જૈન સમાજમાં ચકચાર : ઘાટકોપરના હિંગવાલા ઉપાશ્રયમાં ગોંડલ સંપ્રદાયના મનોહરમુનિની આત્મહત્યા

ઘાટકોપર (ઈસ્ટ)ના ૮૫ વર્ષથી વધુ જૂના હિંગવાલા લેન સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં ગઈ કાલે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ગોંડલ સંપ્રદાયના ૭૧ વર્ષના મનોહરમુનિ મહારાજ સાહેબે નાયલોનની રસીથી ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરતાં ગોંડલ સંપ્રદાય અને ઘાટકોપરના જૈન સમાજમાં ચકચાર ફેલાઈ ગઈ હતી. મનોહરમુનિ ૪ એપ્રિલથી તેમનાં અન્ય મહાસતીઓની સાથે હિંગવાલા લેન ઉપાશ્રયમાં બિરાજમાન હતા. મનોહરમુનિ મહારાજ સાહેબે આત્મહત્યા કરવા પહેલાં મુંબઈના પોલીસ કમિશનરને સંબોધીને ગુજરાતીમાં દોઢ પાનાની સુસાઇડ-નોટ લખી હતી જેના પર ૧૯ મેની તારીખ લખવામાં આવી છે. આ સુસાઇડ-નોટમાં તેમણે પોલીસ કમિશનરને સંબોધીને લખ્યું હતું કે ‘મારા ગુરુ પ્રસન્નમુનિ (તેમના સંસારી પિતા પ્રાણલાલ દેસાઈ) રાતના સપનામાં આવ્યા હતા. તેમણે મને કહ્યું કે તમારું હવે પૃથ્વી પર સર્વસામાન્ય લોકો માટેનું કામ પૂર્ણ થયું છે. તમે મારી પાસે આવી જાવ. આપણે સાથે પ્રભુપૂજા કરીશું.’
આ સંદર્ભની માહિતી આપતાં શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હિંગવાલાના પ્રમુખ બિપિન સંઘવીએ પત્રકારોને કહ્યું હતું કે ‘ગઈ કાલે મનોહરમુનિના કર્મચારીઓએ અમને વહેલી સવારે પાંચ વાગ્યે આ દુખદ ઘટનાના સમાચાર આપ્યા હતા. તેમના કર્મચારીઓએ અમને કહ્યું હતું કે મહારાજ સાહેબે અમને સવારે વહેલા ઉઠાડીને જણાવ્યું હતું કે આપણે અહીંથી નીકળવાનું છે તો બધો સામાન કારમાં ગોઠવીને તૈયાર થઈ જાવ. અમે તૈયાર થઈને દસ જ મિનિટમાં પાછા આવ્યા ત્યારે ગુરુજીના રૂમનો દરવાજો બંધ હતો. અમને શંકા જતાં અમે જોયું તો સાહેબજી ખુરશી પર ફાંસો લઈને લટકતા હતા.’
મનોહરમુનિના કમર્ચારીઓના વહેલી સવારના આવેલા ફોનને કારણે અમે ટ્રસ્ટીઓ અને અન્ય સંઘના પદાધિકારીઓ દોડીને ઉપાશ્રયમાં પહોંચ્યા હતા એમ જણાવીને બિપિન સંઘવીએ કહ્યું હતું કે ‘અમે ગયા ત્યારે મનોહરમુનિ નાયલોનની દોરીએ લટકતા હતા. પહેલાં તેમણે પાંચ ખુરશીઓની થપ્પી કરીને પંખા સાથે નાયલોનની રસી બાંધી હોય એવું અમને લાગે છે. ત્યાર બાદ બાજુમાં પડેલી એક ખુરશીની મદદથી તેઓ આ પાંચ ખુરશીની થપ્પી પર ચડ્યા હોવા જોઈએ અને ગળે ફાંસો બાંધીને દેહત્યાગ કર્યો હોવાનું અમને લાગે છે. અમે પહોંચ્યા એની થોડી જ વારમાં પંતનગર પોલીસ આવી ગઈ હતી. તેમને એવું લાગ્યું કે મનોહરમુનિ મહારાજ સાહેબમાં જીવ છે. એટલે તેઓ તેમને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં મનોહરમુનિ મહારાજ સાહેબને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.’
