ટીનેજ ખેડૂતપુત્ર સૌરભ ચૌધરી શૂટિંગમાં એશિયન ચેમ્પિયન

ભારતનો માત્ર ૧૬ વર્ષની ઉંમરનો સૌરભ ચૌધરી ગઈ કાલે એશિયન ગેમ્સના ઇતિહાસમાં શૂટિંગનો ગોલ્ડ મેડલ જીતનારો પાંચમો ભારતીય શૂટર બન્યો હતો. તેણે અહીં ૧૦ મીટર ઍર પિસ્તોલની ફાઇનલ્સમાં વર્લ્ડ તથા ઑલિમ્પિક ચૅમ્પિયનોને પાછળ રાખીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. સૌરભે કુલ ૨૪૦.૭નો સ્કોર નોંધાવ્યો હતો જે એશિયાડનો નવો વિક્રમ છે. સૌરભની આ પહેલી જ સિનિયર ઇવેન્ટ હતી.
આ જ ઇવેન્ટમાં ભારતના ૨૯ વર્ષીય અભિષેક વર્માએ કુલ ૨૧૯.૩ના સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. જાપાનનો તોમોયુકી માત્સુદા આ હરીફાઈમાં સૌરભથી જરાક જ પાછળ રહી ગયો હતો અને ૨૩૯.૭ના સ્કોર સાથે બીજા સ્થાને આવતાં સિલ્વર મેડલ જીત્યો હતો. સૌરભ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના કાલિના ગામમાં રહે છે. તેના પિતા ખેડૂત છે.
સૌરભે એશિયન ગેમ્સનો ગોલ્ડ જીતીને ભારતના જસપાલ રાણા, રણધીર સિંહ, જિતુ રાય અને રોન્જન સોઢીની બરાબરી કરી છે. જોકે, સૌરભ માત્ર ૧૬ વર્ષનો છે અને એશિયાડમાં શૂટિંગનો ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો સૌથી યુવાન નિશાનબાજ બન્યો છે.
સૌરભે તા.21મી ઓગસ્ટ 2018ના દિવસે એશિયાડ સ્પર્ધામાં બે ચૅમ્પિયન ખેલાડીઓને પાછળ રાખીને પહેલું સ્થાન પ્રાપ્ત કરીને સુવર્ણચંદ્રક પર કબજો કરી લીધો હતો. ફાઇનલ્સ પહેલાંના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં સૌરભની સાથે સાઉથ કોરિયાનો ચાર વખત ઑલિમ્પિક ચૅમ્પિયન અને ત્રણ વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલો જિન યૉન્ગ-ઓહ પણ હરીફાઈમાં હતો. જોકે, સૌરભે તેને પાછળ રાખી દીધો હતો.
ફાઇનલ્સમાં બીજા નંબરે આવીને સિલ્વર જીતનારો જાપાનનો ૪૨ વર્ષીય માત્સુદા અગાઉ બે વાર વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો, પરંતુ ગઈ કાલે સૌરભને તે હરાવી નહોતો શક્યો.
દરમિયાન, શૂટિંગની મિક્સ્ડ ઇવેન્ટમાં અભિષેક વર્મા અને મહિલા શૂટર મનુ ભાકરની જોડી ફાઇનલ્સ માટે ક્વૉલિફાય નહોતી થઈ શકી.
દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેડલ-વિજેતા ભારતીય નિશાનબાજોને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા હતા અને લખ્યું હતું કે ‘તમે બધાએ દેશને અનેરું ગૌરવ અપાવ્યું છે.’
સૌરભ ખેતીમાં પપ્પાને મદદ કરવાનું ન ચૂકે
સૌરભ ચૌધરી અગિયારમા ધોરણમાં ભણે છે. એશિયન ગેમ્સ પછી તે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લેશે. ભારતની ટોચની મહિલા શૂટર મનુ ભાકરની જેમ સૌરભ પણ વેજિટેરિયન છે.
સૌરભે ભારતીય શૂટિંગના લેજન્ડ જસપાલ રાણા પાસે તાલીમ લીધી છે. સૌરભે તા.21મી ઓગસ્ટ 2018ના દિવસે સુવર્ણચંદ્રક જીત્યા પછી પત્રકારોને કહ્યું હતું કે ‘મને ખેતી કરવી ખૂબ ગમે છે. શૂટિંગની તાલીમમાંથી મને બહુ સમય તો નથી મળતો, પરંતુ જ્યારે પણ મળે છે ત્યારે હું ગામમાં પહોંચીને મારા પપ્પાને મદદ કરવા ખેતરમાં દોડી જાઉં છું.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


