CIA ALERT

WHO કહે છે, ૮૦ ટકા લોકો સારવાર વિના જ સ્વસ્થ થઇ જશે

Share On :

કોરોના મહામારીને લઇને પૂરી દુનિયામાં આતંક છવાયો છે. આવા સમયમાં ભય અને અફવાઓનું પ્રમાણ વધી જતું હોય છે. મને કોરોના હશે કે નહીં ત્યાંથી માંડીને જેમને કોરોના લાગુ પડ્યો છે તેમના નિકટના સ્વજનોને સતત એ વિચારો આવતા હોય છે કે અમારા સ્વજન સાજા થશે કે નહીં. જેની દવા હજું શોધાઇ નથી તે બીમારી ઘરના દ્વાર ખટખટાવી રહી હોય ત્યારે ભલભલા લોકો વહેમના વમળમાં ફસાઇ જતા હોય છે. આવા સમયમાં ભાતભાતના પ્રશ્ર્નો અને શંકા-કુશંકાઓ ઊઠે એ સ્વાભાવિક છે.

આવા સંજોગોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટ્વિટર મારફતે વિશ્ર્વના લાખો લોકોના પ્રશ્ર્નોનો અધિકૃત રીતે ઉત્તર આપે છે એ તમારે પણ જાણી લેવા જોઇએ. બની શકે કે નીચે આપેલ માહિતીમાં તમારા પણ કોઇ પ્રશ્ર્નનો ઉત્તર કે કોઇ શંકાનું સમાધાન મળી આવે.

  • તમારે અને તમારા કુટુંબે આ ચેપથી બચવું હોય તો સમાંતરે સાબુથી હાથ ધોતા રહેવું જોઇએ. બે વ્યક્તિ વચ્ચે કમસેકમ ૧ મીટર અર્થાત્ ૩ ફૂટનું અંતર હોવું જરૂરી છે. પણ અફસોસની વાત તો એ છે કે આજે પણ લોકો બેન્કમાં કે કરિયાણાની દુકાનમાં જાય છે ત્યારે આ નિયમોનો સરેઆમ ભંગ કરે છે.
  • ઘણા યુવાનોના મનમાં એવી વાત ઘૂસી ગઇ છે કે આ બીમારી તો ફક્ત વૃદ્ધોને જ લાગુ પડે છે, પણ એ સરાસર જૂઠ છે. કોરોના, વૃદ્ધો કે પછી જે લોકો હૃદયની બીમારી, ડાયાબિટીસ કે અસ્થમાના દર્દીઓ હોય તેમને લાગુ પડવાની શક્યતા વધુ છે, પણ એથી કંઇ યુવાનોને માથે આ બીમારીનું જોખમ જરાય ઓછું નથી થતું. ઘણા યુવાનો કંઇ અર્જન્ટ કામ ન હોય તો પણ સ્કૂટર લઇને રસ્તા પર નીકળી પડતા હોય છે તેમણે ચેતી જવાની જરૂર છે. આ રોગના ભરડામાં આબાલવૃદ્ધ સહુ કોઇ ફસાઇ ચૂક્યા છે.
  • ઘણા લોકોને ચેપ લાગુ પડે, પણ કોરોનાના કોઇ લક્ષણો જેમ કે સૂકી ઉધરસ, ગળામાં ખર્રાશ, તાવ કે પછી શ્ર્વાસ લેવામાં તકલીફ પડે- આમાનું કાંઇ થતું નથી. એક સારા સમાચાર એ છે કે મોટા ભાગના કેસમાં એટલે કે ૮૦ ટકા લોકોમાં ચેપ લાગવા છતાંય તેઓ સાજા નરવા રહે છે અથવા ઝડપથી સાજા થઇ જાય છે. બની શકે કે તેમના શરીરની પ્રતિકારશક્તિ આ કોવિડ-૧૯ નામના વિષાણુઓને મારી નાખતી હોય. એટલે મનમાં ભય લાવ્યા વિના શરીરની પ્રતિકારશક્તિ વધે એવા પ્રયત્નો કરવા જોઇએ.
  • અમારા દેશમાં બહોળી સંખ્યામાં ટેસ્ટિંગની કિટ નથી કે પૂરતી દવાઓ નથી એવો ભય ન રાખવો કે ખોટો ઊહાપોહ ન કરવો. આ ઓર્ગેનાઇઝેશન દરેક જોઇતી દવાઓ અને સાધનોનું ઉત્પાદન દુનિયાની વિવિધ કંપનીઓ પાસે કરાવે છે અને સઘળા દેશોમાં યોગ્ય વિતરણ થાય તેનું ધ્યાન રાખે છે.
  • ઘણા લોકો કસરત કરવા અંગે પ્રશ્ર્નો પૂછે છે. તેમને સંસ્થા કહે છે કે, અમે આવી પ્રવૃત્તિ માટે પુખ્ત વયના લોકોએ અડધો અને બાળકોએ એક કલાક ફાળવવો એવી ભલામણ કરીએ છીએ. જો બહાર નીકળવા મળતું હોય તો ચાલવા કે દોડવાની કસરત કરવી જોઇએ. અન્યથા ઘરની અંદર જ કસરત કે પછી નૃત્ય,યોગ કે પ્રાણાયામ જેવી પ્રવૃત્તિઓ કરી શકાય.
  • જીવનાવશ્યક ચીજોની કોઇ કમી નથી. એ મળતી જ રહેવાની છે એટલે ધીરજ રાખવી. ખોટી ઉતાવળ કરવી નહીં. ઘરમાં માલસામાનનો અતિ સંગ્રહ કરવો નહીં. અન્યની જરૂરતો પર પણ ધ્યાન આપવું.
  • ઘણા લોકો એમ વિચારે છે કે જેમ જેમ ગરમી વધતી જશે તેમ તેમ આ બીમારી ઘટતી જશે. જોકે, તેના કોઇ પુરાવા મળ્યા નથી. વધુ ગરમી હોય તેવા દેશોમાં પણ આ બીમારી ફેલાતી જાય છે.
  • આ વિષાણુઓથી મુક્તિ મેળવવા કપડાને કોઇ વિશેષ રીતે ધોવાની જરૂર છે કે સાધારણ ધોલાઇથી કામ ચાલી શકે એવા પ્રશ્ર્નો પણ ઘણા લોકોના મનમાં ઘૂંટાતો હોય છે. તેમને એટલું જ કહેવાનું કે ઘરના ડિટર્જન્ટ કે સાબુ કપડાંની ધુલાઇ માટે પૂરતા છે. હા પાણી ગરમ હોય તે લાભકારક છે.
  • ઘણા લોકોના મનમાં એવી માન્યતા હોય છે કે માસ્ક પહેરેલો હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ કડકાઇથી ન પાળીએ તો ચાલે, પણ હૂ નામની સંસ્થા કહે છે કે માસ્ક પહેર્યો હોય છતાંય ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવું ફરજિયાત છે. અને હા, વારંવાર સાબુથી હાથ ધોવાનું પણ ભૂલશો નહીં.
  • આ ચેપવિરોધી રસી ક્યારે પ્રાપ્ત થશે એવા પ્રશ્ર્નનો પણ ઉત્તર આપતા હૂ કહે છે કે કેટલાક વર્ષ લાગી શકે. હા, આ વાઇરસ દેખાયા તેના બે મહિનાની અંદર જ તેની રસી બનાવવાનું કામ શરૂ થઇ ગયું છે.
  • આવા સમયમાં માનસિક શાંતિ મળે તે માટે શું કરવું જોઇએ તે પ્રશ્ર્નનો ઉત્તર આપતા કહે છે કે સંગીત સાંભળવું કે પુસ્તકો વાંચવા જેવા રચનાત્મક કાર્યો કરવા. વારંવાર કોરોનો બીમારીને લગતા સમાચારો જોવા કે સાંભળવા નહીં.

આ મુદ્દો ખૂબ મહત્ત્વનો છે. નિરાશાજનક સમાચારો સાંભળીને આપણું મન ક્ષુબ્ધ બની જાય છે. ચિંતા કરવા માંડે છે. અંતરમાં ભય ઘૂસી જાય છે.

એક નિષ્ણાતે સાચું જ કહ્યું છે કે કોઇ બીમારી કરતાં એના ભયથી વધુ મોત થતાં હોય છે. માટે નિર્ભય બનો. સરકારી અને તબીબી માર્ગદર્શિકાનું પાલન કરો. સમયનો સદુપયોગ રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં કરો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :