સૌરાષ્ટ્રમાં કેશોદ, રાણાવાવ, ઉપલેટામાં ઓછા વજનની ઉઠેલી ફરિયાદો
ખાતરની થેલીઓનું વજન કરવાની પ્રક્રિયાનું વિડીયોગ્રાફી કરવા સરકારનો આદેશ
જેતપુરમાંથી ઓછા વજનવાળી ખાતરની થેલીઓ પકડાયા બાદ આ કૌભાંડ રાજ્યવ્યાપી બની જતાં સંબંધિતઓ દોડતાં થઇ ગયા છે. બીજી બાજુ શનિ અને રવિ એમ દિવસ રાજ્યભરનાં ખાતરનાં ડેપો અને વેચાણ કેન્દ્રો પર ખાતરનું વેચાણ બંધ કરવાનાં રાજ્ય સરકારે આદેશો આપ્યા છે. બે દિવસમાં પૂર્ણ તપાસ બાદ સોમવારથી પૂન: ખાતર વેચાણ શરૂ કરવાં સરકારે જણાવ્યું છે.
રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહે રાજ્યમાં ખાતરની થેલીઓમાં ઓછા વજન અંગેની બાબત ધ્યાનમાં આવતા જી.એસ.એફ.સી. અને જી.એન.એફ.સી.ના મેનાજિંગ ડિરેક્ટરને આ ખાતર વેચાણ રવિવાર સુધી બંધ રાખવા સુચના આપી છે.
રાજ્યની આ બે કંપનીઓના તમામ ડેપો અને વેચાણ કેન્દ્રો પર આ દરમ્યાન ખાતરના વજનની સંપૂર્ણ ચકાસણી’ વીડિયોગ્રાફી સાથે કરવાની સ્પષ્ટ સુચના પણ આપવામાં આવી છે. આ સમગ્ર પ્રકિયા સંતોષકારક રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કર્યા બાદ જ સોમવારથી આ ખાતરનું વેચાણ ફરી શરૂ કરવાનો આદેશ મુખ્ય સચિવ જી.એસ.એફ.સી. અને જી.એસ. એન.સી.ને આપ્યા છે.
જામજોધપુર:
જામજોધપુરના ખેડૂત પુત્ર અને યુવા ધારાસભ્ય દ્વારા આજ રોજ કંપનીના વેચાણ કેન્દ્ર ડેપો પર રૂબરૂ જઇ જનતા અને ખેડૂતોને સાથે રાખી રેડ કરવામાં આવેલ અને ખાતરની બાચકીઓમાં ડેપો પર વજન કરતાં તમામ ખાતરની બાચકીઓમાં 200 ગ્રામથી માંડી 400 ગ્રામ વજન ઓછું બતાવવામાં આવેલ.
કેશોદ:
જૂનાગઢ, વંથલીમાં વજન બરાબર જણાવેલ પરંતુ કેશોદ ખાતર ડેપોમાં તપાસ કરતાં પાંચ બેગોમાં 300થી 580 ગ્રામ ખાતર ઓછું જણાયું હતું. આ અંગે ખેત નાયબ નિયામકએ’ ડેપો સંચાલકને નોટિસ પાઠવી, ખાતરના સેમ્પલ લઇ તપાસાર્થે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
રાણાવાવ:
પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશન સામે આવેલા કિશાન સુવિદ્યા કેન્દ્ર ખાતે ખેતી અધિકારી અને ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં રોજકામ કરવામાં આવ્યું હતું જેમાં તપાસ કરવામાં આવતા ઓછું ખાતર જોવા મળ્યું હતું. રાણાવાવ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઇ ખીસ્તરીયા, બખરલાના ખેડૂત આવડાભાઇ ખુંટી, રાણાવાવના લખમણભાઇ દેવા વગેરેની ઉપસ્થિતીમાં રોજકામ કરવામાં આવતાં ડી.એ.ડી.માં પ00 ગ્રામ જેટલું ઓછું વજન જણાઇ આવ્યું હતું. એન.ટી.કે.માં 400 ગ્રામ જેટલું ઓછું વજન જણાયું હતું. 6 મહિના જુના સ્ટોકમાં પણ ઓછું વજન જણાયું હતું. ડી.એ.બી.ની 340 થેલી સ્ટોક નજરે ચડયો હતો જ્યારે એનપીકેની 80 થેલી પડી હતી. ખેડૂતોને 1 થેલી દીઠ 1પ રૂપિયાનું નુકશાન થયું હોવાનું જણાવાયું હતું અને તેનું રોજકામ પણ કરાયું હતું.
ઉપલેટામાં જનતા રેઇડ
ગુજરાતમાં પેક થેલીમાં રાસાયણિક ખાતર ઓછું ભરતી કરતા હોવાના અને ખેડૂતોને ઓછું ખાતર આપી કંપની દ્વારા છેતરપિંડીની ફરિયાદો ઉઠવા પામેલ છે. ત્યારે ઉપલેટામાં પણ છેતરપિંડી થતી હોવાની ફરિયાદો કોંગ્રેસ પાસે આવતા શહેર કોંગ્રેસના પ્રમુખ-કૃષ્ણકાંત ચોટાઇ, તાલુકા પંચાયતના પ્રમુખ લાબાભાઇ ડાંગર, રમણીકભાઇ લાડાણી, લખમણભાઇ ભોપાલા, કપીલભાઇ સોલંકી, કમલેશભાઇ વ્યાસ સહિતના કોંગ્રેસના આગેવાનો, કાળા નાલા પાસે આવેલ સરદાર ફર્ટિલાઇઝર્સના ડેપોએ ધસી ગયા હતા અને ખાતરની થેલીઓમાં ખાતર ઓછું હોવાની ફરિયાદો અંગે ડેપો ઉપર હાજર રહેલ મેનેજર પરમારને જાણ કરતાં તેઓએ આ થેલીઓ કંપનીમાંથી આવતી હોવાનું જણાવેલ હતું.
જામનગર:
જામનગરના રણજીત સાગર રોડ ઉપર આવેલા ખાતરના ડેપોમાં કોંગ્રેસના અગ્રણી અને લોકસભાની તાજેતરની ચૂંટણીમાં ઉમેદવાર મુળુભાઇ કંડોરિયા અને પાલભાઇ આંબલિયા સહિતના અગ્રણીઓએ ચેકિંગ કરાવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ડીએપી ખાતરની ત્રણ બોરીમાં ઓછું વજન હોવાનું જણાયું હતું. જેમાં એક બોરીમાં 120 ગ્રામ, બીજી બોરીમાં 420 ગ્રામ અને ત્રીજી બોરીમાં 570 ગ્રામ વજન ઓછું હોવાનું માલૂમ પડયું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944