CIA ALERT

વિશ્વમાં સૌથી સસ્તા અને સારી લેબગ્રોન ડાયમંડ્સ સુરતથી મળ્યાઃ વિદેશી ખરીદારો સુરત પર આફરીન

Share On :

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ની સુરત સ્થિત રિજિયોનલ કચેરી દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન આયોજિત કરવામાં આવેલી ત્રીજી લેબગ્રોન બાયર્સ સેલર્સ મીટમાં અમેરીકા, બૈરુત, કઝાકિસ્તાન સહિત જુદા જુદા 8 દેશોમાંથી આવેલા 18 જેટલા વેરીફાઇડ વિદેશી ખરીદારો સુરતના લેબગ્રોન ડાયમંડ માર્કેટથી એટલા પ્રભાવિત થયા કે તેમણે મુક્તમને કહ્યું કે સુરત જેટલા સસ્તા અને સારી ક્વોલિટીના લેબગ્રોન ડાયમંડ બીજે ક્યાંયથી મળ્યા નથી. તેમણે સુરત અને મુંબઇના હીરા બજારમાં જે પ્રમાણે પ્રોફેશનલિઝન અને પારદર્શી વેપારની સિસ્ટમ જોઇ એવી ક્યાંય ન હોવાનો અભિપ્રાય આપ્યો હતો. અનેક ખરીદારો એવા છે કે જેઓ નેચરલ ડાયમંડનો બિઝનેસ કરી રહ્યા હતા પરંતુ, પહેલીવાર સુરત આવ્યા છે અને હવે તેઓ લેબગ્રોન ડાયમંડ્સમાં વેપારની ઉદભવનારી અસિમીત તકને પામી ચૂક્યા છે અને તેઓ કહે છે કે હીરા બજારના વર્લ્ડ માર્કેટમાં લેબગ્રોન ડાયમંડનો પ્રભાવશાળી સમય હજુ આવવાનો બાકી છે. વિશ્વની યુવા પેઢીને હવે લેબગ્રોન ડાયમંડ્સ અને તેમાંથી બનેલા જ્વેલરી આકર્ષી રહી છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન જયંતિ સાવલિયાએ કહ્યું કે જીજેઇપીસીની આ ત્રીજી લેબગ્રોન ડાયમંડ બાયર્સ સેલર્સ મીટ છે, પહેલી બે સમિટ અત્યંત ફળદાયી નિવડી હતી. જેમાં જીજેઇપીસી ખરીદારોને વેરીફાઇડ કરે છે અને આ એવી સમીટ છે કે જેમાં વિદેશી ખરીદારો માટે કોઇ સ્ટોલ્સ કે ડિસ્પ્લે હોતા નથી પરંતુ, સીધા જ ડાયમંડ ગ્રોઅર્સ તેમજ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ સાથે વનટુ વન મિટીંગ થાય છે, ફેક્ટરી વિઝીટ થાય છે અને સ્થાનિક ઉત્પાદકોને બિઝનેસ લિડ્સ મળે છે તેમજ ભવિષ્યના ઓર્ડરો પણ મળે છે. વિદેશી ખરીદારો માટે સુરતમાંથી સુરતના ટોચના ૧૧ લેબગ્રોન ડાયમંડ ગ્રોવર્સ (ઉત્પાદકો), લૂઝ લેબગ્રોન કટ & પોલીશ્ડ ડાયમંડ્સ સપ્લાયર્સ તેમજ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી મન્યુફેક્ચરર્સને પસંદ કરવામાં આવ્યા હતા. તમામે તમામ ખરીદારો વેરીફાઇડ હોય છે અને ખરીદારોને આવવા જવા માટેની વિમાની ટિકીટ, હોટેલમાં સ્ટે, ઇન્ટરર્નલ ટ્રાન્સપોર્ટેશનથી લઇને દરેક સુવિધા જીજેઇપીસી દ્વારા જ પૂરી પાડવામાં આવે છે.

સૌથી સસ્તા લેબગ્રોન ડાયમંડ્સ સુરતમાંથી જ મળેઃ ઓલ્ગા ગોન્ઝાલેઝ, ન્યુયોર્ક

વિદેશી ખરીદારોએ આજે સુરતના મિડીયા પર્સન્સ સાથે વાતચીત કરી હતી જેમાં અમેરીકાના ન્યુયોર્કથી આવેલા ઓલ્ગા ગોન્ઝાલેઝે જણાવ્યું કે સુરતના હીરા બજારમાં આવીને એવો અહેસાસ થયો કે વિશ્વમાં સૌથી સસ્તા અને સારા લેબગ્રોન ડાયમંડ્સ સુરત સિવાય બીજે ક્યાંયથી મળી શકે નહીં. સુરતના લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની વિશાળ રેન્જ અને ડિઝાઇન એવી છે કે શું ખરીદવું અને શું ન ખરીદવું એવી મૂંઝવણ થાય. તેમણે નેચરલ ડાયમંડ અને લેબગ્રોન સીવીડી ડાયમંડ્સ વચ્ચે કિંમતોમાં રહેલા ભારે તફાવતને કારણે હવે અમેરીકા સમેત સમગ્ર વિશ્વના હીરા ઝવેરાત બજારોમાં લેબગ્રોન ડાયમંડનું પ્રભુત્વ વધી રહ્યું હોવાનું જણાવતા કહ્યું કે ચીનના એચ.પી.એચ.ટી. ડાયમંડ્સ અંગે કોઇ જ ખ્યાલ નથી પણ ભારતમાં ખાસ કરીને સુરતમાં જે રીતે લેબગ્રોન ડાયમંડ્સનું ઉત્પાદન (ગ્રોઇંગ), કટીંગ, પોલિશિંગ થઇને પોલિશ્ડ હીરો બને છે એ નેચરલ ડાયમંડથી કંઇ કમ નથી.

ચીન કરતા બહેતર ક્વોલિટી અને કિંમતો સુરતના સીવીડી લેબગ્રોનનીઃ એસ્લી અદિલખાન, કઝાકિસ્તાન

કઝાકિસ્તાનથી આવેલી ગોલ્ડ જ્વેલરીની મહિલા વિક્રેતા એસલી એદિલખાન કહ્યું કે તેમનું ક્ષેત્ર હોંગકોંગના જ્વેલરી ટ્રેન્ડથી પ્રભાવિત છે. હોંગકોંગમાં ચાઇનીઝ લેબગ્રોન ડાયમંડ્સ અને તેની જ્વેલરી ઉપલબ્ધ હતી. તેમણે ખરીદવા માટે પ્રયત્નો કર્યા ત્યારે ખ્યાલ આવ્યો કે કિંમતોથી લઇને ક્વોલિટી કોમ્પ્રોમાઇસ થઇ રહી હતી. પછી તેમને જીજેઇપીસીની બાયર્સ સેલર્સ મીટ ઇવેન્ટ અંગે જાણકારી મળી અને તેઓ સુરત આવ્યા. સુરતમાં સીવીડી લેબગ્રોન ડાયમંડ્સની મેકીંગ પ્રોસેસ, જ્વેલરી મેન્યુફેક્ચરીંગ, ડિઝાઇનિંગ રેન્જ અને સૌથી આકર્ષક કિંમતોથી ભારે પ્રભાવિત થયા. એસલીએ પત્રકારોને કહ્યું કે સુરતમાં જેટલા સસ્તા સીવીડી લેબગ્રોન ડાયમંડ્સ મળ્યા તેટલા સસ્તા હવે ક્યાંય મળી શકે તેમ નથી. સુરતના લેબગ્રોન ડાયમંડ માર્કેટ પર એટલા આફરીન થયા કે હવે તેઓ સુરત સિવાય લેબગ્રોન ડાયમંડ અન્ય ક્યાંયથી ખરીદવાનું વિચારશે પણ નહીં.

સુરત જેવી વિશાળ રેન્જ અને સૌથી સસ્તા લેબગ્રોન બીજે ક્યાંય નહીં મળેઃ ઓલ્ગા તારાસોવા, ન્યુયોર્ક

ન્યુયોર્કથી આવેલા અન્ય એક મહિલા ખરીદાર ઓલ્ગા તારાસોવાએ પણ કહ્યું કે લેબગ્રોન ડાયમંડનું ખરેખર સૌથી સારુ અને સસ્તુ બજાર જો કોઇ હોય તો એ સુરત છે. સુરતમાં અમને જે રેન્જ અને વેરાઇટી મળી અને એ પણ ક્વોલિટી અને સૌથી સસ્તા દરે મળી એ જાણીને ખૂબ આનંદ થયો અને હવે અમે અમારી ખરીદીની પ્રક્રિયા માટે સુરતને જ પહેલી પસંદગી આપીશું. તેમણે કહ્યું કે આ અગાઉ ક્યારેય તેમણે લેબગ્રોન ડાયમંડ્સમાં ડીલ કર્યું નથી પણ સુરતમાં જીજેઇપીસીની બાયર્સ સેલર્સ મીટમાં આવ્યા પછી જે અનુભવ થયો અને હવે સમગ્ર વિશ્વમાં લેબગ્રોન ડાયમંડ્સનો પ્રભાવ વધવાનો છે ત્યારે લેબગ્રોન ડાયમંડના વેપારની શરૂઆત સુરતથી કરવાનો આનંદ છે.

રીટેલ અને હોલસેલ માર્કેટનો જેવો અનુભવ સુરતના હીરા બજારમાં થયોઃ બૈરુતના ખરીદાર

બૈરુતથી આવેલા એક ખરીદારે ત્યાં સુધી કહ્યું કે રીટેલ માર્કેટમાંથી ખરીદી કરીએ અને વ્હોલસેલ માર્કેટમાંથી ખરીદી કરીએ ત્યારે ક્વોલિટી, ક્વોન્ટીટી અને ભાવમાં કેવો ફરક જોવા મળે તેવી અનુભૂતિ સુરતના લેબગ્રોન ડાયમંડ માર્કેટને જોયા પછી થઇ છે. એવું લાગી રહ્યું છે કે વિશ્વના સૌથી સસ્તા લેબગ્રોન ડાયમંડ્સ ખરીદવા હોય તો સુરત જ આવવું પડે. તેમણે કહ્યું કે તેઓ બીજી વખત સુરતમાં જીજેઇપીસી આયોજિત બાયર્સ સેલર્સ મીટમાં આવ્યા છે અને જે રીતની જ્વેલરી સુરતના ઝવેરાત ઉત્પાદકો બનાવીને વેચી રહ્યા છે એ સમગ્ર વિશ્વના બજારોના ગ્રાહકોને આકર્ષવા માટે કાફી છે. તેમણે સુરતને હીરા અને હીરા જડીત જ્વેલરી ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ તરીકે ગણાવ્યું હતું.

અમેરીકા કેનેડા સમેત 8 દેશોમાંથી ખરીદારો સુરત આવ્યા

સુરત ખાતે યોજાયેલી જીજેઇપીસીની ત્રીજી લેબગ્રોન બાયર્સ સેલર્સ મીટમાં લેબગ્રોન હીરા ઝવેરાતની ખરીદી માટે અમેરીકા, યુનાઇટેડ કિંગ્ડમ, કેનેડા, કઝાકિસ્તાન, રશિયન ફેડરેશન, સાઉદી અરેબિયા, યુ.એ.ઇ. અને લેબેનોનથી 20 જેટલા વેરીફાઇડ ખરીદારો આવ્યા હતા. આ ખરીદારો ગ્લોબલ જ્વેલરી બ્રાન્ડ્સના પરચેઝ મેનેજર્સથી લઇને બિઝનેસ ડેવલપર્સ હતા. કેટલાક એવા પણ ખરીદારો હતા કે જેઓ પહેલીવાર નેચરલ ડાયમંડ્સમાંથી લેબગ્રોન ડાયમંડ્સના કારોબાર તરફ વળ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :