સુરતમાં ધો.11-12 સાયન્સમાં ડમી સ્કુલો બેરોકટોક ધમધમે છે
ધો.10ની પરીક્ષા પૂર્ણ થયાના સપ્તાહમાં જ સુરતમાં ધો.11-12 સાયન્સની સ્કુલો ધમધમી ઉઠી હતી. ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહની જેન્યુઇન રીતે ચાલતી સ્કુલો ઉપરાંત સુરતમાં સૌથી મોટો ઉપદ્રવ જો કોઇનો હોય તો એ ડમી સ્કુલોનો છે. જેઇઇ, નીટના નામે પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસો ચલાવતા હિન્દીભાષી ધંધાદારીઓએ સુરતના વાલીઓના ખીસ્સા ખંખેરવાના આશયથી સુરતમાં ડમી સ્કુલો શરૂ કરાવી છે અને આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ જાણતા હોવા છતાં ભેદી કારણોસર ડમી સ્કુલોને બેરોકટોક પણે ચાલવા દે છે.

જે.ઇ.ઇ. મેઇન્સ, નીટ, બિટ્સ પિલાની, જેઇઇ એડવાન્સ્ડ વગેરે જેવી પ્રવેશ પરીક્ષાઓના નામે હિન્દી ભાષીઓએ શહેરના કેટલાક શાળા સંચાલકોને સાધીને ડમી સ્કુલો શરૂ કરી છે. ચર્ચાસ્પદ ડમી સ્કુલો અંગે વાલીઓ પાસેથી મળેલી માહિતી મુજબ
- નાનપુરા સ્થિત આર.ડી. કોન્ટ્રાક્ટર સ્કુલ
- અડાજણ એલપી સવાણી રોડની રિવરડેલ સ્કુલ
- ઘોડદોડ રોડ પર આવેલી ડિવાઇન ચાઇલ્ડ સ્કુલ
- અડાજણની સિટીઝન સ્કુલ
માં ધો.11-12 વિજ્ઞાન પ્રવાહના રેગ્યુલર શિક્ષણના નામે ડમી સ્કુલો ચાલી રહી હોવાની ફરીયાદો ઉઠી છે. જે વાલીઓ ભણી ચૂક્યા છે તેઓ પણ કહેવા માટે તૈયાર છે કે ઉપરોક્ત શાળાઓ ડમી સ્કુલ તરીકે કાર્ય કરી રહી છે. આ સ્કુલોમાં રેગ્યુલર સ્કુલ સ્ટડી કરતા ક્લાસીસોમાં વિદ્યાર્થીઓની વધુ હાજરી હોય છે. દરેક સ્કુલોએ કોઇકને કોઇક ધંધાદારી કોચિંગ ક્લાસીસો સાથે સાંઠગાંઠ કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓને અનધિકૃત રીતે કેટલીક સગવડ કરી આપી છે. જેમાં વિદ્યાર્થીઓ શાળામાં નહીં જાય તો પણ તેમની પૂરેપૂરી હાજરી પૂરી દેવામાં આવે છે. ડમી સ્કુલોની જો ઝીણવટભરી તપાસ કરાવવામાં આવે તો કેટલાક વિદ્યાર્થીઓને તો સુરતથી છેક રાજસ્થાનના કોટા કે પિલાનીમાં રહીને ત્યાં કોચિંગ ક્લાસીસના સાનિધ્યમાં પરીક્ષાની તૈયારી કરવાની છૂટ આપવામાં આવે છે.
સ્કુલમાં ગેરહાજરી છતાં હાજરી પૂરી દેવાય, પ્રેક્ટિકલ્સ બિલકુલ જ ન કરાવે
ડમી સ્કુલોમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ્સ કરાવવામાં આવતા નથી. આમ, હાજરીમાં છૂટછાટ, પ્રેક્ટિકલમાં છૂટ વગેરેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્વાભાવિક રીતે જ ડમી સ્કુલો તરફ આકર્ષાય રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે તેજસ્વી વિદ્યાર્થીઓ જેઇઇ અને નીટમાં મોટા સ્કોરની લ્હાયમાં રેગ્યુલર સ્કુલ કરતા ડમી સ્કુલોમાં એડમિશન લઇને ધંધાદારી કોચિંગ ક્લાસીસો મારફતે તૈયારી કરવાનું પસંદ કરે છે.
બોર્ડના માર્કસની જરૂર નથી એવો દુષ્પ્રચાર ડમી સ્કુલો અને કોચિંગ ક્લાસીસો કરે છે
ડમી સ્કુલોના સંચાલકો અને શહેરમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા હિન્દીભાષી ટ્યુશનીયા સંચાલકો વાલીઓમાં એવો દુષ્પ્રચાર ફેલાવે છે કે મેડીકલ-ડેન્ટલમાં નીટના સ્કોરથી જ પ્રવેશ મળે છે અને આઇ.આઇ.ટી. એનઆઇટી જેવી નેશનલ ઇન્સ્ટિટ્યુટ્સમાં જેઇઇ મેઇન્સ અને જેઇઇ એડવાન્સ્ડથી જ પ્રવેશ મળે છે, બોર્ડના માર્ક ગણતરીમાં લેવાતા નથી. આ બાબતમાં હકીકત દોષ હોય છે. અથવા તો આવા સંચાલકો અર્ધસત્ય જણાવાને વાલીઓ અને વિદ્યાર્થીઓને આકર્ષે છે.
જેન્યુઇન રીતે ચાલતી સ્કુલોના તેજસ્વી વિદ્યાર્થીઓને તોડી લાવે છે ડમી સ્કુલો
ડમી સ્કુલો ચલાવતા ધંધાદારી કોચિંગ ક્લાસીસોના સંચાલકો જેન્યુઇન રીતે ચાલતી શહેરની વિજ્ઞાન પ્રવાહની સ્કુલોના તેજસ્વી વિદ્યાર્થીઓને તોડી લાવવાના ગોરખધંધામાં પડી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને શાળામાં મરજિયાત હાજરીની લાલચ, સ્કોલરશીપની લાલચ, રેડીમેડ સ્ટડી મટિરીયલની લાલચ, સ્પેશિયલ સ્કોલર બેચની લાલચ આપીને ડમી સ્કુલમાં એડમિશન લેવા માટે દુષ્પ્રેરણા આપી રહ્યા છે.
હંમેશા રેગ્યુલર ચાલતી સ્કુલોમાં જ ભણવું જોઇએ
શહેરમાં શિક્ષણ ક્ષેત્રમાં એક્સપર્ટસ પર્સનાલિટીઓને જ્યારે સી.આઇ.એ.એ પૂછ્યું કે ધો.11-12 વિજ્ઞાન પ્રવાહ રેગ્યુલર સ્કુલમાં ભણવું જોઇએ કે ડમી સ્કુલમાં ત્યારે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ડમી સ્કુલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્થિતિ બાવાના બેઉ બગડ્યા જેવી થાય છે. ધો.11-12 સાયન્સ રેગ્યુલર ચાલતી સ્કુલમાં જ ભણવું જોઇએ. ધો.12 પછી કોલેજ પ્રવેશ માટે જેટલી પ્રવેશ પરીક્ષાના માર્કસની જરૂર છે તેટલી જ જરૂર બોર્ડના પરીણામની પણ છે. આઇઆઇટી અને એનઆઇટીમાં પ્રવેશ માટે ધો.12ના પરીણામમાં 75 ટકા હોવા અનિવાર્ય છે. એવી રીતે મેડીકલ ડેન્ટલમાં પ્રવેશ માટે ધો.12માં લઘુત્તમ 50 પર્સન્ટ અનિવાર્ય છે. શાળાઓ વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ કરી શકે છે, ટ્યુશન ક્લાસીસોનો સહારો વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ કરી શક્તી નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


