ગુજરાતભરમાં સતત બીજા દિવસે ભર શિયાળે મૂશળધાર કમોસમી વરસાદ

Share On :

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એકવાર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં કારતકે અષાઢી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની બે દિવસની કમોસમી વરસાદની આગાહીના પગલે તા.1લી અને આજે તા.2જી ડિસેમ્બર 2021ના રોજ ગુજરાત સમેત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તેમજ વાતાવરણમાં પલટો આવતા આખો દિવસ વાદળછાયા વાતાવરણને કારણે ઠંડક પ્રસરી ગઇ છે અને બર્ફીલા પવનના સુસવાટાથી કાશ્મીર જેવો માહોલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો છે.

ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા છવાઇ ગઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના વાવડ છે. દીવમાં 3 ઇંચ જેટલો વરસદા વરસ્યો છે. તેવી જ રીતે કોડિનારમાં એક, ડોળાસામાં પોણો અને સાવરકુંડલામાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેમજ અન્ય વિસ્તારોમાં અમીછાંટણા થયા છે.

કોરોના બાદ લગ્નસરાની સીઝન પણ ચાલી રહી છે એવામાં વરસાદ વરસતા ઘણા લગ્નોમાં વિઘ્નો ઉભા થયા છે. આ કમોસમી વરસાદથી કપાસ સહિત રવિપાકને ભારે નુકસાન
પહોંચ્યું છે.’

દીવ:

ઉત્તર-પશ્ચિમ દરિયાઈ ક્ષેત્રોમાં હવાનું દબાણ સર્જાવાનાં કાણે રાત્રીથી જ દીવમાં વરસાદ પડવાનું શરૂ થતાં તે સાંજ સુધી ધીમીધારે ત્રણ ઈંચ વરસાદ પડી ગયો.
જામનગર: જામનગરમાં ગઈકાલ સાંજથી વાતાવરણમાં જોરદાર પલટો આવવા પામ્યો છે. આજે સવારે આકાશમાં વાદળછાંયુ વાતાવરણ રહેતા સૂર્ય નારાયણનાં દર્શન થયા ન હતાં. વાદળછાંયા વાતાવરણ વચ્ચે 3પ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.

લોઢવા:

લોઢવા તથા આજુબાજુનાં ગામડામાં ગઈકાલ રાત્રીથી ધીમીધારે કમોસમી વરસાદ શરૂ થયેલ છે અને હજુ પણ વરસાદી માહોલ હોય તેથી વધુ વરસાદ થાય તેવી સંભાવના છે. આ વરસાદથી રવી પાકમાં લાખો રૂપિયાનું નુકસાન આ વિસ્તારનાં ખેડૂતોને થતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.

જૂનાગઢ:

જૂનાગઢ જિલ્લામાં માવઠાની આગાહીને પગલે આકાશમાં મેઘાવી માહોલ તથા સુસવાટા મારતા ઠંડા પવન વચ્ચે વિસાવદરમાં 8 મી.મી. ભેંસાણમાં ર મી.મી. અને જૂનાગઢમાં છાંટણા પડતા ટાઢોડું છવાયું છે.

બોટાદ:

બોટાદ જિલ્લામાં તા.1લી ડિસેમ્બર વહેલી સવારથી સાંજ સુધી ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી અને બોટાદ જિલ્લાનું સમગ્ર વાતાવરણ એકદમ કાશ્મીરમય બની ગયું હતું.

સાવરકુંડલા:

તા.1લી ડિસેમ્બર રાત્રીનાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો. દુકાનનાં છાપરા પડી ગયા હતાં, તેમજ 0ાા ઈંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

મતિરાળા: તા.1લી ડિસેમ્બર બુધવારની વહેલી સવારે વરસાદી માહેલા સર્જાયો હતો. ધીમીધારે વરસાદ પડી જતાં રસ્તા પર પાણીનાં ખાબોચીયા ભરાયા હતાં. ખુલ્લામાં પડેલ પશુચારો પલળી જવા પામ્યો છે.

બગસરા:

બગસરામાં આજે વહેલી સવારથી વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકો વરસાદનાં લીધે ઠંડીથી ધ્રુજવા લાગ્યાં.

સરા:

સરા ગામના ખેડૂતોએ પાકની કાપણી સહિત માલઢોરનું ચરીયાણ સુરક્ષિત રીતે ઘરમાં ખસેડી લીધેલ હતું. પાકની કાપણી કે નવા પાકનું વાવેતર કરવાનું બંધ રાખી બે દિવસ બાદ કરવાનું મુનાસીબ માન્યું હતું.

કોડિનાર:

કોડિનાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગત રાતથી વાતાવરણમાં પલટો આવતા છાંટાની શરૂઆત થઈ જે આખી રાત અને આજે ધીમી ગતિએ વરસાદ શરૂ છે. ઈંચ ઉપર વરસાદ થયો છે.

ડોળાસા:

કોડિનાર તાલુકાનાં ડોળાસા વિસ્તાર ગત રાત્રીના આઠ વાગ્યાથી ધીમી ધારનો વરસાદ ચાલુ થયો હતો. આજે સાંજનાં પ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. આ દરમ્યાન માત્ર 16 મી.મી. વરસાદ નોંધાયો છે. વરસાદની સાથે હીમ જેવી ઠંડક પ્રસરી જતાં લોકોમાં બીમારી ફેલાવાનો ભય પેદા થયો છે.

તાલાળા(ગિર):

તાલાળા પંથકમાં દિવાળી બાદ ઉપરા ઉપરી કમોસમી વરસાદનાં બે રાઉન્ડે કિસાનોની કેડ ભાંગી નાખી છે. તાલાળા પંથકમાં મંગળવાર રાત્રીથી ફરી કમોસમી વરસાદ શરૂ થયેલ બુધવાર બપોરનાં પાંચ વાગ્યા સુધી ધીમીધારે ચાલુ રહ્યો હતો. તાલાળા પંથકમાં કમોસમી વરસાદનાં ઉપરા ઉપરી બે રાઉન્ડથી ખેડૂતો ભાંગી પડયા છે. મંગળવાર સાંજથી શરૂ થયેલ વરસાદથી કેસર કેરીનાં આંબામાં આવેલ મોર તથા ચણાનાં પાકને વ્યાપક નુકસાન થયું છે. તાલાળા પંથકનાં વિવિધ વિસ્તારોમાં ખુશ્બુદાર દેશી ગોળનું ઉત્પાદન કરતા 80 જેટલા રાબડા કાર્યરત હતા. કમોસમી વરસાદથી તમામ ગોળનાં રાબડા બંધ થઈ ગયા છે. જે વાતાવરણ ખુલ્લુ થયા બાદ શરૂ થશે. તાલાળા પંથકના ગોળનાં રાબડામાં દરરોજ એક હજારથી પણ વધુ ડબ્બા ગોળ તૈયાર થતો હતો.

દામનગર:

તા. પહેલી ડિસેમ્બર ગઈ સાંજથી વાતાવરણમાં પલટો આવતા રાત્રીથી દિવસ દરમ્યાન કમોસમી માવઠાનો વરસાદ શરૂ રહ્યો છે. લગ્નસરા હોવા છતાં બજારો સુનકાર છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

પ્રાચી:

પ્રાચી તેમજ ગ્રામ્યવિસ્તારોમાં ગત રાતથી જ ધીભી ધારે શરૂ થયેલ વરસાદ આજે બપોર સુધી પણ શરૂ રહ્યો હતો. આખો દિવસ ઝરમર ઝરમર વરસાદ વરસતા અને ઠંડા પવનનાં કારણે વાતાવરણ ઠંડુગાર થયું હતું.

તળાજા:

તળાજા શહેર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીનાં નવેક વાગ્યા બાદ કમૌસમી વરસાદ ધીમીધારે શરૂ થયો હતો. માવઠાની શરૂઆતનાં પગલે ડુંગળી, ચણા અને કપાસનાં પાકનો સર્વનાશનાં એંધાણ વર્તાઈ ગયા છે. કૃષિ તજજ્ઞ ડી.એન.ઝાલાએ જણાવ્યું હતું કે હાલ તળાજા પંથકમાં ઘઉંનું વાવેતર ઓછું અને ડુંગળી ચણાનું વાવેતર વધેલ છે. માવઠાનાં કારણે ડુંગળીમાં બાફીયો રોગ અને ચણામાં ફૂગ આવવાના કારણે પાકને મોટું નુકસાન થાય છે. માવઠા સામે પાકને બચાવવો અઘરો છે તેમ છતાંય માવઠાનું પાણી ખેતરને લાયક ન હોય તે ભરાયેલ પાણીને કાઢીને કૂવાનું થોડું પાણી આપવું જોઈએ. સલ્ફરનો ઉપયોગ કરવો જોઈએ, સાથે ઓર્ગેનિક અને પેસ્ટીસાઈટ ફંગી સાઈટનો ઉપયોગ કરવો જોઈએ.

ઉમરાળા:

ઉમરાળા પંથકમાં મંગળવારની સાંજથી ઘટાટોપ વાદળો છવાયા બાદ મોડી રાતથી હળવા છાંટા શરૂ થયા હતા જે આજે બુધવારે ઝરમર રૂપે ચાલુ રહ્યા છે.

ભાવનગર:

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે દિવસભર વરસાદી માહોલ વચ્ચે ઝરમરિયો વરસાદ પડયો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદનાં કારણે લગ્નનાં આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતાં. સિહોર તાલુકાનાં નાના સુરકા ગામે તો લગ્નનાં આયોજકોએ ચાલુ લગ્ન અટકાવવા પડયા હતા અને તાડપત્રી સહિતની વસ્તુઓ ગોતવા નીકળવું પડયું હતું. આ ઉપરાંત તળાજા, મહુવા, સિહોર સહિતના વિસ્તારોમાં પણ માવઠું’ થયાના સમાચાર મળી રહ્યા છે.

સુરત:

તા.1લી ડિસેમ્બરને બુધવારની મોડી રાત્રીથી હળવો ધીમી ધારે કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત શહેર જિલ્લા સહિત નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં કમોસમી ઝરમર વરસાદ પડવા સાથે જનજીવન પ્રભાવિત થવા સાથે ખેત પેદાશને પણ ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.’

ઉના :

ઉના, ગીર ગઢડા પંથકમાં ગઈકાલ રાતથી આજ સાંજ સુધીમાં 2.5 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આ માવઠાંથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :