ડાયમંડ નગરી સુરતમાં ગુજરાતના ઈતિહાસમાં કદાચ પ્રથમ કહી શકાય તેવા પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર વેચવા આવેલા 7 યુવકો પકડાયા હતા. જ્યારે માસ્ટર માઈન્ડ અમદાવાદી ફરાર થઈ ગયો હતો. લસકાણા ખાતે નવજીવન સર્કલ પાસેના સહજાનંદ હબમાં પહેલા માળે આવેલા પટેલ લાઈફ પાર્ટનર નામની મેરેજ બ્યુરોની ઓફિસમાં રેડ પાડીને પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. વડોદરાથી એક વકીલ સહિત પાંચ જણા ઝેરનો સોદો કરવા આવ્યા હતા. મેરેજ બ્યુરોના સંચાલક તથા તેના સાઢુ ભાઈએ ઝેરનો 9.10 કરોડમાં સોદો નક્કી કર્યો હતો. ડીલ ચાલતી હતી તે સમયે પોલીસ ત્રાટકી હતી. અમદાવાદના વ્યક્તિ પાસેથી આ ઝેર વેચવા લાવવામાં આવ્યું હતું તે ફરાર થઈ ગયો હતો.
એસઓજી મળેલી બાતમીના આધારે નવજીવન સર્કલની પાસે આવેલા સહજાનંદ હબમાં પહેલા માળે આવેલા પટેલ લાઈફ પાર્ટનર મેરેજ બ્યુરોમાં રેડ કરી હતી. જેમાં પ્રતિબંધિત કોબ્રા સાપનાં ઝેર (વેનમ)નો સોદો કરી રહેલા 7 જણાને ઝડપી લીધા હતા. એક કાચની બોટલમાં 6.5 મિલી લીટર સાપનું ઝેર જેની કિંમત રૂ.5.85 કરોડ ગણી શકાય તે પોલીસે કબજે કર્યું હતું.
સુરત SOG ટીમને બાતમી મળી હતી કે કોબ્રા સાપના ઝેરને વેચવા કેટલાક શખ્સો પૂછપરછ કરી રહ્યા છે. આ ગેંગ સુરતમાં મેરેજ બ્યુરો ચલાવી રહેલા મનસુખ ઘીનૈયા સાથે સંપર્કમાં હતી. જ્યાં ડીલ ડન થઈ હતી. આરોપીઓ રકમના સોદામાં દરેકના ટકાવારી પ્રમાણે કમિશન નક્કી હતા. પણ ડીલ ડન થાય તે જ પહેલા ચોક્કસ વોચ ગોઠવી દરોડા પાડવામાં આવ્યા હતા. સાતેય આરોપીની પૂછપરછ કરતાં બહાર આવ્યું કે, અમદાવાદના આરટીઓ સર્કલ પાસે રહેતા મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોનીએ વડોદરાના પ્રશાંત અને મકરંદને આ ઝેર વેચવા માટે આપ્યું હતું. તેઓ કિંમતી ઝેરના વેચાણ માટે નેટવર્કનો વિસ્તાર કરી રહ્યા હતા. માસ્ટર માઈન્ડ અમદાવાદીઘનશ્યામ સોનીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતુ કે સુરત એસ.ઓ.જી દ્વારા પકડી પાડવામાં આવેલા ઝેરનું પરિક્ષણ કરવા માટે વન વિભાગ તરફથી હૈદરાબાદ, અથવા પુણે ખાતે આવેલી એડવાન્સ્ડ સ્નેક રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવશે. જયાં ખરેખર કઈ પ્રજાતિનાં સાપનું ઝેર છે, તેની ગુણવત્તા સહિતની બાબતોનું પરીક્ષણ અને રિપોર્ટ તૈયાર થશે. ત્યારબાદ આરોપીઓ સામે વન વિભાગ તરફથી પણ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી આગળ વધારવામાં આવશે.
ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે, વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય કમોસમી વરસાદ થવાના સંકેત મળી રહ્યા છે. કારણ કે હવામાન વિભાગની આગાહી મુજબ 20 જાન્યુઆરી પછી ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે જેની અસર ગુજરાતમાં પણ થશે તેવી શક્યતાઓ છે.
આ સાથે ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાવાનું શરૂ થતા રાજ્યમાં ઠંડીનું જોર પણ વધશે, હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર આગામી એક અઠવાડિયામાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની ભીતિ છે. જેના લીધે પશ્ચિમી હિમાલય વિસ્તારમાં વરસાદ તેમજ બરફવર્ષા પડી શકે છે. જેની અસર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરમાં વધારે થશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણ પર પણ થઈ શકે. જો કે, હવામાન વિભાગ મુજબ હાલમાં ગુજરાત વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.
આગામી સમયમાં લઘુતમ તાપમાન 14 થી 15 ડિગ્રીની આસપાસ તો મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધી પહોંચી શકે તેવું અનુમાન આપવામાં આવ્યું છે. ઠંડી, ગરમી અને વરસાદની વકી વચ્ચે આગામી દિવસોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ સામે આવી શકે છે.
હાલમાં હિમાલય તરફથી આવી રહેલા ઠંડા પવનની અસર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં જોવા મળી રહી છે. આજે નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર હતું. તે ઉપરાંત, પોરબંદ 11 ડિગ્રી, અમરેલી 11.6 ડિગ્રી, તો ડીસા 11.9 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2026 (WEF)માં ભાગ લેવા જશે. ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા અને ” વિકસિત ગુજરાત @2047″ ના સંકલ્પને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે આ ફોરમમાં રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ ભાગ લેશે.
સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં 19 થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં ગુજરાતની સહભાગીતા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ બેઠકોમાં ભાગ લેશે. ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ, સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, શિપિંગ-લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા મહત્વના ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા માટે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને નેતાઓ સાથે 58 જેટલી હાઈ-લેવલ “વન-ટુ-વન” બેઠકો યોજશે.
રાજ્યના ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવીનો મુખ્ય હેતુ ગુજરાતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો અને રાજ્યના યુવાનો માટે મોટા પાયે નવી રોજગારીની તકો ઉભી કરવાનો છે. રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ આ મુલાકાત દરમિયાન વિશ્વની નામાંકિત કંપનીઓ જેવી કે AP Moller Maersk, Engie, EDF,Johnson Controls,Sumitomo Group,Linde,SEALSQ અને Tillman Global ના વડાઓ સાથે રૂબરૂ ચર્ચા કરશે. આ બેઠકો દ્વારા ગુજરાતમાં નવી ટેકનોલોજી લાવવા, ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને લાંબા ગાળાના આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ગુજરાત સરકારનો પ્રયાસ છે કે ગ્લોબલ વેલ્યુ ચેઈનમાં ગુજરાત એક મહત્વના ભાગીદાર તરીકે ઉભરી આવે.
આ ફોરમમાં રોકાણ આકર્ષવા ઉપરાંત, વૈશ્વિક નીતિવિષયક ચર્ચાઓમાં પણ ગુજરાતનો અવાજ બુલંદ રહેશે. હર્ષ સંઘવી વિવિધ પ્રતિષ્ઠિત સત્રોમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને ગુજરાતનું વિઝન રજૂ કરશે. તેઓ “નવી ભૌગોલિક-આર્થિક વ્યવસ્થામાં ભારત” ,સ્પોર્ટ્સની શક્તિ: ભવ્યતાથી વારસા તરફ, “કોલ ટુ ક્લીન ઇનિશિયેટિવ” અંતર્ગત એનર્જી ટ્રાન્ઝિશન, “મિશન વોટર” દ્વારા જળ સુરક્ષા અને “સસ્ટેનેબિલિટી” જેવા વિષયો પર ગુજરાતના સફળ વિકાસ મોડલની વાત દુનિયા સમક્ષ મૂકશે. આ સત્રો દ્વારા ગુજરાત પોતાની વિકાસગાથાને વૈશ્વિક ફલક પર ઉજાગર કરશે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)એ વૈશ્વિક અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરતો એક મહત્વપૂર્ણ મંચ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંચના માધ્યમથી પણ ભારતને એક સશક્ત વૈશ્વિક શક્તિ તરીકે પ્રસ્થાપિત કર્યું છે.
ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર અનેક પરિવારો માટે માતમ લઈને આવ્યો છે. ચાઈનીઝ દોરી અને પતંગના કારણે સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓમાં રાજ્યભરમાં કુલ 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાઓમાં સૌથી વધુ 7 મોત સુરતમાં નોંધાયા છે, જ્યારે અમદાવાદ, જંબુસર, અરવલ્લી અને ખંભાતમાં 1-1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
ફ્લાયઓવર પરથી દંપતી અને પુત્રી બ્રિજ પરથી નીચે ખાબક્યા
સુરતના અડાજણ પાટીયા નજીક આવેલા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર હૃદયદ્રાવક ઘટના બની હતી. જ્યાં 34 વર્ષીય રેહાન રહીમ શેખ, 30 વર્ષીય પત્ની રેહાના અને 10 વર્ષની પુત્રી આલિશા સાથે બાઈક પર ગાર્ડનમાં ફરવા નીકળ્યા હતા. બ્રિજના વળાંક પર અચાનક પતંગની દોરી આડી આવતા રેહાને બાઈક પરથી સંતુલન ગુમાવ્યું હતું. આ પરિવાર અંદાજે 70 ફૂટની ઊંચાઈએથી બ્રિજ નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં ત્રણેયના કરુણ મોત નીપજ્યા હતા.
સરકાર અને પોલીસ દ્વારા વારંવાર પ્રતિબંધ અને સૂચનાઓ આપવા છતાં ચાઈનીઝ દોરી અને કાચ પાાયેલી ઘાતક દોરીનો ઉપયોગ ચાલુ રહેતા નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અન્યાની પતંગ કાપવાની મજા અનેક પરિવારો માટે કાયમી સજા સમાન સાબિત થઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં 1500 કરોડના જમીન એનએ (બિનખેતી) કરાવવાનું કૌભાંડ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ કૌભાંડ મામલે 4 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં હતા. આજ રોજ આ સમગ્ર મામલાની તપાસ કરવા એસીબી દ્વારા ડીવાયએસપી અને પીઆઇ સહિતના છ અધિકારીઓની એસઆઈટીની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 2 જાન્યુઆરીની સવારે ઈડીએ સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેકટર રાજેન્દ્રકુમાર પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી હતી. ઈડીની પ્રાથમિક તપાસમાં 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. છેલ્લા લગભગ 7 વર્ષમાં ગુજરાતમાં અલગ–અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 6 આઈએએસ અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર, લાંચ, જમીન કૌભાંડ, ટેન્ડર ગેરરીતિ અને નૈતિક અધ:પતન જેવા ગંભીર આરોપોના આધારે સસ્પેન્શન કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરત, આણંદ અને જુનાગઢ જેવા જિલ્લાઓમાં કલેક્ટર સ્તરના અધિકારીઓ સામે પગલાં લેવાતા વહીવટી તંત્રની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થયા છે.
ગુજરાત એસીબીના એડિશનલ ડાયરેક્ટર બીપીન આહિરેની અધ્યક્ષતામાં ડેપ્યુટી ડાયરેક્ટર, ડીવાયએસપી અને પીઆઈ સહિત કુલ 6 લોકોની એસઆઇટી બનાવવામાં આવી છે. આરોપીઓ દ્વારા વસાવેલી અપ્રમાણસર મિલકત અને સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંગેની ઝડપી અને નિષ્પક્ષ તપાસ માટે આ એસઆઇટીની રચના ગુજરાત એસીબીના વડા પિયુષ પટેલ દ્વારા કરવામાં આવી છે.
ઈડી દ્વારા કરવામાં આવેલી તપાસમાં 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેથી રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી અને અમદાવાદ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટ દ્વારા 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ આપવામાં આવ્યાં હતા. આજે રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ પણ કરી દેવામા આવ્યાં હતાં. આ કેસમાં હજી તપાસ ચાલી રહી છે. ઈડી દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે, જેથી આ 1500 કરોડના કૌભાંડમાં અન્ય પણ નામો ખુલે તેવી આશંકાઓ છે. હવે આ કેસની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે(27 ડિસેમ્બર, 2025) પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની સહમતી બાદ આ નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સંગઠનાત્મક નિમણૂકોની મુખ્ય વિગતોનવી ટીમમાં અનુભવી અને યુવા ચહેરાઓનું મિશ્રણ જોવા મળી રહ્યું છે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમમાં 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે અનિરુદ્ધ દવે, ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
સંગઠનમાં 10 પ્રદેશ ઉપપ્રમુખ, 4 પ્રદેશ મહામંત્રી, 10 પ્રદેશ મંત્રીની નિમણૂક કરાઈ છે. આ સિવાય પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ અને પ્રદેશ મોરચાના પ્રમુખની પણ નવી નવી નિમણૂકો કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્ય પદાધિકારીઓની યાદી નીચે મુજબ છે.
