CIA ALERT

અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા માટે તડામાર તૈયારીઓનો આખરી ઓપ

Share On :

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની 147મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે તે સંદર્ભમાં કહ્યું કે, ભગવાનના દર્શન માટે લોકો જુના, જર્જરીત મકાનો કે ભયજનક ઇમારતોનો સહારો ન લે તે માટે પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહે તે આવશ્યક છે. તેમણે આવા પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને જાનમાલની સલામતીના કારણોસર ત્યાં જતા અટકાવવા ખાસ તાકીદ કરી હતી. અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રા 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ રથયાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું.

8,700થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે રહેશે

પોલીસ કમિશનરએ જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને 18,700થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે. રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1931 જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, 16 જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા-ગેરમાર્ગે દોરતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે ત્વરાએ સત્ય હકીકતથી લોકોને વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું હતું. આ સંદર્ભમાં પોલીસ કમિશનરએ રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન અંગે જણાવ્યું કે, 47 જેટલા લોકેશન્‍સ પરથી 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. આ ઉપરાંત 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોની સહભાગીતાથી 1400 જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રખાશે.

યાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. આ ઉપરાંત પાંચ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. 108 એમ્બ્યુલન્સ સેવાની 11 તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત મુજબ રથયાત્રામાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર 17 જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કરવામાં આવશે.

રથયાત્રા પૂર્વે  25 જેટલી બેઠકો યોજવામાં આવી

આ પરંપરાગત રથયાત્રા કોમી એકતા અને સંવાદિતા તથા સૌહાર્દનો ઉત્સવ બને તે માટે રથયાત્રા પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની 132, મહોલ્લા સમિતિની 136 તેમજ મહિલા સમિતિની 38 બેઠકો વિવિધ ધર્મગુરુઓ સાથે 18 બેઠકો અને ભગવાનના રથ ખેંચનારા ખલાસી ભાઈઓ, અખાડા સંચાલકો સાથે 25 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. એટલું જ નહિં, એકતા કપ ક્રિકેટ મેચ, વોલીબોલ ટુર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક એકતાની ચેતના જગાવતા આયોજનો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રી સમક્ષ આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં જે જે સ્થળોએ રથયાત્રા યોજવામાં આવે છે ત્યાં બધે જ શાંતિ, સલામતી સુલેહના વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પાસેથી પણ જરૂરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રથયાત્રાનું આ ઉમંગ પર્વ જન ભાગીદારી, પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષા પ્રતિબદ્ધતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે જ તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :