ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં આકરા તાપથી થઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ હજુ પણ વધવાની શક્યતા છે, જેને પગલે કચ્છ સહિતના વિસ્તારો માટે ખાસ યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 24 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે. ઉકળાટ અને ગરમ પવનોને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે તબીબી સલાહ આપવામાં આવી છે.
રાજકોટમાં આજે (13મી એપ્રિલ) ગરમીએ માઝા મૂકી હતી. 41.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. આકરા તાપને કારણે બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં 40.7 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ, ભુજ અને સુરેન્દ્રનગરમાં પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો.
હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, હાલ રાજ્યભરમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી 4-5 દિવસ સુધી ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.
આશા ભોસલેના 92 વર્ષે નિધન પછી આજે તેમના પાર્થિવ શરીર તેમના ઘરે લાવવામાં આવ્યું છે. આજે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આવતીકાલે સવારના અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી પાર્થિવદેહના દર્શન માટે રાખવામાં આવશે, ત્યાર બાદ બે વાગ્યા પછી અંતિમયાત્રા કાઢવામાં આવશે. શિવાજી પાર્કમાં ચાર વાગ્યે રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવશે. દરમિયાન મીડિયા સહિત ફોટોગ્રાફરને સંયમપૂર્ણ કવરેજ કરવાની અપીલ કરવામાં આવી છે.
જોકે, આજે 12/04/2026 સાંજના પાર્થિવદેહને ઘરે લાવવામાં આવ્યા પછી ઘરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મનસે પ્રમુખ રાજ ઠાકરે સહિત અન્ય નેતા અને જેકી શ્રોફ હાજર રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. એના અગાઉ રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપીને પોસ્ટ મૂકી હતી.
મંગેશકર પરિવારની ગાયિકા બહેનોમાં લતા મંગેશકર પછી સૌથી વધુ પ્રસિદ્ધિ મેળવનાર ગિનીસ બુકમાં સ્થાન મેળવનાર, પદ્મ વિભૂષણથી સન્માનિત અને કરોડો ચાહકોના દિલ પર સાત દાયકાથી વધુ સમયથી રાજ કરનાર, સૌના લાડલી ‘તાઈ’ આશા ભોસલેનો ચાહક વર્ગ સામાન્ય વ્યક્તિથી લઈને રાજકારણીઓનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમના નિધનથી ભારતીય સંગીતમાં એક યુગનો અંત આવ્યો છે. ભોસલેનું રવિવારે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં 92 વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે અવસાન થયું.
તાજેતરમાં થયેલી વાતચીતને યાદ કરતાં ફડણવીસે કહ્યું, “અમે વિશ્વ રેડિયો દિવસના કાર્યક્રમમાં સાથે હતા જ્યાં તેમણે મને ‘અભી ના જાઓ છોડકર’ ગાવાનો આગ્રહ કર્યો અને સ્મિત સાથે કહ્યું, ‘જુઓ, મેં મુખ્યપ્રધાન પાસે ગવડાવ્યું’. એ માનવું મુશ્કેલ છે કે હવે તેઓ આપણી વચ્ચે નથી.”ફડણવીસે તેમની ગાયકીની વૈવિધ્યતાને યાદ કરતા ભોંસલેના અવાજને “સંગીતનો આત્મા” ગણાવ્યો હતો. ફડણવીસે કહ્યું કે બદલાતા સમય સાથે સરળતાથી અનુકૂલન સાધનાર તેઓ અનન્ય કલાકાર હતા, જેમની ખોટ પૂરી નહીં શકાય.
રાજ્યપાલ વર્માએ તેમના શોક સંદેશમાં જણાવ્યું હતું કે આશા ભોસલે ભારતે જોયેલા સૌથી કુશળ અને બહુમુખી પ્લેબેક ગાયકોમાંના એક હતા. તેમણે વધુમાં કહ્યું કે તેમનો મધુર અવાજ, વિવિધ શૈલીના સંગીત ગાવાની તેમની ક્ષમતા અને ભારતીય સંગીતમાં તેમના વિશાળ અને વૈવિધ્યસભર યોગદાને ભારત અને વિશ્વભરના સંગીત પ્રેમીઓની અનેક પેઢીઓ પર અમીટ છાપ છોડી છે. રાજ્યપાલે જણાવ્યું હતું કે તેમના પ્રખ્યાત ગીત “જો ભી હૈ બસ યહી એક પલ હૈ”ની પંક્તિ તેમના જીવનની ફિલોસોફી બની ગઈ હતી. રાજ્યપાલે નોંધ્યું કે આશા ભોંસલેએ સ્વર્ગસ્થ આરડી બર્મન સાથે લગ્ન કર્યા હોવાથી તેમના પરિવાર સાથે તેમનો ગાઢ સંબંધ હતો.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે પેઢીઓને મંત્રમુગ્ધ કરનાર દિવ્ય અવાજ શાંત થઈ ગયો. આશા ભોંસલેને ‘ગાનસામ્રાજ્ઞિ’ની ઉપમા આપતા તેમણે કહ્યું કે, અસંખ્ય હૃદયોને તેઓ જાદુઈ દુનિયામાં લઈ ગયા હતા.
નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે કહ્યું કે આશા ભોંસલેના અવસાનથી સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે, અને “સુરોની મહારાણી” ઇતિહાસમાં વિલય થયો છે. આશા ભોંસલેની કારકિર્દી કલા પ્રત્યેની સખત મહેનત, સાતત્ય અને સમર્પણનું પ્રતીક છે, એમ તેમણે જણાવ્યું.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમણે લખ્યું હતું કે તેમણે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે. તેમના નિધનના સમાચાર હૃદયવિદારક છે, એમ તેમણે એક્સ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું. ત્રણ મહિના પહેલા અશાતાઇ સાથે થયેલી મુલાકાત પણ તેમણે યાદ કરી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક સ્વ એટલે કે પોતાનું રાજ ચાલતું હોય તેમ ઉમેદવારીપત્રો ભરાવાના છેલ્લા દિવસે જ 100 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, તેમાં મોટાભાગના ભાજપના છે. રાજ્યમાં મહાનગરપાલિકા, પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની કુલ 10,005 બેઠકો માટે 26મી એપ્રિલે મતદાન યોજાનાર છે. જ્યારે બુધવાર સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. આ સંજોગોમાં બિનહરીફ જીતનારની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 237 ઉમેદવારો બિનહરીફ થયા હતા તેમાં વધારો થશે કે ઘટાડો તેના ઉપર રાજકીય પંડિતોની નજર છે.
ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે આગામી 26મી એપ્રિલના રોજ મતદાન, 11મી એપ્રિલના રોજ ઉમેદવારીપત્રો નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ઉમેદવારી નોંધાવાઈ છે ત્યાં જ રાજ્યભરની કુલ દસ હજાર બેઠકોમાંથી એક ટકો એટલે કે 100 બેઠકો ઉપર ઉમેદવારો સીધા જ બિનહરીફ વિજેતા બન્યા છે. બિનહરીફ જાહેર થયેલાંમાં મોટાભાગના ભાજપના છે. સામે પક્ષે ઉમેદવારી ન નોંધાવાના કારણે અને એક જ ઉમેદવાર હોવાથી બિનહરીફ વિજેતા જાહેર થાય છે. તો, કોઈ સ્થળે નોંધાવાયેલી ઉમેદવારી ટેકનિકલ કારણોસર રદ થાય અને એક જ ઉમેદવાર વધે તો બિનહરીફ વિજેતા જાહેર થતાં હોય છે.
બિનહરીફ વિજેતા થનારાઓની સંખ્યા તાલુકા પંચાયતોમાં વિશેષ રહે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્વ એટલે કે પોતાના કે પક્ષના જોરે અન્ય કોઈની ઉમેદવારી ન નોંધાય તેવી સ્થિતિમાં બિનહરીફ વિજેતા જાહેર થાય છે.
ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે સૌથી મોટો વિજય ભાજપે કડી પાલિકા જીતીને મેળવ્યો છે. કડીની કુલ 36 બેઠકોમાંથી 23 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ 1, 3 અને 6ની જ 12 બેઠકોનો સમાવેશ થાય છે. કચ્છમાં ભુજ પાલિકાની 3, નખત્રાણા તાલુકા પંચાયતની બે અને માંડવી તાલુકા પંચાયતની બે બેઠકો ભાજપે બિનહરીફ મેળવી છે. નવસારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 9, ગણદેવી તાલકા પંચાયતમાં 6, તાપીમાં 4, વલસાડ તાલુકા પંચાયતમાં 5, મહેમદાવાદ નગર પાલિકા અને તાલુકા પંચાયતમાં 6, ઓલપાડ તાલુકા પંચાયતમાં 2, સુરેન્દ્રનગર તાલુકા પંચાયતમાં 2, ધ્રાંગધ્રા પાલિકાના વોર્ડ-1ની ચાર, પોરબંદરના વોર્ડ નંબર 12ની ચાર, તાલુકા પંચાયતની 3 બેઠકો ભાજપે બિનહરીફ મેળવી છે. તો બનાસકાંઠામાં ચાર, જામજોધપુર તાલુકા પંચાયતમાં એક, ગોધરા પાલિકાના વોર્ડ 3, 4 અને 11માં ત્રણ મહિલા કાઉન્સિલર, ગોંડલ પાલિકાના વોર્ડ-7માં બે મહિલા અને રાજપિપળા પાલિકાના વોર્ડ-7માં પૂર્વ મહિલા પ્રમુખ બિનહરીફ થયાં છે. તો, કોંગ્રેસે હિંમતનગર પાલિકાના વોર્ડ-3માં એક બેઠક બિનહરીફ મેળવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાના વાસણા વોર્ડમાં ચારમાંથી કોંગ્રેસના એક ઉમેદવાર ઓબીસી અનામત સર્ટીફિકેટ રજૂ ન કરી શકતાં એક સીટ ભાજપને બિનહરીફ મળી છે. વાસણા વોર્ડની ઓબીસી અનામત બેઠકમાં ચકાસણી બાદ ભગવતીબહેન ભરવાડ બિનહરીફ જાહેર થશે તો અમદાવાદમાં મતદાન પહેલાં જ ભાજપ જીતનું ખાતું ખોલાવશે.
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના SGCCI બિઝનેસ કનેકટ દ્વારા તા. ૧૮ એપ્રિલ, ર૦ર૬ના રોજ સવારે ૮:૩૦થી બપોરે ૧:૦૦ કલાક દરમિયાન પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે AI ડ્રિવન ‘સ્પીડ બિઝનેસ નેટવર્કિંગ કોન્કલેવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, SGCCI બિઝનેસ કનેકટ દ્વારા સમગ્ર દેશમાં પ્રથમ વખત એક અનોખા કોન્કલેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડ્રિવન હશે તેમજ તેમાં અસરકારક નેટવર્કિંગ માટે ફેસ ટુ ફેસના ત્રણ રાઉન્ડ કરવામાં આવશે. આ AI ડ્રિવન ‘સ્પીડ બિઝનેસ નેટવર્કિંગ કોન્કલેવ’ આયોજિત કરવાનો મુખ્ય હેતુ ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને ઝડપી અને અસરકારક રીતે નવા બિઝનેસ કનેકશન બનાવવાની તક પ્રદાન કરવાનો છે. આ પ્લેટફોર્મ દ્વારા ભાગ લેનારાઓને નવી ભાગીદારી, સહકાર અને વિકાસના માર્ગો શોધવામાં સહાય મળશે.
ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આ અનોખા કોન્કલેવમાં વિવિધ ક્ષેત્રના પ૦૦થી વધુ ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયિકો તથા પ્રોફેશનલ્સને એકત્રિત કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને એક જ પ્લેટફોર્મ પર આવી ફેસ ટુ ફેસ બિઝનેસ મિટિંગ્સ દ્વારા નવા વ્યવસાયિક સંબંધો ઉભા કરવાની, વિચારોનું આદાન–પ્રદાન કરવાની અને તેના થકી બિઝનેસ વધારવાની તકો મળશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં પ્રથમ વખત આ પ્રકારનો AI આધારિત સ્પીડ બિઝનેસ નેટવર્કિંગ કોન્કલેવ આયોજિત થવા જઇ રહ્યો છે. આ કોન્કલેવમાં સુરતની ૧૦થી વધુ પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રતિનિધિઓને એક જ છત નીચે લાવવામાં આવશે, જેના કારણે ઉદ્યોગ જગતમાં નવી દિશાઓ ખુલી શકે છે.
ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી દીપકકુમાર શેઠવાલાએ જણાવ્યું હતું કે, કોન્કલેવ દરમિયાન ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકો વચ્ચે ફેસ ટુ ફેસ બિઝનેસ મિટિંગ્સનું આયોજન કરવામાં આવશે, જેમાં ૩૦–૩૦ મિનિટના ત્રણ અલગ અલગ રાઉન્ડ યોજાશે. દરેક રાઉન્ડમાં જુદી જુદી કેટેગરીના ઉદ્યોગકારો અને વ્યવસાયિકો સાથે મુલાકાત કરવાની તક મળશે, જેથી કોન્કલેવમાં ભાગ લેનારાઓને તેમના બિઝનેસ, પ્રોડકટ્સ તથા સેવાઓને વ્યાપક રીતે રજૂ કરવાની મહત્વની તક મળશે. આ સમગ્ર પ્રક્રિયા દ્વારા દરેક ઉદ્યોગ સાહસિક, આશરે ર૧ જેટલા વિવિધ બિઝનેસમેન સમક્ષ પોતાના બિઝનેસને રજૂ કરી બિઝનેસને વધારી શકશે. આ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન ડિજિટલી ઓનલાઇન કરાશે.
SGCCI બિઝનેસ કનેકટના ચેરમેન શ્રી ચંદ્રકાંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ સમગ્ર કોન્કલેવ એઆઇ આધારિત હોવાથી ફેસ ટુ ફેસ દરેક બિઝનેસ મિટિંગ્સને વધુ સ્માર્ટ અને અસરકારક બનાવવા માટે દરેક ટેબલ પર કયૂઆર કોડની વ્યવસ્થા કરવામાં આવશે. ભાગ લેનાર ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને જેઓની સાથે બિઝનેસ કરવામાં રસ હશે, તેઓ કયૂઆર કોડ સ્કેન કરીને પોતાની રૂચિ દર્શાવશે. આ ડિજિટલ પ્રક્રિયા દ્વારા બિઝનેસ સંબંધિત તમામ માહિતી તુરંત જ સિસ્ટમમાં નોંધાઈ જશે અને તેનું લાઇવ ડિસ્પ્લે સ્ક્રીન પર જોવા મળશે, જેથી બિઝનેસ નેટવર્કિંગ વધુ પારદર્શક, ઝડપી અને પરિણામકારક બનશે.
SGCCI બિઝનેસ કનેકટના એડવાઇઝર શ્રી તપન જરીવાલાએ જણાવ્યું હતું કે, AI આધારિત સ્પીડ બિઝનેસ નેટવર્કિંગની પ્રક્રિયા વ્યવસાયિક મુલાકાતોને વધુ કાર્યક્ષમ અને પરિણામકારક બનાવશે. પરિણામે, આ કોન્કલેવ સુરતના ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રમાં નવી ઊર્જા પ્રેરિત કરીને સમગ્ર બિઝનેસ ઇકોસિસ્ટમને વધુ સશક્ત, ગતિશીલ અને સ્પર્ધાત્મક બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
કોન્કલેવ ઇન્ચાર્જ શ્રી વિશાલ બક્ષીએ જણાવ્યું હતું કે, આ કોન્કલેવમાં નિષ્ણાત વક્તાઓ તરીકે મુંબઈના શ્રી અમિત પાઠક અને સુરતના શ્રી વિશાલ શાહ ઉપસ્થિત રહેશે. આ બંને વકતાઓ ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને આધુનિક ટેકનોલોજી, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ દ્વારા બિઝનેસ ગ્રોથ કેવી રીતે મેળવી શકાય તેની વિગતવાર છણાવટ કરી માર્ગદર્શન આપશે.
ગરમી વધતાની સાથે જ ઘરો અને ઓફિસોમાં એસીનો વપરાશ વધી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોટાભાગના એસીમાં તાપમાન ઘટાડવાની મર્યાદા 16 ડિગ્રી અને વધારવાની મર્યાદા 30 ડિગ્રી જ કેમ હોય છે? ઘણા લોકોને લાગે છે કે આ માત્ર મેન્યુફેક્ચરિંગ ડિઝાઇન છે, પરંતુ હકીકતમાં તેની પાછળ મશીનની કાર્યક્ષમતા, સુરક્ષા અને માનવ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મહત્વના ટેકનિકલ કારણો જવાબદાર છે.
એસીનું મુખ્ય કાર્ય રૂમની ગરમ હવાને શોષી તેને રેફ્રિજરેન્ટ દ્વારા ઠંડી કરવાનું છે. જો એસીને 16 ડિગ્રીથી નીચે ચલાવવાની છૂટ આપવામાં આવે, તો તેની કૂલિંગ કોઈલ્સ પર બરફ જામવા લાગે છે. આ બરફ મશીનની કામ કરવાની ક્ષમતા ઘટાડે છે અને લાંબા ગાળે કમ્પ્રેસર પર અતિશય દબાણ લાવે છે, જેનાથી એસી જલ્દી ખરાબ થવાનું જોખમ વધી જાય છે. આ મશીનરીને લાંબો સમય સુરક્ષિત રાખવા માટે જ કંપનીઓ એક લિમિટ નક્કી કરે છે.
જેટલું ઓછું તાપમાન તમે સેટ કરશો, એસીના કમ્પ્રેસરને એટલી જ વધુ મહેનત કરવી પડશે. જો 16 ડિગ્રીથી નીચેનો વિકલ્પ આપવામાં આવે તો લોકો વધુ ઠંડકની લાલચમાં એસી ચલાવશે, જેનાથી વીજળીનું બિલ બમણું થઈ શકે છે. નિષ્ણાતોના મતે, મનુષ્ય માટે 24 થી 26 ડિગ્રી તાપમાન સૌથી આરામદાયક અને સ્વાસ્થ્યપ્રદ છે. 30 ડિગ્રીથી વધુ તાપમાન રાખવાનો કોઈ અર્થ નથી, કારણ કે તે રૂમના સામાન્ય વાતાવરણ જેવું જ બની જાય છે.
ખૂબ ઓછું તાપમાન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સતત 16 ડિગ્રીથી નીચેના તાપમાનમાં રહેવાથી સાંધાના દુખાવા, શરદી-ઉધરસ અને ચામડી સુકી પડવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. એસીની આ 16 થી 30 ડિગ્રીની રેન્જ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જે ભારતીય વાતાવરણ અને માનવ શરીરની સહનશક્તિ બંને સાથે સુસંગત રહે. આ મર્યાદા એસીની લાઇફ વધારે છે અને ગ્રાહકોના ખિસ્સા પરનો બોજ પણ ઓછો કરે છે.
Indian Embassy Vietnam Travel Advisory: વિયેતનામ સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાંની મુલાકાતે જતા ભારતીય નાગરિકો માટે એક અત્યંત મહત્ત્વની એડવાઈઝરી બહાર પાડી છે. આ એડવાઈઝરીમાં મુખ્યત્વે બે બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે: ફૂ ક્વોક(Phu Quoc) ટાપુ માટેના વિઝા નિયમો અને મુસાફરી દરમિયાન પાસપોર્ટ ખોવાઈ જવાના કિસ્સામાં ઊભા થતા જોખમો. હાલના સમયમાં ફૂ ક્વોક ટાપુ ભારતીય પ્રવાસીઓ માટે લોકપ્રિય બન્યો છે કારણ કે ત્યાં અમુક મર્યાદાઓ સાથે વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા મળે છે, પરંતુ દૂતાવાસે ચેતવણી આપી છે કે આ છૂટછાટ માત્ર આ ટાપુ પૂરતી જ સીમિત છે.
દૂતાવાસના જણાવ્યા અનુસાર, વિઝા વગર માત્ર ફૂ ક્વોક ટાપુ પર જ રહી શકાય છે, ત્યાંથી વિયેતનામના મુખ્ય ભૂભાગ જેવા કે હો ચી મિન્હ સિટી અથવા હનોઈમાં પ્રવેશ મેળવી શકાતો નથી. જો કોઈ પ્રવાસી પાસે માન્ય વિઝા ન હોય અને ટાપુ પર રોકાણ દરમિયાન કોઈ તબીબી કટોકટી, ફ્લાઈટમાં વિક્ષેપ કે અન્ય કોઈ અનિવાર્ય કારણસર ટાપુ છોડવાની ફરજ પડે, તો તેઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વિઝા વગર મુખ્ય ભૂભાગમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવાથી તબીબી સારવારમાં વિલંબ, અવરજવર પર નિયંત્રણો અને ઈમિગ્રેશનને લગતી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. આથી, દૂતાવાસે સલાહ આપી છે કે ભલે તમારો પ્રવાસ માત્ર ફૂ ક્વોક ટાપુ પૂરતો જ હોય, તો પણ અગાઉથી યોગ્ય વિયેતનામ વિઝા મેળવી લેવા હિતાવહ છે.
આ ઉપરાંત, બીજી મહત્ત્વની બાબત પાસપોર્ટ ખોવાઈ જવા અંગેની છે. જો કોઈ ભારતીય નાગરિક વિયેતનામમાં પોતાનો પાસપોર્ટ ખોઈ બેસે, તો તેણે તાત્કાલિક જે-તે વિસ્તારના પોલીસ મથકે ફરિયાદ નોંધાવવી પડશે. આ ફરિયાદની નકલ હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસ અથવા હો ચી મિન્હ સિટી સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયામાં જમા કરાવવાની રહેશે. જોકે ભારતીય સત્તાવાળાઓ તે જ દિવસે ઇમરજન્સી સર્ટિફિકેટ અથવા ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પ્રવાસીઓએ વિયેતનામીસ સત્તાવાળાઓ પાસેથી ‘એક્ઝિટ પરમિટ’ મેળવવા માટે ફરજિયાત રાહ જોવી પડે છે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે 3થી 5 કામકાજના દિવસો લાગે છે અને જ્યાં સુધી આ ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી ભારતીય નાગરિકોએ વિયેતનામમાં જ રોકાવું પડે છે, જેના કારણે પરત ફરવામાં વિલંબ થઈ શકે છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ટાણે પહેલેથી જ SIR હેઠળ મતદારોના નામ કપાવાનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે હજુ પણ 60 લાખ મતદારોના નામ પર વિચારણા ચાલી રહી હોવાનો ડેટા જાહેર થયો છે. ચૂંટણી પંચે આજે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)માં વિચારાધીન 60 લાખ મતદારોના નામનો ડેટા જાહેર કર્યો છે.
ચૂંટણી પંચે પહેલીવાર જિલ્લા મુજબ નામ દાખલ કરવાની અને હટાવવાની માહિતી શેર કરી છે. પંચના જણાવ્યા મુજબ, બંગાળમાં એસઆઇઆર પ્રક્રિયા હેઠળ અત્યાર સુધીમાં કુલ 90.66 મતદારોના નામ હટાવવામાં આવ્યા છે. પંચે 2025માં પ્રથમ તબક્કા હેઠળ ડ્રાફ્ટ લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં 58.2 લાખ મતદારોના નામ હટાવાયા હતા, ત્યારપછી ફેબ્રુઆરી-2026માં અંતિમ યાદી જાહેર કરાઈ હતી અને આમાં વધુ 5.46 લાખ મતદારો નામ કપાયા છે.
ચૂંટણી પંચે કહ્યું છે કે, ડેટામાં ટેકનિકલ સમસ્યાના કારણે 60 લાખથી વધુ મતદારોની ઊંડાઈપૂર્વક તપાસ કરીને ખાતરી કરાઈ રહી છે. અધિકારીઓ સંપૂર્ણ ચોક્સાઈથી તપાસ કરી શકે તે માટે આ મતદારોના નામ ન્યાયિક પ્રક્રિયા હેઠળની રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 59.84 લાખ મતદારોની ખાતરી કરી લેવાઈ છે, જેમાં સંપૂર્ણ તપાસ બાદ લગભગ 32.68 લાખ યોગ્ય મતદારોના નામ યાદીમાં નોંધવામાં આવ્યા છે, જ્યારે પાત્રતા વિનાના 27.16 લાખ મતદારોના નામ હટાવવામાં આવ્યા છે.
બંગાળમાં 23-29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા બાદ જિલ્લા મુજબ નામ જોડવાનો અને હટાવવાનો ડેટા જાહેર કરાયો છે. ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય, SIRની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવાનો અને મતદાર યાદીની વિશ્વસનિયતા વધારવાનો છે. અત્રે એ જણાવી દઈએ કે, આ ડેટા હવે જાહેરમાં ઉપલબ્ધ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 23 અને 29 એપ્રિલ-2026ના રોજ મતદાન યોજોવાનું છે, જ્યારે ચોથી મેના રોજ મતગણતરી થવાની છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત રિજિયને આદરેલા પ્રયાસોને પગલે સુરતના હીરા ઉદ્યોગપતિઓને આજે તા.6 એપ્રિલથી શરૂ કરીને આગામી તા.10મી મે 2026 સુધીના 35 દિવસ દરમિયાન સુરત ડાયમંડ બુર્સ ખાતે રૂ.1 હજાર કરોડની જંગી માર્કેટ વેલ્યુ ધરાવતા લાખો કેરેટના નેચરલ રફ ડાયમંડનો જથ્થો ઘર આંગણે જોવા, ચકાસવા મળશે અને સ્થાનિક ઉદ્યોગપતિઓ પોતાની પસંદના હીરાના પાર્સલોની બોલી લગાવીને તેની ખરીદી પણ ઘરે બેઠા કરી શકશે. જીજેઇપીસી ગુજરાત રિજિયને આજે સુરત ડાયમંડ બુર્સમાં ઇન્ડીયા રફ ડાયમંડ શૉનો આરંભ કર્યો હતો.
સુરત કે જ્યાં હીરાની એક પણ ખાણ નથી આમ છતાં વિશ્વના દર 10માંથી 9 કાચા હીરા કટ એન્ડ પોલિશ થાય છે, એ સુરતના હીરા ઉદ્યોગમાં પહેલી વખત રફ ડાયમંડની સૌથી મોટી ઇન્વેન્ટરીનું એક્ઝિબિશન કમ સેલ યોજવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગતો આપતા જીજેઇપીસીના ગુજરાત ચેરમેન જયંતિ સાવલિયા, દિનેશ નાવડીયા, હિતેશ શાહ, રજત વાણી સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જીજેઇપીસીને 35 દિવસની પરવાનગી આપી છે તેઓ વિદેશી કંપનીઓને સુરતમાં સુરત ડાયમંડ બુર્સ ખાતે તેડાવીને તેમની પાસે ઉપલબ્ધ રફ ડાયમંડ્સના જથ્થાનું વેચાણ કરવા અર્થે પ્રદર્શન, વ્યૂઇંગ કરી શકશે. હીરાનો જથ્થો લઇને આવનાર વિદેશી કંપનીઓ પાસેથી ન તો જીએસટી વસૂલ કરાશે કે ન તો કોઇપણ પ્રકારનો ટેક્સ કે ડ્યૂટી વસૂલ કરવામાં આવશે. વિદેશી કંપનીઓ અહીંયા ફક્ત સુરતના ઉદ્યોગકારો, વેપારીઓને પોતાના રફ ડાયમંડના પાર્સલો બતાવી શકશે. રફ ડાયમંડનું વ્યૂઇંગ, પ્રદર્શન પૂર્ણ થઇ ગયા બાદ કંપનીઓ પોતાનો જથ્થો પુનઃ પોતાના હેડક્વાર્ટર દેશમાં પરત લઇ જશે અને ત્યાંથી તેની ઓનલાઇન હરાજી-બિડીંગ કરશે અને જેણે ઉંચી રકમની બોલી લગાડી છે એ ગ્રાહકને તેના સરનામે માલ પહોંચતો કરશે.
આ પ્રકારે સુરતમાં પહેલી વખત રફ ડાયમંડ્સના રૂ.1000 કરોડનો જંગી જથ્થો 35 દિવસ દરમિયાન સુરતમાં આવશે. અને સુરત ડાયમંડ બુર્સની પ્રીમાઇસીસમાં તેનું પ્રદર્શન યોજાશે. હાલમાં દુબઇની કંપનીને 6 દિવસના બે સ્લોટ તેમજ ઇઝરાયેલની એક કંપનીને 6 દિવસનો એક સ્લોટ ફાળવવામાં આવ્યો છે. હજુ 6 દિવસનો એક સ્લોટ ખાલી રહે છે, આ ખાલી સ્લોટ ફાળવણી માટે અનેક કંપનીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે. સુરતમાં લાખો કેરેટ નેચરલ રફ ડાયમંડ્સનું એક્ઝિબિશન માટેની તમામ વ્યવસ્થા જીજેઇપીસી દ્વારા ઉભી કરવામાં આવી છે. કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયે સ્પેશ્યલ નોટીફાઇડ ઝોનને મળતી સુવિધા હંગામી રીતે 35 દિવસ માટે જીજેઇપીસીને કરી આપી છે.
યુદ્ધની આફત વચ્ચે સુરતે અવસર શોધી કાઢ્યોઃ દિનેશ નાવડીયા
સુરતમાં હીરા ઉદ્યોગપતિઓને નેચરલ રફ ડાયમંડ્સનો જથ્થો સુરતમાં જ જોવા મળે અને સુરતથી જ તેની બોલી લગાડી શકાય તે માટેની સ્પેશ્યલ સુવિધા વિકસાવવામાં મહત્વની ભૂમિકા અદા કરનાર હીરા ઉદ્યોગ અગ્રણી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે મિડલ ઇસ્ટના યુદ્ધની નકારાત્મક અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. અમે આ આફત વચ્ચે અવસર શોધી કાઢ્યો અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી કે જ્યાં વિશ્વના 90 ટકા હીરાનું કટીંગ પોલિશિંગ થાય છે તે સુરતમાં જ રફ ડાયમંડનું ટ્રેડિંગ હબ વિકસાવવું હોય તો હાલમાં દુબઇનો કારોબાર સદંતર બંધ છે, દુબઇની કંપનીઓ રફ ડાયમંડ વેચવા માટે સુરત આવવા માટે તૈયાર છે, કેટલીક છૂટછાટ આપવામાં આવે તો આ શક્ય છે. જીજેઇપીસી સુરતના નેજા હેઠળ કેન્દ્ર સરકારને રજૂઆત કર્યાના ગણતરીના દિવસોમાં જ 35 દિવસ માટે જીજેઇપીસીને આ અવસર મળી ગયો. હાલમાં હીરા ખરીદી માટે કોઇ દુબઇ જઇ શકતું નથી કે જવાની હિંમત કરી શકતું નથી, એટલે ઉદ્યોગકારોને સુરતમાં જ 1000 કરોડ રૂપિયાના રફ ડાયમંડનો જથ્થો ખરીદવા માટેની તક સાંપડી છે.
નેચરલ રફ હીરા ખરીદવા દુબઇ, બેલ્જિયમ, ઇઝરાયેલા, કેનેડા નહીં જવું પડે
અત્યારે સુરતના હીરા ઉદ્યોગપતિઓ અગર તો તેમના પરચેઝ સ્ટાફે નેચરલ રફ ડાયમંડ્સ ખરીદવા માટે નિયમિત રીતે દુબઇ, બેલ્જિયમ, ઇઝરાયેલ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં અવારનવાર જવું પડે છે. હવાઇ ટિકીટ, એકોમોડેશન, ટ્રાન્સપોર્ટેશન અને સમય પછી રફ હીરાની ક્વોલિટી કે પ્રાઇસ અનુકૂળ ન આવે તો ફેરો ફોગટ જાય છે. આવી સ્થિતિમાં જો રફ ડાયમંડ્સની હરાજી નિયમિત રીતે સુરતમાં જ યોજાવાનું શરૂ થઇ જાય તો ઉદ્યોગપતિઓ કે તેમના સ્ટાફે હીરાની ખરીદી માટે અવારનવાર વિદેશોમાં લાખો રૂપિયા ખર્ચીને જવું ન પડે. તેઓ સુરતમાં જ હીરા જોઇ, ચકાસીને ખરીદી કરી શકે તો મોટી રકમની બચત થઇ શકે એમ હીરા ઉદ્યોગપતિ હિતેશ શાહે જણાવ્યું હતું.
ગુજરાતમાં કારનું વેચાણ વધ્યું છે. નાણાકીય વર્ષ 2026માં ગુજરાતના પેસેન્જર વ્હીકલ માર્કેટમાં 11% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, આ વૃદ્ધિ ક્લીન મોબિલિટી તરફના સંપૂર્ણ ઝુકાવને બદલે વિવિધ પ્રકારના ઈંધણના વિકલ્પો પર વધુ આધારિત રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના તાજેતરના રજિસ્ટ્રેશન ડેટા મુજબ, કારનું કુલ વેચાણ નાણાકીય વર્ષ 2025માં 3.47 લાખ યુનિટથી વધીને નાણાકીય વર્ષ 2026માં 3.86 લાખ યુનિટ થયું છે. આ આંકડા ખર્ચ, પર્ફોર્મન્સ અને ઉપયોગની પદ્ધતિના આધારે બદલાતી ગ્રાહકોની પ્રાથમિકતા દર્શાવે છે.
ડીઝલ વાહનો આ વૃદ્ધિમાં સૌથી મોટા ફાળો આપનાર તરીકે ઉભરી આવ્યા છે. ડીઝલ વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે અંદાજે 11,800 યુનિટનો વધારો થયો છે, જે લગભગ 16% નો ઉછાળો સૂચવે છે. ઉદ્યોગના નિષ્ણાતો આ સ્થિરતા પાછળ SUV અને મોટા વાહનોની સતત માંગને જવાબદાર માને છે, જ્યાં ડીઝલ એન્જિન હજુ પણ શ્રેષ્ઠ ટોર્ક, ઈંધણ કાર્યક્ષમતા અને હાઈવે પર્ફોર્મન્સ આપે છે.
સૂત્રોએ જણાવ્યું કે, SUV પ્રત્યેનો મજબૂત આકર્ષણ ડીઝલની માંગ વધારી રહ્યો છે. જે ગ્રાહકો વારંવાર લાંબા અંતરની મુસાફરી કરે છે તેઓ હજુ પણ ડીઝલને સૌથી વ્યવહારુ વિકલ્પ માને છે. સમગ્ર ગુજરાતમાં SUVની લોકપ્રિયતા વધી રહી છે કારણ કે પરિવારો હવે લાંબા અંતરની સડક મુસાફરીને વધુ પસંદ કરી રહ્યા છે. સેડાન પસંદ કરતા ગ્રાહકો હવે હાઈવે પર વધુ આરામ, જગ્યા અને ડ્રાઈવિંગ કોન્ફિડન્સ માટે SUV પસંદ કરી રહ્યા છે. ઘરોમાં હવે એક SUV પ્રવાસ માટે અને બીજી કાર રોજિંદા ઉપયોગ માટે રાખવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ સ્થિતિમાં, ઊંચી કિંમત હોવા છતાં ડીઝલ SUV લોકપ્રિય પસંદગી બની રહી છે.
પેટ્રોલ-CNG વાહનોમાં પણ 14% થી વધુ અથવા 18,000 થી વધુ યુનિટ્સનો મજબૂત વધારો નોંધાયો છે. ઈંધણના ઊંચા ભાવોને કારણે શહેરી અને અર્ધ-શહેરી ગ્રાહકો ઓછા રનિંગ કોસ્ટ માટે CNG તરફ વળી રહ્યા છે. આનાથી ભારતના સૌથી મજબૂત CNG વ્હીકલ માર્કેટ તરીકે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત થયું છે.
હાઈબ્રિડ સેગમેન્ટમાં ટકાવારીની દ્રષ્ટિએ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં ડીઝલ હાઈબ્રિડમાં 55% અને હાઈબ્રિડ EVમાં 36% નો વધારો થયો છે. જોકે, તેમની કુલ સંખ્યા હજુ મર્યાદિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, EV અપનાવવામાં આવતા પડકારો વચ્ચે હાઈબ્રિડ વાહનો એક મધ્યમ માર્ગ તરીકે સ્વીકૃતિ મેળવી રહ્યા છે, જોકે ઊંચી કિંમત અને મર્યાદિત મોડેલો હજુ પણ તેના વ્યાપક ઉપયોગને મર્યાદિત કરે છે.
માત્ર પેટ્રોલથી ચાલતા વાહનોના વેચાણમાં થોડો ઘટાડો થયો છે. ડેટા મુજબ ગ્રાહકો ઈલેક્ટ્રિફિકેશન તરફ એકધારો ફેરફાર કરવાને બદલે ખર્ચ અને જરૂરિયાત મુજબ ઈંધણની પસંદગી કરી રહ્યા છે.
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે 05/04/2026 અહીં તેમની વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિવાદાસ્પદ નિવેદન આપતા ગુજરાતના લોકોને “અભણ” ગણાવ્યા હતા અને દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓને “મૂરખ” બનાવવામાં આવી રહ્યા છે. આને કારણે મોટો વિવાદ થયો છે. આ અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પ્રતિક્રિયા આપી છે. તેમજ કહ્યું છે કે આ 6 કરોડ ગુજરાતીઓનું અપમાન છે. તેમજ ગુજરાતના લોકો અંગે આપવામાં આવેલા નિવેદનો ખૂબ જ વાંધાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે.
ખડગેએ કહ્યું હતું કે મોદી કે કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયન કેરળના લોકોને મૂરખ બનાવી શકતા નથી, તેમણે કેરળના લોકોને “ખૂબ જ હોંશિયાર અને શિક્ષિત” ગણાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, “કેરળના લોકોને ગેરમાર્ગે દોરશો નહીં. તેઓ ખૂબ જ હોંશિયાર અને શિક્ષિત છે. મોદીજી, વિજયન, તમે બંને ગુજરાત કે અન્ય સ્થળોએ જે લોકો અશિક્ષિત છે તેમને મૂરખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂરખ બનાવી શકતા નથી.
તેમણે એવો આક્ષેપ કરતા આ ટિપ્પણી કરી હતી કે મોદી અને વિજયન બંને એક જ રસ્તા પર ચાલી રહ્યા છે અને તેઓ જે પક્ષોનું નેતૃત્વ કરે છે તે સિવાય તેમની વચ્ચે કોઈ તફાવત નથી. ખડગેએ કહ્યું કે, “એલડીએફ અને ભાજપ સાથે મળીને આગળ વધી રહ્યા છે અને કોંગ્રેસ પર હુમલો કરી રહ્યા છે. દિલ્હીમાં મોદી અને કેરળમાં વિજયનની કાર્યશૈલી સમાન છે. તેઓ સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત રાખવા માંગે છે.” તેમણે દાવો કર્યો હતો કે, હકીકતમાં, મેં લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે પિનારાયી વિજયન કેરળના મોદી છે અને ભાજપ તથા એલડીએફએ કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે ગુપ્ત રીતે કાવતરું ઘડ્યું છે.
ખડગેએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિજયન પર મોદીનું નિયંત્રણ છે અને તેઓ હવે સ્વતંત્ર માણસ રહ્યા નથી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ભાજપ સૌથી કોમવાદી પક્ષ છે અને તે આરએસએસની સાથે મળીને દેશને બરબાદ કરી દેશે. ખડગેએ મોદીને “જૂઠા” ગણાવ્યા અને લોકોને તેમના પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે પીએમ સત્તામાં આવ્યા પછી દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું તેમનું વચન પૂરું કરવામાં નિષ્ફળ રહ્યા છે.
જ્યારે આ અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પ્રતિક્રિયા આપી છે. તેમજ કહ્યું છે કે આ 6 કરોડ ગુજરાતીઓનું અપમાન છે. તેમજ ગુજરાતના લોકો અંગે આપવામાં આવેલા નિવેદનો ખૂબ જ વાંધાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે આવી ટિપ્પણીઓ માત્ર ગુજરાતના 6 કરોડ લોકોનું અપમાન જ નથી કરતી પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પવિત્ર ભૂમિની ગરિમાને પણ ઊંડી ઠેસ પહોંચાડે છે.
ગુજરાતે હંમેશા રાષ્ટ્રનિર્માણ, વિકાસ અને એકતામાં અગ્રણી ભૂમિકા ભજવી છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ રાખશે. આવા નિવેદનો કોંગ્રેસ પક્ષની સંકુચિત માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. આ ટિપ્પણીઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપની વિકાસની રાજનીતિ અને તેને મળી રહેલા વ્યાપક જાહેર સમર્થન સામે કોંગ્રેસ કેટલી અસ્વસ્થતા અને અસુરક્ષિત અનુભવે છે. ગુજરાતના જાગૃત લોકો આવા નિવેદનોનો જવાબ કેવી રીતે આપવો તે જાણે છે. તેમજ એ ચોક્કસ છે કે આવનારા સમયમાં, કેરળના લોકો પણ કોંગ્રેસને નકારી કાઢશે અને ભાજપની વિકાસની રાજનીતિને ટેકો આપશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.