CIA ALERT

ડેવલપમેન્ટ Archives - CIA Live

August 29, 2026
image-32-1280x720.png
1min15

મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે સ્પેશિયલ કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે તેના સમાંતર હાઈ અથવા સેમી હાઈ સ્પીડ ટ્રેન દોડાવવાની પણ રેલવેએ તૈયારીઓ હાથ ધરી દીધી છે, જે લાંબા અંતરની મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર છે.

પશ્ચિમ રેલવેએ મુંબઈથી ઉપડતી 23 આવતી જતી મેલ-એક્સપ્રેસ ટ્રેનોની મહત્તમ ઝડપ 110 કિમી પ્રતિ કલાકથી વધારીને 130 કિમી પ્રતિ કલાક કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ આ ટ્રેનોની મુસાફરી વધુ ઝડપી બનવાની છે અને કેટલાક રૂટ પર મુસાફરોનો 45થી 60 મિનિટ સુધીનો સમય બચી શકે છે.

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડેની મંજૂરી બાદ આ સ્પીડ અપગ્રેડ કરાઈ છે. આ નિર્ણયનો લાભ મુંબઈ સેન્ટ્રલ, દાદર અને બાંદ્રા ટર્મિનસથી દોડતી એલએચબી ટ્રેનોને મળશે. આ ટ્રેનોમાં 22 એલએચબી કોચ હશે અને તેમને 130 કિમી પ્રતિ કલાકની મહત્તમ મંજૂર ઝડપે દોડવાની પરવાનગી આપવામાં આવી છે.

આ યાદીમાં દાદર-એકતા નગર એક્સપ્રેસ, બાંદ્રા-ભાવનગર, બાંદ્રા-ભુજ, બાંદ્રા-ઓખા, દાદર-ભગત કી કોઠી, દાદર-શ્રીગંગાનગર, વેરાવળ-બાંદ્રા, ઈન્દોર-હિસાર અને ઓખા-જયપુર સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે. લાંબા અંતરના રૂટ પર મેલ-એક્સપ્રેસ ટ્રેનોની સ્પીડ વધારવાથી મુસાફરોને મુસાફરીના કુલ સમયમાં નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

જોકે, આ ટ્રેનો સમગ્ર મુસાફરી દરમિયાન સતત 130 કિમી પ્રતિ કલાકની ઝડપે નહીં દોડે. ટ્રેકની સ્થિતિ, સિગ્નલિંગ, સ્ટેશન પરના સ્ટોપ, કાયમી અને અસ્થાયી સ્પીડ પ્રતિબંધો સહિતના ઓપરેશનલ કારણોસર ટ્રેનની વાસ્તવિક ઝડપ સમય અને પરિસ્થિતિ પ્રમાણે બદલાશે. તેથી 45થી 60 મિનિટનો સમય બચવાનો અંદાજ છે અને ચોક્કસ કેટલો સમય બચશે તે પશ્ચિમ રેલવે દ્વારા સુધારિત સમયપત્રક જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે.

આ ઉપરાંત અમદાવાદ-પટના એક્સપ્રેસ (19421/22)ને પણ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવાની મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રેનના કોચની સંખ્યા પણ 20થી વધારીને 22 કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના આ નિર્ણયથી એલએચબી કોચની ઉપયોગિતા વધુ સારી રીતે થશે અને સુધારિત સમયપત્રક અમલમાં આવ્યા બાદ મુંબઈથી દોડતી અનેક ટ્રેનોની મુસાફરી અગાઉ કરતાં ઝડપી બનશે તેનાથી પ્રવાસીઓના સમયની પણ બચત થશે.

August 24, 2026
image-28.png
1min35

જંતર-મંતર ખાતે 1 મહિનાથી વધુ સમય સુધી આંદોલન ચલાવનાર કૉકરોચ જનતા પાર્ટી(CJP) દ્વારા ફરી એકવાર દેશની રાજધાની દિલ્હીમાં મોટા પાયે એકત્ર થવાની જાહેરાત કરવામાં આવી છે. પક્ષે 5 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ માર્ચ યોજવાની જાહેરાત કરતાં આરોપ લગાવ્યો છે કે, ભારત સરકારે 25 જુલાઈના રોજ યુવાનોને આપેલા વચનો પૂરા કર્યા નથી. પક્ષના જણાવ્યા અનુસાર, સરકારના વચનો બાદ જ યુવાનોએ સદ્ભાવના દર્શાવીને પોતાનો દેશવ્યાપી વિરોધ પાછો ખેંચ્યો હતો.