10 ઉપપ્રમુખની નિમણૂક
નામ જીલ્લો જયદ્રથસિંહ પરમાર પંચમહાલ રમેશ ધડુક પોરબંદર ભરત પંડ્યા અમદાવાદ જીલ્લો રાજેશ ચુડાસમા જૂનાગઢ જીલ્લો નટુજી ઠાકોર મહેસાણા ગીતાબેન રાઠવા છોટા ઉદેપુર ગૌતમ ગેડીયા સુરેન્દ્રનગર અરવિંદ પટેલ વલસાડ રસિક પ્રજાપતિ વડોદરા જીલ્લો ઝંખનાબેન પટેલ સુરત શહેર
અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.એ ઉત્તરાયણ પહેલાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાણંદ, બાવળા, કોઠ અને આણંદમાં પાડવામાં આવેલા દરોડાના તાર છેક દાદરા નગર હવેલી સુધી પહોંચ્યા હતા. બાદમાં એસ.ઓ.જીની ટીમે દાદરા નગરમાં ધમધમતી ગેરકાયદે ચાઇનીઝ દોરી બનાવતી કંપનીને પણ ઝડપી પાડી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 52,000 જેટલી પ્રતિબંધિત ફિરકીઓ અને મશિનરી સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
આ ઓપરેશનની શરૂઆત વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં થયેલા દરોડાથી થઈ હતી. સાણંદના રણમલ ગઢ ગામના સીમમાંથી 7.48 લાખની 1872 રીલ સાથે ચાર શખસો, બાવળાની ફેક્ટરીમાંથી 12.91 લાખની 3864 ફિરકી સાથે એક શખસ અને કોઠ પાસે આઈસર ગાડીમાંથી 12.15 લાખના મુદ્દામાલ સાથે બે શખસોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આણંદ ટાઉન પોલીસ સાથે મળીને 2.01 લાખની 672 ફિરકી પણ જપ્ત કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે પ્રતિબંધિત દોરીનો આ જથ્થો વાપીના વિરેનકુમાર બાબુભાઈ પટેલ દ્વારા મોકલવામાં આવતો હતો.
તપાસના અંતે SOGની ટીમે દાદરા નગર હવેલી ખાતે આવેલી ‘વંદના ઇન્ડસ્ટ્રીઝ’ પર દરોડો પાડ્યો હતો, જ્યાં ગેરકાયદે સિન્થેટિક (ચાઈનીઝ) દોરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. અહીંથી પોલીસે 1.50 કરોડની કિંમતની 43,192 રીલ અને 50 લાખની મશીનરી તથા રો-મટીરિયલ સીઝ કર્યું છે. આમ, અલગ-અલગ સ્થળોએથી કુલ 1.82 કરોડની કિંમતની 52,000 ફિરકીઓ અને વાહનો-મોબાઈલ સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે પ્રતિબંધિત દોરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)એ એક વિવાદસ્પદ નિર્ણય લીધો હતો. જે મુજબ બિલ્ડરને પ્રોજેક્ટ પર લીધેલી લોનની વિગતો જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતાના નિયમોમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરતા ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટની માહિતી પ્રદર્શિત કરવા અંગેના તેના તાજેતરના નિર્દેશમાં સુધારો કર્યો હતો.
નવા જાહેર કરાયેલા ઓર્ડર 112-A હેઠળ, ડેવલપર્સ માટે હવે ફરજિયાત ઓન-સાઇટ ઇન્ફોર્મેશન બોર્ડ પર પ્રોજેક્ટ લોનની ચોક્કસ રકમ મુખ્ય રીતે દર્શાવવી જરૂરી રહેશે નહીં. આથી, સંભવિત ખરીદદારો હવે પ્રમોટર દ્વારા લેવામાં આવેલી પ્રોજેક્ટ લોનની રકમ જાણી શકશે નહીં.
આ પહેલા 1 ડિસેમ્બર 2025ના રોજ અમલી થયેલી નિયમ મુજબ, બિલ્ડરોએ તમામ વિગતો ફરજિયાત દર્શાવવાની હતી. તેનો હેતુ ઘર ખરીદનારાઓને સશક્ત બનાવવાનો હતો. જે મુજબ બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો ધરાવતા મોટા વોટરપ્રૂફ બોર્ડ લગાવવા જરૂરી હતા. આ બોર્ડ પર માત્ર RERA રજીસ્ટ્રેશન નંબર અને મંજૂર કરાયેલા પ્લાન જ નહીં, પરંતુ લોનની વિગતો અને RERA કલેક્શન બેંક એકાઉન્ટ નંબર સહિતની પ્રોજેક્ટની ચોક્કસ નાણાકીય સ્થિતિ દર્શાવવાનું નક્કી કરાયું હતું. ઓથોરિટીએ અગાઉ નોંધ્યું હતું કે જ્યારે ખરીદદારોને આ ઝીણવટભરી વિગતો ફક્ત સત્તાવાર RERA પોર્ટલ પર શોધવી પડતી હતી, ત્યારે તેઓ ઘણીવાર મૂંઝવણ અનુભવતા હતા.
20 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવેલા સુધારા બાદ, સાઇટ પરના ફરજિયાત બોર્ડના નમૂનામાંથી પ્રોજેક્ટ લોનની રકમની યાદી આપવાની જરૂરિયાત સ્પષ્ટપણે દૂર કરવામાં આવી છે. બિલ્ડરોએ હજુ પણ પ્રોજેક્ટ લોન દ્વારા નાણાકીય સહાય મેળવેલ છે કે કેમ અને ધિરાણ આપનાર સંસ્થાનું નામ જેવી વિગત ફરજિયાત દર્શાવવી પડશે, પરંતુ પ્રમોટર દ્વારા લેવામાં આવેલી પ્રોજેક્ટ લોનની રકમ નહીં લખવામાં આવે.
આ ફેરફારનો અર્થ એ છે કે જે સંભવિત ગ્રાહકો સંપૂર્ણ નાણાકીય જોખમ અથવા ડેવલપરના દેવાના પ્રમાણનું મૂલ્યાંકન કરવા માંગતા હોય, તેમણે હવે ચકાસણીની જૂની પદ્ધતિઓ પર પાછા ફરવું પડશે. લોનની ચોક્કસ રકમ જાણવા માટે, ખરીદદારોએ ગુજરાત RERA ની વેબસાઇટ અથવા તેની કચેરીની મુલાકાત લેવી પડશે, અથવા સાઇટ બોર્ડ પર ફરજિયાત રહેલા સ્કેનેબલ QR કોડનો ઉપયોગ કરવો પડશે.
રિયલ એસ્ટેટના નિષ્ણાતો સૂચવે છે કે, QR કોડ અને પ્રાથમિક ખુલાસાઓ દ્વારા સાઇટ-લેવલની પારદર્શિતા સુધારવાનો પ્રાથમિક ધ્યેય અકબંધ છે, પરંતુ આ વિશિષ્ટ સુધારો ઘર ખરીદનારાઓને અગાઉ આપવામાં આવેલા ‘એક નજરે જોઈ શકાય તેવી વિગતો’ (at-a-glance due diligence) ને મર્યાદિત કરી શકે છે.
ગુજરાતમાં SIRની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે. ડ્રાફ્ટ યાદી પ્રમાણે ગુજરાતમાં અત્યારે કુલ 4 કરોડ 34 લાખ મતદારની નોંધણી થઈ છે. એસઆઈઆર પ્રક્રિયા બાદ 73 લાખ 73 હજાર 327 મતદારો કમી કરવામાં આવ્યાં છે. આ સાથે 9 લાખ 69 હજાર 661 મતદારો તેના સરનામે મળ્યાં જ નથી.
3,81,470+40 ડુપ્લીકેટ મતદારોના નામ દૂર કરાયા, 40, 25,553 મતદારોનું કાયમી સ્થળાંતર કર્યું હોવાનુ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 18,07,278 મૃતક મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે.
તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદી છે કે નહીં?
ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારૂ નામ જોવા માટે http://ceo.gujarat.gov.in,વોટર પોર્ટલ voters.eci.gov.in, ECINET App, BLO પાસેથી અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી જોઈ શકાશે.
અહીં તમામ ડ્રાફ્ટ મતદાર યાદી અપલોડ કરવામાં આવી છે. પરંતુ આમાં વિગતો બધી પીડીએફ દ્વારા અપલોડ કરવામાં આવ્યાં છે. જેથી તમારૂ નામ શોધવામાં સમલ લાગી શકે છે.
નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનું રહેશે
જો ડ્રાફ્ટ મતદાર યાદી તમારૂ નામ ન હોય તો નામ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર 6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે. આ સાથે જો કોઈ ભૂલ હોય તો ડિક્લેરેશન સાથે ફોર્મ નંબર 8 ભરીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે.
આ યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો હોય તો તમે ફોર્મ નંબર 7 ભરીને અરજી કરી શકો છો. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ મતદાર યાદીમાં 5,08,43,219 મતદારો નોંધાયા હતા. જેમાં ગુજરાત રાજ્યમાંથી એક મેગા સિટી જેટલા એટલે 73,73,110 મતદારોને રદ્દ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં નવેમ્બર મહિનાથી એસઆઈઆરની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
આ દરમિયાન રાજ્યમાં ડુપ્લિકેટ, મૃત્યુ પામેલા લોકો અને કાયમી સ્થાળાંતર કરી ગયેલા લોકોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાઢી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. નોટિસ બાદ સુનાવણી અને ચકાસણી પૂર્ણ થયા પછી તમામ લાયક મતદારોનો સમાવેશ તારીખ 17/02/2026ના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં જાહેર કરવામાં આવશે.
કિંજલ દવે સામાજિક બહિષ્કાર મુદ્દે ; કહ્યું, ‘સાટા પ્રથાની હું પીડિત છું, હજી બાળ લગ્ન થાય છે, ’
Kinjal Dave Video On Social Boycott : કિંજલ દવે ધ્રુવિન શાહ સાથે સગાઇ કરતા તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાની અટકળો સામે આવી છે. આ મુદ્દે કિંજલ દવે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમા તેણે દિકરીના અધિકાર, સાટા પ્રથા, બાળ લગ્ન અને સામાજીક કુરિવાજો વિશે વાત કરી છે.
કિંજલ દવે સગાઇ બાદ હવે સામાજિક બહિષ્કાર મુદ્દે ચર્ચામાં છે. અન્ય જ્ઞાતિમાં સગાઇ કરવાના મામલે કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થવાના સમાચાર વહેતા થયા છે. આ દરમિયાન ગુજરાતી સિંગર કિંજલ દવે એ પહેલીવાર મૌન તોડ્યું છે. કિંજલ દવે એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયામાં કિંજલ દવે દીકરી માટે જીવનસાથી નક્કી કરવાના અધિકારી, બાળ લગ્ન વિશે વાત કરી છે. ઉપરાંત વીડિયોમાં સામાજીક બહિષ્કારનો મુદ્દો અને અસામાજીક તત્વોને દૂર કરવા બ્રહ્મસમાજને વિનંતી કરી છે.
કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર !
કિંજલ દવે એ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઇ કર્યા બાદ તેના પરિવારના સામાજીક બહિષ્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, તાજેતરમાં બ્રહ્મ સમાજ કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠક યોજાઇ હતી. જેમા કિંજલ દવેના પરિવારનો સામાજીક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત સામાજીક બહિષ્કૃત વ્યક્તિને પોતાને ત્યાં આવકારનાર લોકો સામે પણ કડક પગલાં લેવાશે.
સામાજીક બહિષ્કાર મુદ્દે કિંજલ દવે એ મૌન તોડ્યું
બ્રહ્મસમાજ દ્વારા પરિવારના સામાજીક બહિષ્કારા મુદ્દે કિંજલ દવે મૌન તોડતા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કિંજલ દવે કહે છે, મારા સગપણને લઈને અનેક ચર્ચાઓ અને તર્કવિતર્કો ચાલતા હતાં જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી. કારણ કે તે વાત મારા સુધી સીમિત હતી. હવે આ વાત મારા પરિવાર સુધી આવી ગઈ છે જેથી મારે બોલવું પડશે. બ્રહ્મ કન્યા હોવાનું મને ગૌરવ છે જેને હું શબ્દોમાં નહીં વર્ણવી શકું. મને અઢારેય વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. સમાજમાં કહેવાતા કેટલાક અસામાજિક તત્વો છે કે જેઓ આજના આધુનિક યુગમાં દીકરીઓ માટેના નિયમો નક્કી કરશે.
મારા પરિવાર સામે કોમેન્ટ કરશો તો કાયદેસરના પગલાં લઈશ
વીડિયોમાં કિંજલ દવેએ કહ્યું છે કે, દીકરીઓને આજે આગળ વધવાની પાંખો મળી છે તેને કાપવાની વાતો છે. આજે દીકરીઓ રણમેદાનમાં છે. આર્મીમાં છે ત્યારે દીકરીઓને આજે તેનો લાઈફ પાર્ટનર નક્કી કરવાનો અધિકાર નથી? કહેવાતા મોડર્લ સમાજમાં અમુક લોકો દિકરીઓની મર્યાદા નક્કી કરશે. સમાજમાં બે ચાર અસામાજિક તત્વો છે જે દીકરીઓની પાંખો કાપવાનો પ્રયાસ કરે છે તેને દૂર કરો નહીં તો આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. હવે જે પણ લોકો મારા પરિવાર સામે કોમેટ કરશે તેમની સામે હું કાયદેસરના પગલાં લઈશ. ઓપરેશન સિંદૂરમાં બે દિકરીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે.
હું સાટા પ્રથાની પીડિત છું, હજી બાળ લગ્ન થાય છે : કિંજલ દવે હું એવા પરિવારમાં જઇ રહી છું, જે ભક્તિમય છે, તેના પરિવારના લોકો અને પાર્ટનરે હું જેવી છું તેવી જ મને આદર સત્કારથી સ્વીકારે છે. રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર અને નવકાર મંત્રના જાપ થાય છે ત્યાં હું જઇ રહી છું. એટલે હું તમામ બ્રહ્મ શક્તિઓ જેઓ શિક્ષિત અને વિન્રમ છે તેમને વિનંતી કરું છે કે, કે આવા બે ચાર અસામાજીક તત્ત્વો છે જે દિકરીની પાંખો કાપવાની વાતો કરે છે, આપણો સમાજ ક્યાંયનો નહીં કરે. જો તમે દિકરાનું સારુ ઇચ્છતા હોવ તો તેમના શિક્ષણ વિશે વાત કરો, નાની દિકરીઓ પર બળાત્કાર થાય છે, તેમના વિશે વાત કરો, દિકરીની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો, હજી જુના 18મી 17મી સદીના જુના રિવાજો આપણા સમાજમાં ચાલે છે, હજી કેટલા બાળ લગ્ન થાય છે, જેની આપણે બધાને ખબર છે. સાટા પ્રથા ચાલુ છે, જેની પીડિત હું પણ છું, જેની તમને બધાને ખબર છે. દિકરીના પૈસા લેવામાં આવે છે, દિકરીને ઘુંઘટામાં રાખો છો.
પરિવાર અને પિતા પર વાત આવશે ત્યારે ભગવાનને પણ છોડવાની તાકાત છે : કિંજલ દવે
કિંજલ દવે વીડિયોમાં કહે છે કે, જ્યારે મારા પરિવાર અને પિતા પર વાત આવશે ત્યારે ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું, એ દીકરી છું. બરાબર છે, આપ સૌને નમ્ર વિનંતી છે, જેવી રીતે દરેક દીકરી નવા જીવનની શરૂઆત કરે છે, તેમ મેં પણ શરૂઆત કરી છે, આને કોઇ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. એવા અસામાજીક તત્વો જેઓ સમાજ માંથી નાતબહાર કરવાની વાત છે તેમને કોઇ 5000 ની નોકરીયે પણ રાખવા કોઇ તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલા. તમામ બ્રહ્મશક્તિઓ અને સમજણ વ્યક્તિઓ છે તેમને મારી નમ્ર વિનંતી છે કે, આવા અસામાજીક તત્વોને સમાજ માંથી દૂર કરો. જેથી દિકરીઓ ડરે નહીં, તેમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય. જય માતાજી, જય મહાદેવે.
કિંજલ દેવનો મંગેતર ધ્રુવિન શાહ કોણ છે?
કિંજલ દવે એ 6 ડિસેમ્બરના રોજ ધ્રુવિન શાહ સાથે સગાઇ કરી છે. ગુજરાતી સિંગરે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરી સગાઇની જાણકારી આપી હતી. ધ્રુવિન શાહ બિઝનેસમેન અને એક્ટર છે. ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને નજીકના પ્રિયજનોની હાજરીમાં સગાઇ કરી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.