સુરત એરર્પોટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે સજ્જ
સુરત એરપોર્ટ પર મુસાફરોની સતત વધી રહેલી સંખ્યાને પગલે દેશ – દુનિયાની મોટા ભાગની વિમાની કંપનીઓ સુરત હવાઈ મથકથી પોતાની વિમાની સેવા શરૂ કરવા માટે તત્પર છે. જા કે, સુરત એરપોર્ટ પર રન-વેની સમસ્યાને કારણે હાલ વિમાની કંપનીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સંદર્ભે મારી અને સુરતના સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ દ્વારા એરપોર્ટ ઓથોરોટી ઓફ ઇન્ડિયાને કરવામાં આવેલી રજુઆતો બાદ હવે સુરત એરપોર્ટ પર ૨૨૮૦ મીટરના રન-વે પરથી વિમાનોને લેન્ડીંગ અને ટેક ઓફ ની પરમીશન મળી ચુકી છે.
આ સંદર્ભે ગત ૧૪મી ફેબ્રુઆરીના રોજ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી ગુરૂપ્રસાદ મહાપાત્રને પત્ર લખીને આ સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૨મી માર્ચના રોજ નવી દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત દરમ્યાન પણ બન્ને સાંસદો દ્વારા સુરત એરપોર્ટ પર રન-વેની સમસ્યા સંદર્ભે તેઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને પગલે ડીજીસી દ્વારા એક ટીમ સુરત એરપોર્ટ ખાતે મોકલીને ઇન્સ્પેક્શન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા ઈન્સ્પેક્શન બાદ સુરત એરપોર્ટ પર તૈયાર થયેલા ૨૯૦૫ મીટરના રન-વે પૈકી ૨૨૮૦ મીટરના રન-વેના ઉપયોગને મંજુરી આપવાનો નિર્ણય લેવાયો હતો. વેસુ તરફની નડતર રૂપ ઈમારતોના મુદ્દે જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી ૬૨૫ મીટરનો રન-વે હાલ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. બન્ને સાંસદોની સફળ રજુઆતને પગલે ડી.જી.સી.એ દ્વારા સુરત એરપોર્ટને વૈશ્વિક સ્તરનું બનાવવા માટે ૪૪૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ડી.જી.સી. દ્વારા સુરત એરપોર્ટ પર ૨૨૮૦ મીટરના રન-વેના ઉપયોગને લીલી ઝંડી આપવાના નિર્ણયને પગલે હવે શહેરીજનોને તેનો સીધો લાભ મળશે.
અત્યાર સુધી માત્ર ૧૯૦૫ મીટરના રન-વેનો ઉપયોગ ટેક ઓફ અને લેન્ડીંગ માટે કરવામાં આવતો હોવાને કારણે એરબસ ૩૧૯ અને ૩૨૦ જેવા મોટા વિમાનો માટે વિમાની કંપનીઓપર લોડ પેનલ્ટી લાગુ કરવામાં આવી હતી જેના કારણે વિમાનમાં ચોક્કસ સીટો ખાલી રાખવી પડતી હતી. જેનો સીધો ભાર શહેરીજનોએ ભોગવવો પડતો હતો. હવે રન-વેના મહત્તમ ઉપયોગને પગલે વિમાની કંપનીઓને પેનલ્ટી લોડમાંથી મુક્તિ મળશે. જેને કારણે વિમાની કંપનીઓ વિમાનની તમામ સીટની ટિકીટો વેચી શકશે. જેના કારણે વિમાની દરમાં પણ ઘટાડો થશે. જેનો સીધો લાભ શહેરીજનોને મળશે. સુરત વિમાની મથકે સતત વધી રહેલા એર ટ્રાફિક અને ઉતારૂઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને મોટા ભાગની વિમાની કંપનીઓ સુરતથી દેશના અન્ય શહેરોને સાંકળતી વિમાની સેવા શરૂ કરવા માટે તત્પર છે. જ્યારે હવે એરપોર્ટ પર રન-વેની લંબાઈની સમસ્યાનું સમાધાન થતાં એર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઈસજેટ માટે સુરતથી દુબઈ અને સુરતથી બેંગકોકની સીધી વિમાની સેવા શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે. આ બંને વિમાની કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી સુરતથી આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ કરવા માટે તત્પર હતી. તેમજ એર એશિયા દ્વારા પણ તૈયારી બતાવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