5 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ શાંતિપૂર્ણ માર્ચ ઇન્ડિયા ગેટથી શરૂ થઈને નવી દિલ્હી પોલીસ મુખ્યાલય તરફ આગળ વધશે. CJPના સહ-સંયોજક સૌરવ દાસ(Sourav Das)ના જણાવ્યા પ્રમાણે, આ વિરોધ માર્ચનું નેતૃત્વ NEET પરીક્ષા સંબંધિત કેસોમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારો અને કથિત પોલીસ બર્બરતાનો ભોગ બનેલા લોકો કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ, યુવા સંગઠનો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા છે. પક્ષે જણાવ્યું કે, ‘અમે જેન જી, યુવા પ્રદર્શનકારીઓ અને મૃતકોના પરિવારો સાથેનો વિશ્વાસઘાત સ્વીકારીશું નહીં. 5 સપ્ટેમ્બર, ઈન્ડિયા ગેટ. યુવાનો ફરી એકવાર એકઠા થશે.’

પક્ષ દ્વારા સોમવારે રાષ્ટ્રીય કાર્યસમિતિની ઓનલાઇન બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્ર સરકાર અને શાસિત રાજ્યો દ્વારા આપવામાં આવેલા વચનોની સમીક્ષા કરવામાં આવી હતી, જેના આધારે 25 જુલાઈના રોજ વિરોધ પ્રદર્શન પાછો ખેંચાયો હતો. સમિતિના સભ્યોએ સરકારની દાનત પર શંકા વ્યક્ત કરી હતી.

CJP તરફથી બહાર પાડવામાં આવેલા લેખિત નિવેદનમાં જણાવાયું કે, ‘1 મહિનો વીતી ગયો છે. વચનો પૂરા કરવાને બદલે સરકારે માત્ર વિલંબ કર્યો છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ સ્પષ્ટ ખાતરી આપી નથી. આ સ્થિતિ ચાલુ રહી શકે નહીં. અમારી ધીરજને નબળાઈ ન ગણવામાં આવે. અમારી સદ્ભાવના સરકાર માટે છેતરપિંડી કરવાની તક બની શકે નહીં. રાષ્ટ્રીય કાર્યસમિતિએ 5 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં શાંતિપૂર્ણ માર્ચ યોજવાનો નિર્ણય કર્યો છે.’

નીટ પેપર લીક મામલે જંતર-મંતર ખાતે આંદોલન દરમિયાન પક્ષે સરકાર સમક્ષ મુખ્ય 3 માંગણીઓ રાખી હતી. જેમાં સૌથી મોટી માંગ તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી, જે માંગ પૂરી થયા બાદ આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય 2 મુખ્ય માંગણીઓમાં પેપર લીકની ઘટનાઓને કારણે આપઘાત કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવું અને આંદોલનકારીઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાનો સમાવેશ થાય છે. પક્ષનો આરોપ છે કે સરકારે આ બંને વચનો પૂરા કરવાની ખાતરી આપી હતી, જેનો હજુ સુધી અમલ થયો નથી.

August 22, 2026
ICAI-ISCA.png
1min32

CA માટે પ્રેક્ટિશનો ઇન્ટરનેશનલ ગેટ-વે ટૂંક સમયમાં ખૂલી જશે

ભારતીય સંસ્થા ICAI અને સિંગાપોરની સંસ્થા ISCA પરસ્પર માન્યતા તરફ આગળ વધી રહ્યા છે

ટૂંક સમયમાં જ ભારતીય CA (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ) સિંગાપોર જેવા આધુનિક અને વિકસિત દેશમાં કોઇપણ જાતના બાધ કે એન્ટ્રીગેટ એક્ઝામ વગર વ્યવયાયિક પ્રેક્ટિસ કરી શકશે, એવા રેફરન્સ સાથે ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સિંગાપોર અને ભારત વચ્ચે અરસપરસ માન્યતા માટે 2023 વાટાઘાટો ચાલી રહી છે. બંને સંસ્થાઓએ એકાઉન્ટિંગ વ્યવસાય માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કેપેસિટી બિલ્ડીંગ પર સહયોગ સાધવા માટે પણ અલગથી સંમતિ આપી છે.

જેની ફળશ્રુતિ રૂપે ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ટૂંક સમયમાં સિંગાપોરમાં વ્યાપક વ્યાવસાયિક માન્યતા મેળવી શકે છે, જેના માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિંગાપોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (ISCA) સંપૂર્ણ મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રીમેન્ટ (MRA) તરફ આગળ વધી રહ્યા છે.

તાજેતરમાં બંને સંસ્થાઓના અધિકૃત અધિકારીઓએ વ્યાવસાયિક લાયકાતોની પારસ્પરિક માન્યતાને આવરી લેતા મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રિમેન્ટ તરફ કામ કરવાના તેમના ઇરાદાને દર્શાવતા સહિ સિક્કા કરેલા પત્રોનું ઔપચારિક રીતે આદાનપ્રદાન કર્યું હતું.

પ્રસ્તાવિત MRA બે સંસ્થાઓ વચ્ચે લાયકાતોની માન્યતા માટે વધુ વ્યાપક માળખું પૂરું પાડશે. ભારતીય સીએ માટે, તે કરારના અંતિમ અવકાશ અને શરતોને આધીન, સિંગાપોરમાં વ્યાવસાયિક ગતિશીલતા અને કામ કરવાની તકોમાં સુધારો કરી શકે છે.

આ પગલું ફેબ્રુઆરી 2023 માં ISCA દ્વારા લેવામાં આવેલા અગાઉના પગલા પર આધારિત છે, જ્યારે તેણે ‘માન્ય વ્યાવસાયિક લાયકાત’ ની તેની યાદીમાં ICAI લાયકાત ઉમેરી હતી. આનાથી સિંગાપોરમાં લાયક ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ISCA એસોસિયેટ સભ્યો બનવાની મંજૂરી મળી. સંપૂર્ણ MRA પારસ્પરિક સભ્યપદ માન્યતા માટે એક વ્યાપક માળખું પૂરું પાડીને આ હાલની વ્યવસ્થાથી આગળ વધશે.

August 21, 2026
image-27.png
1min29

જયપુરના રામપુરા-કંવરપુરા ગામમાં Dt.21/08/2026 સવારના સમયે જ્યારે CJP ના કાર્યકરો શાળાની જર્જરિત હાલત જોવા પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો હતો. થોડા સમય બાદ CJP પ્રવક્તા આશુતોષ રાંકા ખુદ શાળાએ પહોંચ્યા, જ્યાં તેમની સામે પણ ભારે નારેબાજી થઈ હતી. ધીમે ધીમે મામલો એટલો તંગ બની ગયો કે ધક્કામુક્કી શરૂ થઈ અને ગ્રામજનોએ કાર્યકરોને દોડાવીને માર માર્યો હોવાના અહેવાલ છે. આ દરમિયાન કાર્યકરોની ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા અને તેમના પર રેતી તેમજ પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટના પર સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપતા અભિજિત દીપકે લખ્યું કે રાજસ્થાનમાં આશુતોષ પર ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો છે અને પોલીસે આ બધું મૂકપ્રેક્ષક બનીને થવા દીધું. આશુતોષ રાંકાએ પણ આરોપ લગાવ્યો કે વિરોધ કરનારા લોકો વાસ્તવમાં ગ્રામજનો ન હતા, પરંતુ ભાજપ દ્વારા બોલાવવામાં આવેલા અસામાજિક તત્ત્વો હતા. આશુતોષે જણાવ્યું કે આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર કમલ પ્રધાન છે, જે ગરીબોની જમીન પચાવી પાડવાનું કામ કરે છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે બાળકો ભેંસના તબેલામાં ભણે તે ભાજપને મંજૂર છે, પરંતુ શાળા સુધારવાના પ્રયાસો તેમને ક્યારેય ગમતા નથી.

જર્જરિત શાળા માટે 12 લાખનું બજેટ માત્ર કાગળ પર

બીજી તરફ ગામની શાળાની હાલત ખરેખર દયનીય છે. ગ્રામજન વિષ્ણુ કુમાર શર્માએ જણાવ્યું કે 1999 માં બનેલી આ શાળાની ઈમારત અત્યંત જર્જરિત થઈ ગઈ છે. હાલ 2 શિક્ષકો આશરે 20 થી 30 બાળકોને એક મોટા મકાનના 2 ઓરડામાં ભણાવવા મજબૂર છે. સ્થાનિક ધારાસભ્ય ડૉ. કૈલાશ વર્માએ શાળા માટે 9 લાખ રૂપિયાનું બજેટ ફાળવવાનું આશ્વાસન આપ્યું હતું. વધુમાં સરકાર તરફથી 12 લાખ રૂપિયાનું બજેટ પણ પાસ કરાયું હોવા છતાં જમીન પર કોઈ જ કામગીરી શરૂ થઈ નથી.

