20/3 : India Corona Update : 39,726 New કેસ
ભારતમાં શુક્રવાર Dt. 19/3/21 110 દિવસમાં સર્વાધિક 39,726 નવા કેસ સામે આવતાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 કરોડ, 15 લાખને પાર પહોંચી ગઈ છે. સૌથી વધુ સંકટગ્રસ્ત મહારાષ્ટ્રમાં આજે 11 સપ્ટેમ્બર પછી સૌથી વધુ 25,833 નવા કેસ સામે આવતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. દેશમાં શુક્રવારે વધુ 154 દર્દી ‘કોરોનાનો કોળિયો’ બની જતાં મરણાંક વધીને 1,59,370 થઈ ગયો છે. જો કે, મૃત્યુદર ઘટીને 1.38 ટકા થઈ ગયો છે. ભારતમાં આજે પણ સક્રિય કેસોમાં 18,918 દર્દીનો વિક્રમી વધારો થતાં આજની તારીખે કુલ 2,71,282 સંક્રમિતો સારવાર હેઠળ છે.
રોજિંદા કેસોમાં વિક્રમસર્જક વધારાનો દોર સતત જારી રહેતાં કુલ સંક્રમિતોની સંખ્યા સામે સક્રિય કેસોનું પ્રમાણ વધીને 2.36 ટકા થઈ ગયું છે. બીજીતરફ, દેશમાં આજે વધુ 20,654 દર્દી ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં સાજા થયેલા સંક્રમિતોની સંખ્યા 1 કરોડ, 10 લાખ, 83,679 થઈ ગઈ છે. સાજા દર્દીનો દર એટલે કે, રિકવરી રેટ આજે વધુ ઘટીને 96.26 ટકા થઈ ગયો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 23 કરોડ, 13 લાખથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે.
ફ્રાન્સ, ઈટાલી સહિત યુરોપીય દેશોની એસ્ટ્રાજેનેકાને મંજૂરી
ફ્રાન્સ, ઈટાલી સહિત યુરોપીય સંઘના અનેક દેશોએ વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)ની વાત માની લેતાં આખરે એસ્ટ્રાજેનેકા રસીને પાછી મંજૂરી આપી દીધી છે. યુરોપીય તબીબી નિયામક (ઈએમએ) સંસ્થા દ્વારા પણ કોરોનારોધક એસ્ટ્રાજેનેકા રસીને સુરક્ષિત અને અસરકારક ગણાવી દીધી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) ઉપરાંત બ્રિટનના તજજ્ઞોએ પણ આ રસીને સલામત લેખાવતાં કહ્યું હતું કે, રસી ન લેવાથી વધારે ખતરો થઈ શકે છે. આવી ઘોષણા બાદ જર્મની, ફ્રાન્સ, સ્પેન, ઈટાલી, નેધરલેન્ડ્સ, પોર્ટુગલ, લિથુઆનિયા, લાતવિયા, સ્લોવેનિયા, બલ્ગેરિયા સહિતના યુરોપીય દેશોએ આ રસીનો ઉપયોગ પુન: શરૂ કરવાનો ફેંસલો કર્યો છે.
રસીની ડીએનએ ઉપર કોઈ અસર નહીં : સ્વાસ્થ્ય મંત્રી
કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે રસીને લઈને લોકોની આશંકાઓ ઉપર કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધને લોકસભામાં જવાબ આપ્યો છે. તેમણે કોરોના રસીને લઈને ઉઠી રહેલી આશંકાઓને ફગાવતા કહ્યું હતું કે, દુનિયાભરમાં વૈજ્ઞાનિક વિશ્લેષણ બાદ રસીને મંજૂરી આપવામાં આવી છે. તેના ઉપર વિશ્વાસ કરવો જોઈએ.
હર્ષવર્ધને લોકસભામાં પ્રશ્નકાળમાં કહ્યું હતુ કે, દેશ-દુનિયામાં ઘણા લોકોના મનમાં આશંકા છે કે કોરોના વાયરસની રસી આગામી સમયમાં નુકશાન તો નહી પહોંચાડે ?. ભારતમાં જે બે રસી કોવિશીલ્ડ અને કોવેક્સિનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. તે સુરક્ષા, પ્રભાવશિલતા અને પ્રતિરક્ષા ક્ષમતા પેદા કરવાના માપદંડોમાં યોગ્ય છે.
સ્પૂતનિકના 20 કરોડ ડોઝ બનાવશે બેંગલુરૂની સ્ટેલિસ ફાર્મા
ભારતના બેંગલુરૂ સિથત સ્ટેલિસ બાયોફાર્મા રશિયાની કોરોના રસી સ્પૂતનિક-વીના ઓછામાં ઓછા 20 કરોડ ડોઝ બનાવશે. કંપની આ મામલે રશિયાન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ સાથે સમજૂતિ કરી છે. ભારતમાં આઈડીઆઈએફની કોર્ડિનેશન પાર્ટનર એન્સો હેલ્થકેર એલએલપી મારફતે આઈડીઆઈએફ અને સ્ટેલિસ વચ્ચે સમજૂતિ થઈ છે. સ્ટેલિસ સ્ટ્રાઈડસ ફાર્મા સાયન્સનો હિસ્સો છે. સમજૂતિ અનુસાર ચાલુ વર્ષના જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપની ડોઝની સપ્લાય શરૂ કરી દેશે. સ્પૂતનિક સાથે સમજૂતિ કરનારી ચોથી ભારતીય કંપની સ્ટેલિસ છે. આ સાથે રસી બનાવવાની ભારતની ક્ષમતા 80 કરોડ ડોઝ થઈ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
