથે સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવનાર ભાજપે હજુ સુધી સત્તાનો દાવો કર્યો નથી.
બીજી બાજુ ભાજપના મિત્રપક્ષ શિવસેનાએ મુખ્ય પ્રધાનપદની માગ સાથે કોઈ સમાધાન ન કરવાની ભૂમિકા લેતા મહાયુતિની સત્તા રચવાની સંભાવના ઝાંખી થતી જાય છે. શિવસેનાએ પણ કૉંગ્રેસ-એનસીપીની મદદથી સત્તાના દાવાનો કોઈ સંકેત આપ્યો નથી ત્યારે રાજ્ય રાષ્ટ્રપતિ શાસન તરફ જઈ રહ્યું હોવાનું જણાય છે. આ અંગે કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું હતું કે જો આજે સાંજ સુધીમાં સત્તા રચવાનો દાવો નહીં થાય તો રાષ્ટ્રપતિ શાસનની પૂરી શક્યતા છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યપાલે આ અંગે નક્કર નિર્ણય કરવો જોઈએ.

જોકે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ન આવતા સ્થિર સરકાર બને, તેવો આગ્રહ તેમણે રાખ્યો હતો. બીજી બાજુ કૉંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્યપાલ ભાજપના દબાણમાં કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોના પંદર દિવસ બાદ પણ ભાજપ અને શિવસેનાએ સત્તા સ્થાપવા અંગે કોઈ રસ દાખવ્યો નથી. ભાજપ અને શિવસેનાના પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યા હોવા છતાં રાજ્યપાલે પહેલા અને બીજા ક્રમાંકે આવનારા પક્ષોને સત્તા સ્થાપવા આમંત્રણ આપ્યું નથી ત્યારે રાજ્યપાલ કોના દબાણ હેઠળ છે, તેવો સવાલ કરતા તેમણે ભાજપ તરફ ઈશારો કર્યો હતો. બીજી બાજુ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પણ રાજ્યમાં જો રાષ્ટ્રપતિ શાસન આવશે તો તે માટે ભાજપ જવાબદાર હશે, તેમ જણાવ્યું હતું. ભાજપના નેતાઓએ રાજ્યપાલ સમક્ષ સત્તા સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો જ નથી. તેઓ ખોટો વિલંબ કરી રહી છે જેથી રાજ્ય રાષ્ટ્રપતિ શાસન તરફ જાય. જો તેમણે દાવો ન કરવો હોય તો જાહેર કરવું જોઈએ, આથી સેના આગળ વધે, તેમ તેમણે જણાવ્યું હતું.
દરમિયાન ગુરુવારે રાજ્યપાલે મહારાષ્ટ્રના એટર્ની જનરલ આશુતોષ કુંભાકોનીને રાજભવન બોલાવ્યા હતા અને આગળના પગલાં અંગે કાયદાકીય જોગવાઈઓ અંગે વાતચીત કરી હતી. જો કોઈ પણ સત્તા સ્થાપવાનો દાવો ન કરે તે શનિવારે વર્તમાન મુખ્ય પ્રધાનને કાર્યવાહક મુખ્ય પ્રધાન તરીકેની થોડી વધારે મુદ્ત મળે તેવી શક્યતાઓ છે. વિધાનમંડળના ભૂતપૂર્વ સેક્રેટરી અનંત કોલસેએ જણાવ્યું હતું કે જો કોઈ પક્ષ સામે ન આવે તો રાજ્યપાલ સૌથી મોટા પક્ષને સત્તા સ્થાપવા આમંત્રણ આપી શકે, જો તેઓ અક્ષમતા દર્શાવે તો બીજા ક્રમાંકે આવેલા પક્ષને આમંત્રણ આપી શકે. જ્યાં સુધી નવા મુખ્ય પ્રધાન શપથ ન લે ત્યાં સુધી વિધાનમંડળનું સત્ર બોલાવી શકાય નહીં. નવી સરકાર પ્રસ્તાવ મૂકે તે બાદ રાજ્યપાલ વિધાનસભાનું નવું સત્ર બોલાવે, જેમાં નવા ચૂંટાયેલા વિધાનસભ્યો શપથ લે, તેવી પ્રક્રિયા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે બંધારણમાં કાર્યવાહક સરકારની કોઈ જોગવાઈ નથી, પરંતુ કેન્દ્રમાં પણ આ વિકલ્પ અમલમાં મૂક્યો હોવાના દાખલાઓ છે. જો આવી સરકાર બને તો પણ નવી સરકારની શપથવિધિ ટૂકં સમયમાં થવી જોઈએ, તેમ તેમણે એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા ઉમેર્યું હતું. રાજ્યના ભૂતપૂર્વ એડ્વૉકેટ જનરલ શ્રીહરિ એનેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ શાસન સુધી પહોંચવા પહેલા ઘણાં વિકલ્પો અને પ્રક્રિયાઓ છે. નવમી સુધીમાં નવી સરકાર બની જ જવી જોઈએ, તેવી કાયદામાં કોઈ જોગવાઈ નથી.
રાજ્યમાં રાજકીય અસ્થિરતાનો માહોલ જોતા આજનો દિવસ ઘણો મહત્ત્વનો બની રહ્યો છે આ સાથે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી શું ભૂમિકા લે છે, તેના પર સૌની નજર છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


