
મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઝિકા વાયરસના કેસો મળી આવ્યા છે. જેના પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એક એડવાઈઝરી જારી છે. જેમાં દેશભરમાં આરોગ્ય ક્ષેત્રે દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યોને સગર્ભા સ્ત્રીઓના ઝિકા વાયરસની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને સંક્રમિત જોવા મળેલી મહિલાઓના ભ્રૂણ વિકાસ પર ધ્યાન આપવા પર ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે.
હેલ્થ સર્વિસ ડિરેક્ટર જનરલ ડૉ. અતુલ ગોયલ દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે, આ ઉપરાંત મંત્રાલયે આરોગ્ય સુવિધાઓ માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરવાની પણ સુચના આપી હતી. જે એડીસ મચ્છરોથી થતાં ચેપ પર નજર રાખશે અને તેની સામે પગલાં લેશે. ઝિકા વાયરસનો ચેપ એડીસ મચ્છર કરડવાથી ફેલાય છે. તેમજ આ મચ્છર ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનું કારણ પણ બને છે. 2 જુલાઈ, 2024 સુધી પુણેમાં ઝિકાના છ કેસ અને કોલ્હાપુર અને સંગમનેરમાં એક-એક કેસ નોંધાયા છે.
ઝિકા વાયરસના લક્ષણો
ઝિકા વાયરસ એ મચ્છરજન્ય વાયરસ છે, જે મુખ્યત્વે એડીસ મચ્છરો દ્વારા ફેલાય છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વહન કરતા મચ્છરો જેવા જ હોય છે. આ વાયરસ સૌથી પહેલા 1947માં યુગાન્ડાના ઝિકા જંગલમાં જોવા મળ્યો હતા, અને તેથી તેનું નામ ઝિકા પડ્યું હતું.
સામાન્ય રીતે ઝિકા વાઇરસનો ચેપ હળવો હોય છે, અને તેના લક્ષણો પણ ખૂબ ઓછા હોય છે. પરંતુ ત્યારે સામાન્ય રીતે આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે.
તાવ: હળવો તાવ આવી શકે છે.
ફોલ્લીઓ: ચામડી પર લાલ ફોલ્લીઓ હોઈ શકે છે.
સાંધામાં દુખાવો: ખાસ કરીને હાથ અને પગના નાના સાંધામાં દુખાવો થઈ શકે છે.
સ્નાયુમાં દુખાવો: સામાન્ય સ્નાયુમાં દુખાવો થઈ શકે છે.
માથાનો દુખાવો: હળવાથી મધ્યમ માથાનો દુખાવો થઈ શકે છે.
આંખમાં બળતરા: આંખોમાં લાલાશ અથવા બળતરા થઈ શકે છે.
શું છે ઝિકા વાયરસ ?
ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની જેમ ઝિકા એ એડીસ મચ્છર દ્વારા ફેલાતો વાયરલ રોગ છે. જો કે, ઝિકાથી સંક્રમિત સગર્ભા સ્ત્રીઓમાં જન્મેલા બાળકોમાં માઇક્રોસેફાલી (માથાનું કદ ઘટે છે), જે એક મોટી ચિંતાનો વિષય છે.
ભારતમાં ઝિકાનો પ્રથમ કેસ વર્ષ 2016માં ગુજરાતમાંથી નોંધાયો હતો. ત્યાર બાદ તમિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને કર્ણાટક સહિત અન્ય ઘણા રાજ્યોમાં કેસ નોંધાયા છે.