મહેન્દ્રમાંથી મનોહરમુનિ
મનોહરમુનિ ઉર્ફે મહેન્દ્ર પ્રાણલાલ દેસાઈનો જન્મ ૧૯ ડિસેમ્બર ૧૯૫૧ના દિવસે મહારાષ્ટ્રના સાંગલી ગામમાં થયો હતો. તેઓ છ બહેનોના એકના એક ભાઈ હતા. તેમનો લાડકોડથી ઉછેર થયો હતો. તેઓ સાંગલીથી રાણપુર ગયા ત્યારે તેમનો પરિચય આગમ દિવાકર પૂજ્ય શ્રી જનકમુનિ મહારાજ સાહેબ સાથે થયો હતો. જનકમુનિ મહારાજ સાહેબના ઉપદેશથી તેમનામાં વૈરાગ્યભાવ જાગ્યો હતો. તેમનાં ધર્મિષ્ઠ માતા-પિતાએ તેમને સંયમમાર્ગે જવાની આજ્ઞા આપી હતી. ત્યાર બાદ તેમણે ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, આગમશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને એમાં પારંગત થયા હતા. મહેન્દ્રના વૈરાગ્યને જોઈને તેમની બહેન સરલા (પૂ. નંદાબાઈ મહાસતી) અને ભારતીબહેન (પૂજ્યા સુનંદાબાઈ મહાસતી)ને પણ વૈરાગ્ય પ્રગટ થયો અને તેમણે પણ વિદ્યાપીઠમાં અભ્યાસ શરૂ કર્યો હતો. મુમુક્ષુ મહેન્દ્રભાઈની દીક્ષા ધારી ગામમાં ૬ મે ૧૯૭૧ના રોજ થઈ હતી. જનકમુનિ મહારાજ સાહેબના મુખેથી દીક્ષાનો પાઠ ભણીને તેઓ મહેન્દ્રભાઈમાંથી મનોહરમુનિ મહારાજ સાહેબ તરીકે ઓળખાયા હતા. તેઓ જનકમુનિ મહારાજ સાહેબના પ્રથમ શિષ્ય બન્યા હતા. તેમનામાં ગુરુ પ્રત્યે સર્મપણભાવ, વિનય, સેવા, ગુરુઆજ્ઞા એ જ મારો ધર્મ આદિ ગુણ હોવાથી તેઓ જનકમુનિના પ્રિય શિષ્ય બન્યા હતા. મનોહરમુનિ મહારાજ સાહેબે દીક્ષાનાં ૫૦ વર્ષમાં ૪૦ વર્ષ પૂજ્ય ગુરુદેવની સાથે જ રહી સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, મધ્ય પ્રદેશ, મારવાડમાં વિચરણ કરી અજોડ શાસન-પ્રભાવના કરી હતી.
આખો મામલો શું છે?
જોકે ૨૦૧૨માં મનોહરમુનિ પર ઘાટકોપરની એક જૈન યુવતીનો વિનયભંગ કરવાનો આરોપ લાગ્યો હતો. એને લીધે ગોંડલ સંપ્રદાયમાં અને જૈન સમાજમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. મનોહરમુનિ પર વિનયભંગનો આરોપ કરતાં એ યુવતીના પિતાએ મુલુંડ પોલીસમાં કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે ‘અમારો પરિવાર ૨૦ માર્ચ ૨૦૧૨ના દિવસે સવારના આઠ વાગ્યે મહારાજ સાહેબનાં દર્શનાર્થે ગયો હતો. ત્યારે અમે મનોહરમુનિ મહારાજ સાહેબને મારી દીકરી જે ઍન્ગ્ઝાયટીની દરદી હતી તેની સારવાર માટેની વાત કરી હતી. એને કારણે મનોહરમુનિ મહારાજ સાહેબે અમને ભાંડુપના ઈશ્વરનગરના ઉપાશ્રયમાં સવારના દસ વાગ્યે મળવા બોલાવ્યા હતા. ત્યાર પછી અમે ફરી ૩૧ માર્ચ ૨૦૧૨ના રોજ મુલુંડ (વેસ્ટ)ના સ્થાનકવાસી ઉપાશ્રયમાં મારી પુત્રીને લઈને મનોહરમુનિ પાસે મળવા ગયા હતા. ત્યારે મનોહરમુનિએ કોઈ ધાર્મિક વિધિથી મારી પુત્રીની સારવાર માટે કરી હતી. ત્યાર બાદ મનોહરમુનિએ મારા પરિવારને ફરી ૬ એપ્રિલ ૨૦૧૨ના રોજ મુલુંડમાં મારી પુત્રીની સારવાર માટે કોઈ ધાર્મિક વિધિ કરવાની છે એમ કહીને બોલાવ્યો હતો. ત્યાં તેમણે ફક્ત મારી પુત્રીને જ એક રૂમમાં બોલાવીને બધાં જ બારીબારણાં બંધ કરી દીધાં હતાં. ત્યાર પછી મનોહરમુનિ મહારાજ સાહેબે મારી દીકરીને ચુંબનો આપ્યાં હતાં. મારી દીકરીએ બહાર આવીને પરિવારની સામે મનોહરમુનિએ તેની સાથે કરેલા અપકૃત્યની જાણ કરી હતી.’
યુવતીના આ બયાનથી એ ઉપાશ્રયમાં હાજર રહેલા લોકો આક્રોશમાં આવી ગયા હતા અને આખો મામલો મુલુંડ પોલીસ સ્ટેશનમાં ગયો હતો. પોલીસે મનોહરમુનિની ધરપકડ કરીને તેમને કોર્ટમાં હાજર કર્યા હતા. એ દિવસે મનોહરમુનિએ એક રાત મુલુંડ પોલીસ સ્ટેશનમાં જ વિતાવવી પડી હતી.
હિંગવાલા ઉપાશ્રયમાં પ્રતિબંધ
યુવતીનાં માતા-પિતાના આ આરોપ પછી અને મનોહરમુનિની મુલુંડ પોલીસે ૨૦૧૨માં ધરપકડ કર્યા પછી હિંગવાલા ઉપાશ્રયના એક સમયના પ્રમુખ દીપેશ ખાટડિયા અને અન્ય પદાધિકારીઓએ હિંગવાલા ઉપાશ્રયમાં મનોહરમુનિને ઉપાશ્રયમાં આવવા સામે પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યાર પછી મનોહરમુનિ આ ઉપાશ્રયમાં પહેલી વાર આ વર્ષના ૪ એપ્રિલના રોજ તેમનાં અન્ય મહાસતીઓની સાથે બિરાજમાન થયા હતા.
કોર્ટનો આદેશ શું છે?
યુવતી સાથેના વિનયભંગના કેસમાં મુલુંડ પોલીસની તપાસ પછી મુલુંડની મૅજિસ્ટ્રેટ કોર્ટે ડિસેમ્બર ૨૦૧૭માં મનોહરમુનિને બે વર્ષની કેદ અને ૫૦,૦૦૦ રૂપિયાના દંડનો આદેશ આપ્યો હતો. ત્યાર પછી આખો મામલો મુંબઈની સેશન્સ કોર્ટમાં ગયો હતો. ગુરુવાર, ૪ મેએ સેશન્સ કોર્ટે મુલુંડની મૅજિસ્ટ્રેટ કોર્ટના ઑર્ડરને બહાલી આપી હતી અને મનોહરમુનિને મૅજિસ્ટ્રેટ કોર્ટમાં સરેન્ડર કરવાનો ઑર્ડર આપ્યો હતો.