July 30, 2026
image-69.png
1min86

રાજયસભામાં વંદે માતરમ બિલ પસાર થયું છે. આ બિલમાં સુધારા બાદ હવે વંદે માતરમમાં અપમાન બદલ ત્રણ વર્ષ જેલની સજા અને દંડની જોગવાઇ છે. આ સુધારા હેઠળ વંદે માતરમના અપમાન સંબંધિત જોગવાઈઓને કાનૂની રક્ષણ મળશે. એકવાર આ કાયદો અમલમાં આવ્યા પછી જે કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને ‘વંદે માતરમ’નું અપમાન કરે છે અથવા રાષ્ટ્રગીતમાં ખલેલ પહોંચાડે છે તેને ત્રણ વર્ષ સુધીની જેલ- દંડ અથવા બંને થઈ શકે છે.

વંદે માતરમનો આદર એ ભારતનું ગૌરવ

આ અંગે ભાજપ સાંસદ  વિનોદ તાવડેએ એકસ પર લખ્યું કે, વંદે માતરમનો આદર એ ભારતનું ગૌરવ છે. રાષ્ટ્રગીત વંદે માતરમના જય ઘોષે દેશની સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપી, પ્રેરણા આપી અને બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવ્યો. તેનું ગર્વથી સ્મરણ કરવું એ આપણા માટે સૌભાગ્ય છે.

મોદી સરકારે ભારતના સાંસ્કૃતિક ગૌરવને પુન:સ્થાપિત કર્યું 

તેમણે જણાવ્યું હતું કે, આજે રાજ્યસભામાં પસાર થયેલ ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ- 2026 ભારતના સાંસ્કૃતિક ગૌરવને પુનઃસ્થાપિત કરવાના મોદી સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.

વંદે માતરમ ને રાષ્ટ્રગીત જન ગણ મન જેટલું જ સન્માન અપાશે 

આ બિલનું નામ પ્રીવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ હોનર( એમેન્ડમેન્ટ) બિલ 2026 છે. આ બિલમાં વંદે માતરમ ને રાષ્ટ્રગીત જન ગણ મન જેટલું જ સન્માન આપવામાં આવશે. આ બિલ સરકારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત બનાવશે. 

July 24, 2026
01.JPG-1-1280x853.jpeg
1min81
  • SGCCIના પ્રમુખ અશોક જીરાવાલાએ પદગ્રહણ વખતે લીધેલો વધુ એક સંકલ્પ પૂર્ણ કર્યો
  • કોઈ પણ ઈમરજન્સીના સમયે ઉદ્યોગોને ત્વરિત સહાય આપવા હેલ્પલાઇન નંબર 7211173108 કાર્યરત કરાયો
  • પ્રમુખશ્રીએ જાહેર કરેલા સંકલ્પોને ત્વરિત સાકાર કરવાની દિશામાં 24/7થી જ 24 *7 કાર્યરત સેવાનો પ્રારંભ
  • આપત્તિ સમયે સત્વરે રાહત અને કાનૂની/વહીવટી માર્ગદર્શન મેળવવામાં આ હેલ્પલાઇન સંજીવની બનશે
  • હેલ્પલાઇનની મુખ્ય જવાબદારી ચેમ્બરના માનદ્ ખજાનચી અતુલ પટેલ અને જાણીતા એડવોકેટ અજય જાંગીડને સોંપાઈ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પદગ્રહણ કરતી વખતે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગતના કલ્યાણ માટે અને બિઝનેસ બિયોન્ડ એક્સેલન્સના સૂત્રને ચરિતાર્થ કરવા જે મહત્વપૂર્ણ સંકલ્પો જાહેર કર્યા હતા, તેને ત્વરિત પરિપૂર્ણ કરવાની દિશામાં આજે વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. હવે ચેમ્બર દ્વારા 24/7થી એટલે કે તા. 24 જુલાઈ 2026થી દક્ષિણ ગુજરાતના તમામ નાના-મોટા ઉદ્યોગકારો માટે કોઈપણ પ્રકારની કટોકટી કે ઈમરજન્સી સમયે ત્વરિત મદદ કે માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી ‘SGCCI ઉદ્યોગસાથી 24 * 7’ હેલ્પલાઇનનો વિધિવત્‌ પ્રારંભ કરવામાં આવ્યો છે.

શ્રાવણ બિઝનેસ મેળાના ઉદ્‌ઘાટન સમારોહના મંચ પરથી આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “ઔદ્યોગિક એકમોમાં આકસ્મિક દુર્ઘટનાઓ, આફતો કે કટોકટીના સમયે ઉદ્યોગકારો મૂઝવણમાં પડી જતા હોય છે અને તેમને તાત્કાલિક વહીવટી કે ફાયર-રેસ્ક્યૂ સહાય મેળવવામાં મુશ્કેલી પડે છે. પદગ્રહણ સમયે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગજગતને આકસ્મિક આપત્તિઓમાં રક્ષણ પૂરું પાડવાનો જે સંકલ્પ કર્યો હતો, તેને આજે સાકાર કરવામાં આવ્યો છે. આજથી જ 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર 7211173108 લોન્ચ કરી દેવાયો છે. દક્ષિણ ગુજરાતનો કોઈપણ ઉદ્યોગકાર મુશ્કેલીના સમયે આ નંબર પર સંપર્ક કરીને ઓન-ધ-સ્પોટ માર્ગદર્શન અને રાહત મેળવી શકશે.”

અતુલ પટેલ અને અજય જાંગીડને સોંપાઈ જવાબદારી: આ વિશેષ 24 * 7 હેલ્પલાઇન સેવાને અસરકારક રીતે ચલાવવા માટે તેની મુખ્ય જવાબદારી ચેમ્બરના માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ તથા જાણીતા એડવોકેટ શ્રી અજય જાંગીડને સોંપવામાં આવી છે. આપત્તિના સમયે સ્થાનિક તંત્ર, ફાયર બ્રિગેડ, પોલીસ અને સરકારી વિભાગો સાથે તાત્કાલિક સંકલન સાધીને ઉદ્યોગકારોને બનતી તમામ મદદ અને માર્ગદર્શન મળી રહે એના પ્રયાસો કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ વાધવાણી ફાઉન્ડેશન સાથે “SGCCI Accelerate Proના સંકલ્પની જાહેરાત કરી હતી તે પણ કાર્યરત થઈ ચૂક્યો છે. પદગ્રહણ સમયે રજૂ કરાયેલા સંકલ્પો માત્ર કાગળ પર ન રહેતા, ગણતરીના દિવસોમાં ઓન-ગ્રાઉન્ડ સાકાર થઈને ઉદ્યોગજગતના કલ્યાણ માટે કાર્યરત થયા છે. સંકલ્પથી સિદ્ધિ તરફની આ ઐતિહાસિક સફર દર્શાવે છે કે, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોની સુરક્ષા અને તેમના બિઝનેસ ગ્રોથ માટે ચેમ્બરનું વર્તમાન નેતૃત્વ કેટલું કટિબદ્ધ અને સંવેદનશીલ છે.

July 21, 2026
image-29.png
1min76

ભારત-અમેરિકા FTA સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ‘દેશ બચાવો મોરચા’ના આહ્વાન પર પંજાબના હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા શંભુ બોર્ડર પર એકઠા થયા છે. FTA રદ કરવાની માંગ સાથે આ આંદોલન ઉગ્ર બન્યું છે. ગુરનામ સિંહ ચઢૂનીની અટકાયતથી વાતાવરણ વધુ ગરમાયું છે. શંભુ બોર્ડર પર કલમ 163 અને ચુસ્ત સુરક્ષા સાથે બેરિકેડ્સ ગોઠવાયા છે. ખેડૂતોનું માનવું છે કે FTAથી ભારતીય ખેતી અને ડેરી ઉદ્યોગને મોટું નુકસાન થશે.

July 18, 2026
solar.jpeg
1min60

એસજીસીસીઆઈ પ્રમુખ અશોક જીરાવાલાની રજૂઆતને મોટી સફળતા: એમએનઆરઇ (MNRE) દ્વારા નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ પ્રોજેક્ટ્સ માટે એલએમએમ (ALMM) માંથી મુક્તિની મુદત વધારી

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અશોક જીરાવાલા દ્વારા નવી દિલ્હી ખાતે કરવામાં આવેલી સક્રિય રજૂઆતો અને બેઠકોના પરિણામે, ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (MNRE) દ્વારા આજે તા.18મી જુલાઇને શનિવારના રોજ સોલાર ઉદ્યોગ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ્સ માટે ALMM (એપ્રુવડ લિસ્ટ ઓફ મોડેલ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ) માંથી મુક્તિની મુદતમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ટૂંકમાં સોલાર પાવર પ્લાન્ટમાં હવે નવી મુદત સુધી આયાતી (ઇમ્પોર્ટેડ પેનલ) તેમજ સેલ્સનો વપરાશ કરી શકાશે.
આ નિર્ણયના સંદર્ભમાં પૃષ્ઠભૂમિ એ છે કે, એસજીસીસીઆઈના પ્રમુખ અશોક જીરાવાલાની અધ્યક્ષતામાં એક પ્રતિનિધિમંડળ દ્વારા ગત ૮ જુલાઈ, ૨૦૨૬ ના રોજ નવી દિલ્હી ખાતે MNREના સેક્રેટરી સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. આ બેઠકમાં, સોલાર ઉદ્યોગ દ્વારા નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ સોલાર પ્રોજેક્ટ્સમાં ALMM લિસ્ટ-૧ (સોલાર પીવી મોડ્યુલ્સ) અને ALMM લિસ્ટ-૨ (સોલાર પીવી સેલ્સ)ના ફરજિયાત ઉપયોગ કરવાના નિર્ણયને કારણે ઉપસ્થિત થયેલા પડકારોની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.
એસજીસીસીઆઈની આ મજબૂત રજૂઆત અને ત્યારબાદ સોલાર ઉદ્યોગના વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે કરવામાં આવેલી વિગતવાર ચર્ચા-વિચારણાના અંતે, MNRE દ્વારા આજે તા.18 જુલાઈ 2026ના રોજ ઓફિસ મેમોરેન્ડમ (No. 283/53/2026-GRID SOLAR) બહાર પાડવામાં આવ્યું છે

મુક્તિની મુદતમાં વધારો: તમામ નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ્સ, જે ALMM ની ફરજિયાત જરૂરિયાતોને પાત્ર હતા, હવે ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં અમલીકૃત (commissioned) થશે, આથી તેમને ALMM લિસ્ટ-૧ (સોલાર પીવી મોડ્યુલ્સ માટે) અને ALMM લિસ્ટ-૨ (સોલાર પીવી સેલ્સ માટે)માંથી મુક્તિ આપવામાં આવી છે.

અગાઉની મુદત: અગાઉ, નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ પ્રોજેક્ટ્સ માટે આ મુક્તિ માત્ર ૩૧ મે ૨૦૨૬ સુધી જ ઉપલબ્ધ હતી.

નિયમોની સુધારણા: આ મુક્તિ સાથે, એવા પ્રોજેક્ટ્સ કે જેઓ પહેલેથી જ રોકાણ કરી ચૂક્યા છે, તેઓ હવે ALMM લિસ્ટ-૨ ના કડક નિયમોના પાલન વિના પણ તેમના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી શકશે.

એસજીસીસીઆઈના પ્રમુખ અશોક જીરાવાલાએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, આ આયાતી ALMM મુદતમાં વધારો એ દક્ષિણ ગુજરાત અને સમગ્ર ભારતના સોલાર ઉદ્યોગ માટે એક ઐતિહાસિક અને અત્યંત રાહતકારી સમાચાર છે. આ નિર્ણયથી નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા અસંખ્ય ઉદ્યોગ સાહસિકો અને ખાસ કરીને MSME સેક્ટરને મોટી રાહત મળશે. અગાઉ ALMM ના નિયમોને કારણે પ્રોજેક્ટ્સમાં થઈ રહેલા વિલંબ અને નાણાકીય બોજમાંથી ઉદ્યોગને મુક્તિ મળશે. હું MNRE મંત્રાલય અને ખાસ કરીને સચિવનો આભાર માનું છું કે જેમણે ઉદ્યોગની વાસ્તવિક સમસ્યાઓને સમજીને તાત્કાલિક અસરકારક પગલાં લીધા.
એસજીસીસીઆઈ તમામ સોલાર પ્રોજેક્ટ ડેવલપર્સ અને ઉદ્યોગ સાહસિકોને વિનંતી કરે છે કે તેઓ આ અદ્યતન મુદત (૩૧ ડિસેમ્બર ૨૦૨૬) નો લાભ લઈને તેમના નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરે જેથી તેમને આ મુક્તિનો લાભ મળી શકે.

