
કેન્દ્ર સરકારે સોનાના દાગીના બનાવવામાં સોનાના થતાં બગાડના ધોરણો એટલી હદે મર્યાદિત કરી દીધા હતા કે જેને કારણે ઝવેરાત ઉત્પાદકો, ઝવેરીઓને નફાની વાત તો દૂર પણ નુકસાની વહોરવી પડતી હતી. સમગ્ર દેશના ઝવેરાત ઉત્પાદકોમાં આ અન્યાયી નિયમો સામે સખત નારાજગી હતી જેને લઇને જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલે કેન્દ્ર સરકારને રજૂઆતો કરી હતી કે સોનામાંથી દાગીના બનાવનારા ઉત્પાદકોને દાગીના બનાવતી વખતે 5 ટકા સુધીના સોનાનો બગાડ સહન કરવો પડે છે. આ રીતે બગડતું સોનું ક્યાં તો ગોલ્ડ ડસ્ટ, ક્યાંતો ઓગળીને, ક્યાં તો કચરા ભેગું થઇ જતું હોવાથી અગાઉના ધોરણો અનુસાર 5 ટકા બગાડને મંજૂર રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
જીજેઇપીસીની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ઝવેરાત ઉત્પાદનમાં થતા સોનાના બગાડ અંગેની માગણીને સ્વીકારી છે. વિદેશી વેપારના મહાનિદેશાલય (ડીજીએફટી) એ આગામી તા.1લી જાન્યુઆરી 2025થી અમલમાં આવે એ રીતે દાગીનાઓના ઉત્પાદનમાં થતાં સોનાના બગાડના નવા ધોરણો અને સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ નોર્મ્સ (SIONs)માં સુધારો કરતું નોટિફિકેશન પ્રસિદ્ધ કરી દીધું છે.
અગાઉ DGFTએ 27મી મે 2024ના રોજ જાહેર સૂચના નંબર 05/2024-25 દ્વારા તમામ દાગીનાઓની તમામ શ્રેણીઓના બગાડના ધોરણોમાં ભારે ઘટાડો કર્યો હતો. આ ઘટાડાઓની ગંભીર અસર પર ધ્યાન આપતા, જીજેઇપીસીએ એ જ દિવસે DGFT અધિકારીઓ સાથે સ્ટેક હોલ્ડર્સની મીટીંગ યોજી હતી. જીજેઇપીસી અને ઝવેરાત ઉત્પાદકોએ દાગીના બનાવવાની પ્રક્રિયા દરમિયાન કઇ રીતે કેટલા પ્રમાણમાં સોનું બગડે છે તે પ્રકારે ઉત્પાદન ડેટા રજૂ કર્યો હતો. પરિણામે, અગાઉ આપવામાં આવેલી સૂચનાનો અમલ સમયાંતરે સ્થગિત કરવામાં આવ્યો હતો.
જીજેઇપીસીએ ઝવેરાત ઉત્પાદકોના હિતમાં કેન્દ્ર સરકાર પાસે બે મુખ્ય રજૂઆતો કરી હતી જેમાં (એ) દાગીનાઓના ઉત્પાદની પ્રક્રિયા સાથે વાસ્તવિક રીતે સંરેખિત થતા બગાડના ધોરણો નિર્ધારિત કરવા અને (બી) નવા નિયમો અપનાવવા માટે ફેરફાર અપનાવવાની પર્યાપ્ત અવધિની મંજૂરી આપવી.
GJEPC ના સંશોધન અને ડીજીએફટી અધિકારીઓ સાથેની વિવિધ ચર્ચાઓ બાદ, બગાડના અગાઉના ધોરણો સાથે વ્યવહારુ ફેરફારો કરવામાં આવ્યા છે જે આગામી તા.1લી જાન્યુઆરી 2025થી અમલમાં આવશે. વચગાળાના સમયગાળા દરમિયાન, અગાઉના ધોરણો 31મી ડિસેમ્બર 2024 સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામામાં SIONs માટેના સુધારણાની પણ વિગતો આપવામાં આવી છે, જે ફિનિશ્ડ જ્વેલરીના ચોક્કસ જથ્થા માટે મંજૂર કાચા માલની માત્રાનો ઉલ્લેખ કરે છે. સુધારેલા ધોરણોનો ઉદ્દેશ્ય ધાતુના અસરકારક ઉપયોગને દાગીનાઓની ઉત્પાદનની પ્રક્રિયાઓની વાસ્તવિકતાઓ સાથે સંતુલિત કરવાનો છે, જેનાથી વધારે ફાયદો પરંપરાગત કારીગરોને થશે.
હેડિંગ બોક્સ
દાગીના ઉત્પાદનમાં સોનાનો બગાડના ધોરણો
વિગત સોનું ચાંદી
હેન્ડ ક્રાફ્ટેડ પ્લેન જ્વેલરી 2.25 3
મશીન મેડ જ્વેલરી 0.45 0.50
સ્ટડેડ હેન્ડ ક્રાફ્ટ જ્વેલરી 4.00 4.00
સ્ટડેડ મશીન મેડ જ્વેલરી 2.80 2.80
માઉન્ટીંગ-ફાઇન્ડીંગ્સ હેન્ડ 2.00 2.50
માઉન્ટીંગ-ફાઇન્ડીં મશીન 0.40 0.50
અન્ય મિકેનાઇઝ્ડ જ્વેલરી 0.90 0.90
ભગવાનની પ્રતિકૃતિ હેન્ડ 4.00 4.00
ભગવાનની પ્લેન પ્રતિકૃતિ 2.00 2.00