સુસાઇડ-નોટ
કોર્ટના આ ઑર્ડર પછી મનોહરમુનિ બહુ ગભરાયેલા હતા એમ જણાવતાં બિપિન સંઘવીએ કહ્યું હતું કે ‘અમે પદાધિકારીઓએ તેમને ઘાટકોપરના હિંગવાલા ઉપાશ્રયમાંથી જતા રહેવા કહ્યું હતું, પરંતુ અમને રાજકોટના ગોંડલ સંપ્રદાયના આગેવાનોએ તેઓ હાઈ કોર્ટમાં અપીલ કરવા જઈ રહ્યા છે એવી ખાતરી આપી હતી. ત્યાર પછી અમે મનોહરમુનિ મહારાજ સાહેબના દીક્ષાનાં ૫૦ વર્ષની ઉજવણીના કાર્યમાં વ્યસ્ત થઈ ગયા હતા. મનોહરમુનિ પણ બે દિવસ પહેલાં સુધી એકદમ સ્વસ્થ હતા. અચાનક ગઈ કાલે શું થઈ ગયું અને તેમને કેમ આત્મહત્યા જેવું કરુણ પગલું ભર્યું એ અમારા માટે રહસ્યમય બની ગયું હતું. જોકે પોલીસને તેમની પાસેથી સુસાઇડ-નોટ મળી હતી જે તેમણે મુંબઈના પોલીસ કમિશનરને સંબોધીને લખી હતી.’
પોલીસ કમિશનરને સંબોધીને લખવામાં આવેલી સુસાઇડ-નોટમાં તેમણે લખ્યું છે કે ‘મારા દેહાવસાન સંબંધમાં કોઈ પણ વ્યક્તિને દોષિત ગણશો નહીં. મારી સ્વેચ્છાથી સમાધિપૂર્વક સંથારા સહિત હું દેહનો ત્યાગ કરું છું. તે પહેલાં મેં ભવોભવની આલોચના કરી જગતના સર્વ જીવોને ખમાવેલ છે. છદ્મસ્થ (જેને કેવળ જ્ઞાન ન થયું હોય તે) અવસ્થાને હિસાબે મારા મન-વચન અને કાયાના યોગથી મારાથી ઘણી ભૂલો થઈ હશે. તે સર્વની પરમ કૃપાળુ ભગવાન મહાવીરસ્વામીની સાક્ષીએ ક્ષમા યાચું છું. ચેમ્બુર રહેતા મુકેશભાઈના પરિવારને ખાસ અંત:કરણપૂર્વક ખમાવું છે. અંતમાં જગતના જીવોને આપ્ત-પુરુષોનાં બે વચન કહું છું. ૧. ભોગવે તેની ભૂલ. ૨. થાય તે ન્યાય. આ વચનને હૃદયમાં ઉતારશોજી. મનોહરમુનિ.’
આ સિવાય સુસાઈડ નોટમાં મહાસતીઓનો, ગોંડલ સંપ્રદાયના આગેવાનો અને હિંગવાલા ઉપાશ્રયના અનેક પદાધિકારીઓનો એમની સારસંભાળ લેવા માટે આભાર માનવામાં આવ્યો હતો.
મનોહરમુનિના રાજાવાડી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ પછી તેમની હિંગવાલા લેનમાંથી બપોરે ૨.૩૦ વાગ્યે પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. એમાં ઉપાશ્રયમાં ૧૫૦થી ૨૦૦ અનુયાયીઓ ભેગા થઈ ગયા હતા. તેમની પાલખીયાત્રા ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેમના અંતિમ સંસ્કાર સ્મશાનભૂમિની બહારના પાર્કિંગ પ્લૉટમાં તેમના સંસારી બનેવીઓ અને ભાઈઓ દ્વારા સાંજના ૪.૩૦ વાગ્યે કરવામાં આવ્યા હતા.
મનોહરમુનિ પણ બે દિવસ પહેલાં સુધી એકદમ સ્વસ્થ હતા. અચાનક ગઈકાલે શું થઈ ગયું અને તેમણે કેમ આત્મહત્યા જેવું કરુણ પગલું ભર્યું એ અમારા માટે રહસ્યમય બની ગયું હતું. જોકે પોલીસને તેમની પાસેથી સુસાઇડ-નોટ મળી હતી જે તેમણે મુંબઈના પોલીસ કમિશનરને સંબોધીને લખી હતી.
બિપિન સંઘવી, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હિંગવાલાના પ્રમુખ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