July 18, 2026
image-19.png
1min72

જાણીતા પર્યાવરણવિદ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે જંતર-મંતર પરથી હટાવ્યા છે. 20 દિવસથી અનશન પર બેઠેલા વાંગચુકને વહેલી સવારે પોલીસ હોસ્પિટલ લઈ ગઈ. સતત ઉપવાસથી તેમની તબિયત લથડી હતી અને 9 કિલો વજન ઘટ્યું હતું. પોલીસે અન્ય પ્રદર્શનકારીઓને પણ હટાવી, બેનર-પોસ્ટરો જપ્ત કર્યા. વિદ્યાર્થીઓએ લાઠીચાર્જનો આક્ષેપ કર્યો, જોકે પોલીસે નકાર્યો છે.

દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 20 દિવસથી અનશન પર બેઠેલા જાણીતા પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રવિવારે વહેલી સવારે મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના જવાનો જંતર-મંતર પહોંચ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ સોનમ વાંગચુકને ત્યાંથી ઉપાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

પોલીસની આ ઓચિંતી કાર્યવાહીને પગલે આંદોલન સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સતત 20 દિવસના ઉપવાસના કારણે સોનમ વાંગચુકની તબિયત લથડી રહી હતી અને તેમનું વજન પણ 9 કિલો કરતાં વધુ ઘટી ગયું હતું.

દિલ્હી પોલીસે માત્ર સોનમ વાંગચુકને જ હોસ્પિટલ ખસેડ્યા નથી, પરંતુ જંતર-મંતર પરથી અન્ય તમામ પ્રદર્શનકારીઓને પણ હટાવી દીધા છે. આંદોલન સ્થળે લગાવવામાં આવેલા તમામ બેનરો અને પોસ્ટરો પોલીસે કબજે કરીને હટાવી દીધા છે. સોનમ વાંગચુકના સમર્થકો અને વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, જોકે દિલ્હી પોલીસે લાઠીચાર્જના આ આરોપોને સરેઆમ નકારી દીધા છે.

‘કોકરોચ જનતા પાર્ટી’ના નેતાનો પોલીસ પર માર મારવાનો આરોપ

આ આંદોલન સાથે જોડાયેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉ ટ્વિટર) પર એક પછી એક અનેક પોસ્ટ કરીને દિલ્હી પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, “દિલ્હી પોલીસે જંતર-મંતર પર કડક વલણ અપનાવ્યું છે. લોકો પર બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને સોનમ સરને જબરદસ્તીથી લઈ જવામાં આવ્યા છે.” દીપકે વધુમાં આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમને પણ રોકી રાખ્યા હતા, તેમની સાથે મારપીટ કરી હતી અને બાદમાં કસ્ટડીમાં લઈ લીધા હતા. આ કાર્યવાહી બાદ જંતર-મંતર પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.

July 14, 2026
Cia_business_news-1280x936.jpg
1min334

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

  • પીએમ મિત્રા પાર્ક માટે ગ્લોબલ ટેન્ડર જાહેર, સુરત-નવસારી ટેક્સટાઇલ બેલ્ટને મળશે વૈશ્વિક ગતિ
  • ૧,૧૪૨ એકરમાં મેગા ટેક્સટાઇલ અને એપેરલ પાર્ક વિકસાવવા માસ્ટર ડેવલપરની પસંદગી પ્રક્રિયા શરૂ; ફાઇબરથી ફેશન અને નિકાસ સુધીની સમગ્ર ઇકોસિસ્ટમ એક જ કેમ્પસમાં ઉભી થશે, સુરતના ઉદ્યોગને મળશે લાંબા ગાળાનો મોટો લાભ

કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મંત્રાલયની મહત્ત્વાકાંક્ષી PM MITRA (Mega Integrated Textile Region and Apparel) યોજના હેઠળ નવસારી જિલ્લાના વાંસી ખાતે ૧,૧૪૨ એકરમાં વિકસનારા મેગા ટેક્સટાઇલ અને એપેરલ પાર્ક માટે સોમવારે વૈશ્વિક ટેન્ડર (RFP) જાહેર કરવામાં આવ્યું છે. પીએમ મિત્રા પાર્ક ગુજરાત લિમિટેડ દ્વારા જાહેર કરાયેલા ટેન્ડર મુજબ પાર્કના વિકાસ, સંચાલન અને જાળવણી માટે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ માસ્ટર ડેવલપરની પસંદગી કરવામાં આવશે. આ સાથે રાજ્યના ટેક્સટાઇલ ક્ષેત્ર માટે વર્ષોથી રાહ જોવાતો સૌથી મોટો ઔદ્યોગિક પ્રોજેક્ટ હવે અમલીકરણના મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશ્યો છે.

ટેન્ડર પ્રક્રિયા 13 જુલાઈથી શરૂ થઈ છે. 27 જુલાઈએ પ્રી-બિડ કોન્ફરન્સ યોજાશે, ઓનલાઈન ટેન્ડર ભરવાની અંતિમ તારીખ 29 ઓગસ્ટ અને ભૌતિક દસ્તાવેજો જમા કરવાની છેલ્લી તારીખ 3 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. ટેન્ડર ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ, ટ્રાન્સફર (DBFOT) મોડલ પર અમલમાં મૂકવામાં આવશે.

સુરત દેશનું સૌથી મોટું મેન-મેડ ફાઇબર (MMF) ટેક્સટાઇલ હબ છે. દરરોજ કરોડો મીટર કાપડનું ઉત્પાદન, હજારો વીવિંગ યુનિટ, પ્રોસેસ હાઉસ, ડાઇંગ-પ્રિન્ટિંગ, એમ્બ્રોઇડરી, ગારમેન્ટ અને વિશાળ ટ્રેડિંગ નેટવર્ક ધરાવતું સુરત અત્યાર સુધી અલગ-અલગ વિસ્તારોમાં વિખરાયેલા ઉદ્યોગ તરીકે વિકસ્યું છે. PM MITRA પાર્ક આ સમગ્ર મૂલ્ય શૃંખલાને (Value Chain) એકીકૃત કરવાની દિશામાં સૌથી મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

ઉદ્યોગકારોના મતે પાર્કમાં સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગ, ગારમેન્ટિંગ, ટેકનિકલ ટેક્સટાઇલ, રેડીમેડ એપેરલ, લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેસ્ટિંગ લેબ, ડિઝાઇન સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ અને એક્સપોર્ટ સુવિધાઓ એક જ કેમ્પસમાં ઉપલબ્ધ થવાથી ઉત્પાદન ખર્ચ ઘટશે, સપ્લાય ચેઇન વધુ કાર્યક્ષમ બનશે અને આંતરરાષ્ટ્રીય ખરીદદારોને પણ એક જ સ્થળે સંપૂર્ણ ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ ઉપલબ્ધ થશે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ પાર્ક માત્ર નવા ઔદ્યોગિક પ્લોટ્સ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ “ફાઇબર ટુ ફેશન, ફેશન ટુ ફોરેન માર્કેટ” સુધીની સમગ્ર ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે. ખાસ કરીને ગારમેન્ટ અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સમાં રોકાણ વધવાથી સુરતની ઓળખ ગ્રે અને પ્રોસેસ્ડ ફેબ્રિકથી આગળ વધી તૈયાર વસ્ત્રોના વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી શકે છે.

ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં સુરતમાંથી મોટા પ્રમાણમાં ફેબ્રિક દેશભરમાં મોકલાય છે, જ્યારે ગારમેન્ટિંગ અને બ્રાન્ડિંગનું મૂલ્યવર્ધન અન્ય રાજ્યોમાં થાય છે. PM MITRA પાર્ક કાર્યરત બન્યા બાદ આ વેલ્યુ એડિશન ગુજરાતમાં જ થવાની સંભાવના છે, જેના કારણે રોજગારી, નિકાસ અને રોકાણમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

આ પાર્ક સુરત, નવસારી, વલસાડ અને દક્ષિણ ગુજરાતના સમગ્ર ઔદ્યોગિક પટ્ટા માટે ગ્રોથ એન્જિન સાબિત થઈ શકે છે. દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, નજીકના બંદરો, એરપોર્ટ અને રેલ-રોડ કનેક્ટિવિટીના કારણે નિકાસ આધારિત ઉદ્યોગોને પણ સીધો લાભ મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રોત્સાહક યોજનાઓને કારણે દેશ-વિદેશના મોટા રોકાણકારોને પણ આકર્ષવાની અપેક્ષા છે.

ઉદ્યોગજગતનું માનવું છે કે જો ટેન્ડર પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે અને માસ્ટર ડેવલપર ઝડપથી નિયુક્ત થશે તો આગામી વર્ષોમાં PM MITRA પાર્ક સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી વૈશ્વિક ઓળખ આપવાની સાથે ગુજરાતને વિશ્વના અગ્રણી ટેક્સટાઇલ ઉત્પાદન કેન્દ્રોમાં સ્થાન અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.