CIA ALERT

મુંબઈ : રાજ્યની ૨૮૮ બેઠક પર મતદાન

Share On :

આજે મુંબઈની ૩૬ બેઠક સહિત રાજ્યની ૨૮૮ બેઠક પર મતદાન થશે ત્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈ કોને મત આપશે તે મહત્ત્વનું બની રહે છે. ભૌગોલિક અને સામાજિક દૃષ્ટિએ મહારાષ્ટ્ર કરતાં અલગ તરી આવતા મુંબઈમાં રાજકારણ પણ અલગ રંગ બતાવે છે. અહીંનો શિક્ષિત અને વિચારશીલ મતદાર કયુ બટન દબાવશે તે કળી શકાય તેમ નથી. લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસકાર્યો અને વિઝનરી તરીકેની છબિને લીધે ભાજપનો સીધો ફાયદો થયો હતો, પરંતુ વિધાનસભાની ચૂંટણીના મુદ્દા અલગ હોય છે અને મતદારોનો મૂડ પણ અલગ હોય છે. મુંબઈમાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપ-શિવસેના મહાનગરપાલિકાનું સંચાલન કરે છે. લોકો સૌથી વધારે રસ્તા પરના ખાડાની સમસ્યાથી પરેશાન છે. આ સાથે પ્રદૂષણ, આડેધડ જોવા મળતું અતિક્રમણ, પાલિકાનો ભ્રષ્ટ અને નબળો કારભાર તેમ જ જૂની ઈમારતોના ડેવલપમેન્ટ સહિત ઘણા ગંભીર પ્રશ્ર્નો છે જે આ શહેરને કનડે છે અને પાંચ વર્ષની ભાજપ-શિવસેના સરકાર તેને ઉકેલવાની દિશા તરફ આગળ વધતી હોય તેમ જણાતું નથી. આ સાથે આર્થિક મંદી અને બેરોજગારી પણ મતદાન પર અસર કરશે. માત્ર માળખાકીય પ્રોજેક્ટ્સને બાદ કરતા હાલની સરકારે મુંબઈના જનજીવનમાં કોઈ ખાસ ફરક પાડ્યો નથી. બીજી બાજુ દેશ અને રાજ્યમાં નબળી પડી ગયેલી કૉંગ્રેસ મુંબઈમાં લગભગ સાફ થઈ ગઈ છે અને એનસીપીની અહિં કોઈ હાજરી જ નથી. આ સ્થિતિમાં મતદારો મૂંઝવણ અનુભવી રહ્યા છે.

ભાજપ-શિવસેનાના રાજ્ય સરકાર તરીકેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ઘટેલી ઘટનાઓમાં એલ્ફિન્સ્ટન બ્રિજ પર ભાગદોડમાં ૨૩ જણના થયેલા મૃત્યુ, પરેલની હોટેલમાં આગને લીધે ૧૪ જણાના મૃત્યુ, હિમાલય બ્રીજ તૂટી પડવાથી પાંચ જણના મૃત્યુ, ઘાટકોપરની સાંઈ સિદ્ધિ ઈમારત, ભીંડી બજારની હુસૈની અને કેસરબાઈ ઈમારત પડી જવાથી થયેલા મૃત્યુ, પુણેની ભીમા કોરેગાંવ હિંસાની ઘટનાને લીધે મુંબઈમાં જોવા મળેલી સજ્જડ બંધ અને લોકએ ભોગવી પડેલી હાલાકી, દર વર્ષે ચોમાસાંમાં મુંબઈગરાઓએ ભોગવવી પડતી અપાર તકલીફો, તાજેતરમાં મેટ્રો થ્રી માટે આરે કોલોનીમાં અડધી રાત્રે કાપવામાં આવેલા વૃક્ષો અને આંદોલનકારીઓની થયેલી ધરપકડ, પંજાબ મહારાષ્ટ્ર બૅંક પર પ્રતિબંધ લાગવાથી થાપણદારોની હાલાકી વગેરે ઘટનાઓ બનતી રહી અને રાજ્ય સરકાર અને પાલિકાનો રેઢિયાળ કારભાર સામે આવતો રહ્યો. આની સામે વર્ષોથી લટકેલા મેટ્રોના તમામ પ્રોજેક્ટ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક, બુલેટ ટ્રેન, કૉસ્ટલ રોડ જેવા પ્રોજેક્ટ્સ શરૂ થઈ ગયા અને ઝડપથી આગળ વધી રહ્યા છે. જોકે પાલિકા અને રાજ્ય સરકારની નિષ્ફળતાને જનતા સામે લાવવામાં કૉંગ્રેસ-એનસીપી તદ્ન નિષ્ફળ ગઈ છે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તરફ પણ લોકોનો કોઈ ઝુકાવ જણાતો નથી. આ અંગે પૂછવામાં આવતા સામાજિક કાર્યકર જિતેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીમાં કોઈ પરિવર્તન કર્યું નથી. લગભગ ૫૦ ટકા ઉમેદવારો અશિક્ષિત છે અને તેમની સામે ગંભીર ગુનાઓ છે. ભાજપ પાસેથી અપેક્ષા હતી કે તેઓ ઉમેદવારની પસંદગી કરવામાં શિક્ષણ અને શહેરી વિષયોના જ્ઞાનને પ્રાથમિકતા આપશે અને નવા ચહેરાઓ જનતા સામે લાવશે, પરંતુ તેમ ન થતાં એ લોકોને જ ટિકિટ આપી છે જેમણે અત્યાર સુધી કંઈ કર્યું નથી. તેમના કહેવા અનુસાર નૉટાના વિકલ્પમાં કોઈ તર્ક દેખાતો ન હોવાથી મુંબઈમાં મતદાન ઓછું થવાની સંભાવના છે. જોકે યોગ્ય પાત્રમે ચૂંટવા માટે લોકો મોટી ંસંખ્યામાં મતદાન કરે તેવી અપીલ ચૂંટણી પંચ અને રાજ્કીય પક્ષોએ કરી છે.

કઈ બેઠકો પર છે રસાકસી

મુંબઈમાં કૉંગ્રેસ અને એનસીપીનું ખાસ કંઈ જોર ન હોવાથી અને ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડતા હોવાથી મુંબઈની અમુક બેઠકોને બાદ કરતા ખાસ કોઈ રસાકસી જોવા મળતી નથી. દક્ષિણ મુંબઈમાં જોઈએ તો મુંબાદેવી બેઠક પર બે ટર્મથી વિધાનસભ્ય રહી ચૂકેલા કૉંગ્રેસના નેતા અમિન પટેલ સામે શિવસેનાના વરિષ્ઠ કાર્યકર્તા પાંડુરંગ સકપાલ ઊભા છે. ગુજરાતી, મરાઠી અને મુસ્લિમ મત ધરાવતી આ બેઠક મહત્ત્વની છે. આ જ રીતે દક્ષિણ મુંબઈની બીજી બેઠક કોલાબામાં કૉંગ્રેસના અશોક (ભાઈ) જગતાપ અને ભાજપના રાહુલ નાર્વેકર વચ્ચે જંગ જામશે. ભાજપે રાજ પુરોહિતને બદલે આ બેઠક નાર્વેકરને આપી છે. દક્ષિણ મુંબઈની સૌથી રસાકસીવાળી બેઠક વરલીની માનવામાં આવે છે. અહીં શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને એનસીપીના સુરેશ માને વચ્ચે જંગ છે. આદિત્ય ઠાકરે પરિવારના પહેલા સભ્ય છે જે ચૂંટણી લડી રહ્યા છે. આદિત્ય માટે માત્ર જીત નહીં, પરંતુ વધારેમાં વધારે મતોથી જીત મહત્ત્વની છે. બાન્દ્રા પૂર્વમાં મેયર વિશ્ર્વનાથ મહાડેકર સામે શિવસેનાના બળવાખોર નેતા તૃપ્તી સાવંત અને કૉંગ્રેસના નેતા ઝીશાન સિદ્દીકી છે. ત્રણેય ઉમેદવારો સશક્ત છે. અહીં કૉંગે્રસને મુસ્લિમ મતોનો ફાયદો થઈ શકે તેમ છે. વર્સોવામાં ભાજપના ચિહ્ન પરથી શિવસંગ્રામ પક્ષની ઉમેદવાર ડૉ. ભારતી લવેકર લડી રહ્યા છે, જેમની સામે કૉંગ્રેસના બળદેવ ખોસલા અને શિવસેનાના બળવાખોર નેતા તેમ જ નગરસેવિકા રાજુલ પટેલ ઊભા છે. ચાંદીવલી વિધાનસભા પરથી ચાર વાર વિધાનસભ્ય રહી ચૂકેલા કૉંગ્રેસના નેતા નસીમ ખાન સામે શિવસેનાએ મજબૂત નેતા દિલીપ લાંડેને ઊભા કર્યા છે. આથી આ બેઠક મહત્ત્વની બની ગઈ છે. પશ્ર્ચિમ ઉપનગરમાં મલાડની બેઠક પર કૉંગ્રેસના વર્તમાન વિધાનસભ્ય અસલમ શેખ સામે ભાજપે ઉત્તર ભારતીય ઉમેદવાર રમેશ ઠાકુરને ટિકિટ આપી છે. મૂળ કાંદિવલીમાં સક્રિય ઠાકુરને છેલ્લી ઘડીએ ટિકિટ આપવામાં આવી હતી. અહીંના મુસ્લિમ મતો મહત્ત્વના સાબિત થઈ શકે તેમ છે.

મુંબઈ ઉપરાંત નાલાસોપારામાં ક્ષિતિજ ઠાકુર સામે પોલીસ અધિકારી પ્રદીપ શર્માની બેઠકના પરિણામ પર સૌની નજર રહેશે. આ ઉપરાંત નાગપુર દક્ષિણમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે કૉંગ્રેસના આશિષ દેશમુખ ટક્કર આપશે. આ ઉપરાંત કરાડમાંં કૉંગ્રેસના ઉમેદવાર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ સામે ભાજપે આનંદરાવ પાટીલને ઉમેદવારી આપી છે, જે એક સમયે ચવ્હાણના નજીકના વ્યક્તિ માનવામાં આવતા હતા. કૉંગ્રેસના નેતા અશોક ચવ્હાણ (ભોકર), ચંદ્રકાન્તદાદા પાટીલ (કોથરૂડ), એનસીપીના નેતા અજિત પવાર (બારામતી), ભાજપના નેતા પંકજા મુંડે અને તેમની સામે એનસીપીના નેતા ધનંજય મુંડે (પરલી) વગેરેની બેઠકો પરના મતદાન અને પરિણામ પર સૌની નજર રહેશે.

રાજ્યના કુલ ૮,૮૯,૩૯,૬૦૦ કરોડ મતદાર આજે ૩૨૩૭ ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ કરશે. રાજ્યની ૨૮૮ બેઠકનું મતદાન એક જ તબક્કામાં પાર પડવાનું છે અને આ માટે ચૂંટણી પંચે ૬.૫ લાખ કર્મચારીને મતદાતાની સુવિધાઓ માટે તહેનાત રાખ્યા છે.

——-

પંકજા પર વિવાદાસ્પદ નિવેદન: ધનંજય મુંડે સામે ફરિયાદ

મુંબઈ: એકબીજા પરના ઉગ્ર શાબ્દિક આક્ષેપો અને પ્રત્યાક્ષેપોથી રંગાયેલા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ વિવાદાસ્પદ ઘટનાથી પૂરું થયો હતો. રાજ્યના કેબિનેટ પ્રધાન અને પરલીથી વિધાનસભાની ચૂંટણી લડી રહેલા પંકજા મુંડે શનિવારે પ્રચાર દરમિયાન સ્ટેજ પર પડી ગયાં હતાં અને થોડી વાર માટે બેહોશ થઈ ગયાં હતાં. આ ઘટના બાદ પરલીના એનસીપીના ઉમેદવાર અને વિરોધપક્ષના નેતા ધનંજય મુંડેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ધનંજય મુંડેએ પંકજા મામલે અણછાજતી ટિપ્પણી કરી હતી. આ વીડિયોએ ભારે વિવાદ જગાડ્યો હતો અને પરલી ખાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સાથે મહારાષ્ટ્ર

મહિલા આયોગે પણ મુંડેને નોટિસ મોકલાવી હતી.

બીજી બાજુ ધનંજય મુંડેએ એક વીડિયો દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અમુક દિવસ પહેલાના તેમના ભાષણને એડિટ કરી ઈરાદાપૂર્વક વાયરલ કરવામાં આવી રહ્યું છે. તેમણે રડતા સ્વરે જણાવ્યું હતું કે હું પણ ત્રણ દીકરીનો બાપ છું અને બહેન માટે આવી ટિપ્પણી હું ક્યારેય ન કરી શકું. તેમણે આ વીડિયોને ફોરેન્સિક લૅબમાં મોકલી તપાસવા જણાવ્યું હતું અને જો તેમના પરના આક્ષેપો સાબિત થશે તો જીવ દઈ દઈશ, તેમ વીડિયોમાં કહ્યું હતું. હાલમાં હું મરું કે જીવું તે સમજાતું નથી. બે ભાઈ-બહેન વચ્ચે નવો ભાઈ આવી ગયો હોવાનો ટોણો પણ તેમણે માર્યો હતો. તેમનો ઈશારો સદાભાઉ ખોત અને સુરેશ ધસ સામે હતો.

દરમિયાન ધનંજય સામે પરલી સહિત રાજ્યભરમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમનું પૂતળું પણ બાળવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત ઘણા નેતાઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :