વીઝા એક્સપર્ટ સુધીર શાહે SGCCIના પરિસંવાદમાં USAના વીઝા અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું
અમેરિકામાં બિઝનેસ માટે જવા ઇચ્છતા લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે SGCCI દ્વારા સેમિનાર યોજાયો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ૪ ઓગષ્ટ ર૦ર૧ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘અમેરિકા જવું છે?’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુ.એસ.એ. વિઝા વિન્ડોના એકસપર્ટ ડો. સુધીર શાહ અને વિપુલ દોશીએ માર્ગદર્શન આપ્યું હતું.
ડો. સુધીર શાહે જણાવ્યું હતું કે વિશ્વમાં સૌથી આગળ પડતો દેશ અમેરિકા હોવાથી લોકોની ભણવા માટે, ફરવા માટે, કારકિર્દી ઘડતર માટે અને બિઝનેસ માટે પણ પહેલી પસંદ અમેરિકા હોય છે. આથી તેમણે જુદા–જુદા વિઝા અંગે વિદ્યાર્થીઓ તથા ઉદ્યોગકારોને વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને ઇબી– પ અને એલ– ૧ વિઝા અંગે તેમણે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહયું હતું કે, અમેરિકા જવા માટે વિઝા મળી ગયા હશે તો એનો મતલબ એવો નથી થતો કે અમેરિકા જઇ શકાશે. જો ઇન્ટરવ્યુ દરમ્યાન અધિકારીને એવું જણાય કે ખોટું બોલીને વિઝા મેળવવામાં આવેલા છે તો અમેરિકા જવાનું સ્વપ્ન પૂર્ણ થશે નહીં.

બી– ૧ વિઝા, બિઝનેસ માટે અને બી– ર વિઝા, ટુરીસ્ટ તરીકે ફરવા માટે આપવામાં આવે છે. બી– ૧ વિઝા લઇને બિઝનેસમેન અમેરિકા જઇને બિઝનેસ મિટીંગ અટેન્ડ કરી શકે છે, એકઝીબીશનમાં ભાગ લઇ શકે છે, સેમિનારમાં ભાગ લઇ શકે છે અને ઓર્ડર લઇ શકે છે અને આપી શકે છે, પરંતુ ઓફિસમાં બેસીને બિઝનેસ કરી શકશે નહીં. જો કે, બી– ૧ વિઝા લઇને બિઝનેસના હેતુથી ગયેલા ઉદ્યોગકારોને અમેરિકામાં જો બિઝનેસની તકો દેખાય તો તેઓ પોતાનું સ્ટેટસ બદલીને એલ– ૧ વિઝા લઇ શકે છે. તેમણે દરેક વિઝા સાથે જોડાયેલા સ્ટેટસ વિશે વિસ્તૃત સમજણ આપી હતી.
તેમણે સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકામાં અભ્યાસ કરવા માટે જનારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવાની કેટલીક મહત્વની બાબતો વિશે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને અભ્યાસ પૂર્ણ થયા બાદના ૯૦ દિવસની અંદર જોબ કરવા માટેના નિયમો છે તેના વિશે તેઓને અવગત કરાવ્યા હતા. સાથે જ અમેરિકામાં પ૦૦થી ૧૦૦૦ ડોલર લઇને જોબ આપવાની લાલચ આપતી બોગસ કંપનીઓથી પણ સાવધાન રહેવા માટે ચેતવ્યા હતા.
એલ– ૧ એ વિઝા એકઝીકયુટીવ, મેનેજર અને કંપની સંબંધિત ખાસ પ્રકારની જાણકારી ધરાવનારી વ્યકિતઓ માટે હોય છે. ભારતમાં બિઝનેસ કરતી કંપની જો પાર્ટનરશિપ તરીકે અથવા પોતાની બ્રાન્ચ અમેરિકામાં ખોલે છે ત્યારે ભારતમાં આ કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરતા મેનેજર તથા એકઝીકયુટીવને કંપની એલ– ૧ એ વિઝા ઉપર અમેરિકા મોકલી શકે છે. એલ– ૧ એ વિઝાને આધારે વ્યકિત અમેરિકામાં સાત વર્ષ સુધી રહી શકે છે અને કામ કરી શકે છે. ત્યારબાદ કંપની કર્મચારીને બબ્બે વર્ષનું એકસટેન્શન આપી શકે છે અને બાદમાં તેઓને ગ્રીન કાર્ડ પણ મળવાની જોગવાઇ કાયદામાં રહેલી છે.
આ સેમિનારમાં ચેમ્બરના મેનેજિંગ કમિટીના સભ્ય અમિષ શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું અને બિજલ જરીવાલાએ સેમિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
