CIA ALERT

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ચોમાસું માહોલ

Share On :

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરનાં પગલે આજે સતત બીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતનાં વિવિધ ભાગોમાં વાદળિયુ વાતાવરણ છવાયેલ રહ્યું હતું અને રાજ્યનાં સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે.’ અમુક સ્થળોએ ઝરમર વરસાદ પણ પડયો હતો. રાજકોટ, જૂનાગઢ, જામનગર અને સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતા. આજે આખો દિવસ વાદળછાયું વાતારણ રહ્યું હતું.

સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો કમોસમી વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા. કેશોદના શેરગઢમાં આજે બપોરે જાણે કે ચોમાસું હોય તેમ 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે કારણ કે અત્યારે ખેતરમાં તૈયાર પાક પડયો છે જેને નુકસાન થયું છે. તેમજ કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને પણ અસર પહોંચશે. માવઠાના કારણે સૌરાષ્ટ્રના એપીએમસી દ્વારા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે વાતાવરણ ચોખ્ખુ ન થાય ત્યા સુધી જણસો લાવવી નહીં.’

શેરગઢ :

કેશોદ તાલુકાના શેરગઢ તથા આજુબાજુ વિસ્તારમાં આજરોજ બપોર પછી 1 ઈંચ વરસાદ પડયો હતો. આ વરસાદ પડતાં ખેતીમાં તૈયાર થતા મગફળી અને તેના ચારામાં મોટુ નુકસાન થયું છે.

જામનગર :

જામનગરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા જોરદાર પલટાના કારણે ગઈકાલે મિનિ વાવાઝોડા જેવો પવન ફૂંકાયા પછી આજ સવારથી જામનગર શહેર, જોડિયા અને લાલપુરમાં વાદળછાંયા વ્તાવરણ વચ્ચે કમોસમી વરસાદના છાંટા પડયા હતાં. સાથોસાથ બર્ફીલો પવન પણ અવિરત રહેતા શહેર જિલ્લાનું વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યું હતું.

ગારિયાધાર :

ગારિયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ હળવા કમોસમી વરસાદના ઝાપટાં વરસી પડયા હતા. શહેર ઉપરાંત નાનીવાવડી, પરવડી, નવાગામ, વિરી જેવા ગામે પણ ઝાપટું વરસી પડયું હતું.

સરા :

મૂળી તાલુકાના સરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે હળવા છાંટા પડતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતાં. ઠંડાગાર વાતાવરણ વચ્ચે ખેડૂતોના ખેતરમાં પાથરા કરેલ પાક બચાવવા પ્લાસ્ટિકથી ઢાકવા દોડધામ કરવી પડી હતી.

જામખંભાળિયા :

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંથકમાં ગઈકાલથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આજ વહેલી સવારથી વરસાદી માહોલ સાથે આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. વહેલી સવારથી ઠંડા પવનના સુસવાટા સાથે ખંભાળિયા પંથકના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદના છૂટા છવાયા છાંટાઓ પડયા હતાં. અત્યારે ખેડૂતોને ચોમાસુ પાક ખેતરમાં હોય અને માલ ઢોરના ચારા પણ ખુલ્લામાં પડયા હોય ત્યારે આ કમોસમી વરસાદ થવાની સંભાવના ઉભી થતા ચોમાસુ પાકની ઉત્પાદન થયેલ ખેત પેદાસને ભારે નુકસાન થવાની ભીતિથી ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

મોરબી :

મોરબી જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા વરસ્યા હતાં. જેને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું છે તો ખેડૂતોમાં પણ ચિતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ :

સોરઠના હવામાનમાં પલટો આવ્યા બાદ જિલ્લામાં 1 થી 7 મી.મી.કમોસમી વરસાદ પડતાં માર્ગો ઉપર પાણી વહેવા લાગ્યા હતા અને સર્વત્ર ટાઢોડુ છવાઈ ગયું હતું. જૂનાગઢ શહેર અને જિલ્લામાં વહેલી સવારથી છાંટા તથા ઝાપટા રૂપે કમોસમી વરસાદ શરૂ થયો હતો.

માણાવદર :

માણાવદર તાલુકાનામાં કમોસમી વરસાદથી પાકને નુકસાની થયેલ છે તેમજ ખુલ્લામાં પડેલ ચારો બગડયો છે. વરસાદથી રોડ ઉપર પાણી ફરી વળ્યા હતાં.

સુરત :

માવઠાની આગાહીની અસર સુરત જિલ્લાના બારડોલી સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, કપરાડામાં કમોસમી વરસાદ પડયો હતો. જેના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બારડોલીમાં બપોરના સમયે 2 થી 4 વાગ્યાના સુમારે અંદાજે 1 ઈંચ જેટલો વરસાદ પડયો હતો.

મોડાસા :

અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવાની સાથે કમોસમી વરસાદ થતા કારતકે શ્રાવણ જેવો અહેસાસ લોકોએ અનુભવ્યો હતો. સુપ્રસિધ્ધ શામળાજી મંદિરમાં કાર્તકી પૂર્ણિમાના મેળા ટાણે વરસાદ ખાબકતા મેળામા લાગેલ ટેન્ટ પલળી ગયા હતાં. વહેલી સવારે વરસાદથી ભકતોએ ભારે હાલાકી અનુભવી હતી. સતત 15 મિનિટસ સુધી વરસાદના કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.

અમદાવાદ :

રાજ્યમાં આજે અનેક વિસ્તારોમાં આફતનો વરસાદ પડયો છે. રાજ્યમાં હજુ પણ 47 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને હજુ બે દિવસ સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. પૂર્વી મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમની દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર પડશે. માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિના પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તો બીજી તરફ માવઠાની આગાહીના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તંત્રએ એપીએમસીમાં ચાર દિવસ દરમિયાન પાક લઈને ન આવે તેવી પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં વરસાદ બાદ આકરી ઠંડીનો ચમકારો અનુભવાશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :