udyog expo 2025 Archives - CIA Live

February 5, 2025
udyog-25.png
1min159

SGCCI દ્વારા તા. ર૧થી ર૩ ફેબુ્રઆરી દરમ્યાન SIECC સરસાણા ખાતે ‘ઉદ્યોગ–ર૦રપ’ પ્રદર્શન યોજાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ર૧, રર અને ર૩ ફેબ્રુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘ઉદ્યોગ– ર૦રપ’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૮પ વર્ષથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વર્ષોથી વિવિધ પ્રદર્શનોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. ચેમ્બરના ફલેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે, જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની ૧પમી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ– ર૦રપ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, અંકલેશ્વર, જામનગર, વાપી, વલસાડ, દાદરા નગર હવેલી, મુંબઇ, ઠાણે, નવી દિલ્હી, નોઇડા, જાલંધર (પંજાબ), હિમાચલ પ્રદેશ, ઉદયપુર અને તામિલનાડુના કુલ ૧પ૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા પાર્ટીસિપેટ કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં સોલાર એનર્જી, સોલાર પેનલ, એન્સીલરી, ઇન્વર્ટર, વોટર ટ્રિટમેન્ટ, ઇલેકટ્રીકલ તથા ઇન્ડસ્ટ્રી માટે જરૂરી દરેક પ્રકારના વેન્ટીલેશન સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રથમ વખત ઉદ્યોગ પ્રદર્શનમાં મુક–બધીર અને દિવ્યાંગો માટે અલગથી પેવેલિયન ફાળવવામાં આવશે. દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવતી અગરબત્તી તથા અન્ય પ્રોડકટનું તેઓ પ્રદર્શન કરી શકે તે માટે તેઓને પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગો માટે મ્યુઝીકલ ઇવનીંગનું પણ આયોજન કરાશે, જેમાં દિવ્યાંગ ગાયકો તથા મ્યુઝીશિયનોને પ્લેટફોર્મ આપવામાં આવશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં કુલ ૧,૧૦,૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં ઉદ્યોગ પ્રદર્શન યોજાશે, જેમાં ટેક્ષ્ટાઈલ એન્સીલરી, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જીનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા પ્રોડકટ્‌સ અને સર્વિસિસ પ્રદર્શિત કરાશે.

ચેમ્બરના માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, ‘ઉદ્યોગ–ર૦રપ’ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ર૧ ફેબ્રુઆરી ર૦રપના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યોજાશે. ઉદ્યોગ એકઝીબીશનના ઉદ્‌ઘાટન માટે ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રીઓને તથા ઉચ્ચ અધિકારીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ એકઝીબીશનમાં ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટમાં ઓટોમેશન એન્ડ રોબોટિકસ, એસી એન્ડ ડીસી ડ્રાઇવ્સ, કેબલ્સ, સ્વીચ ગિયર્સ, ઇન્વર્ટર, યુપીએસ અને બેટરી વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે. એન્જીનિયરીંગ એન્ડ અલાઇડ સેગમેન્ટમાં મશીન ટૂલ્સ, ગિયર્સ એન્ડ મોટર્સ, ટેક્ષ્ટાઇલ એન્સીલરી, કોમ્પ્રેશર, પમ્પ્સ એન્ડ વાલ્વ, કટીંગ ટૂલ્સ, મશીન ટૂલ્સ એસેસરીઝ, એકસકલુઝીવ લેસર એન્ડ એડીટીવ મેન્યુફેકચરીંગ, વેલ્ડીંગ ઇકવીપમેન્ટ એન્ડ કોન્સુમેબલ્સ, પાવર ટૂલ્સ એન્ડ ફાસ્ટનર, ઇન્ડસ્ટ્રીયલ હાર્ડવેર મટિરિયલ હેન્ડલીંગ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્‌સ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરિટી, હેઝાર્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને એર પોલ્યુશન કન્ટ્રોલ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

‘ઉદ્યોગ– ર૦રપ’ પ્રદર્શનના ચેરમેન શ્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, સર્વિસ સેગમેન્ટમાં બેન્કીંગ, ફાયનાન્સ એન્ડ ઇન્સ્યુરન્સ, ટૂરીઝમ, લોજિસ્ટીક એન્ડ વેર હાઉસિંગ અને આઇટી સર્વિસિસનું પ્રદર્શન કરાશે. જ્યારે રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં સોલાર એનર્જી, વીન્ડ એનર્જી, બાયો–એનર્જી, હાઇડ્રો એનર્જી, જનરેટર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇલેકટ્રો કેમિકલ વિગેરે દરેક ઇન્ડસ્ટ્રી સબંધિત એનર્જી સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બરને ઉદ્યોગ પ્રદર્શનમાં પ્લેટિનમ સ્પોન્સર તરીકે રિલાયન્સ ફાઉન્ડેશનનો, ગોલ્ડ સ્પોન્સર તરીકે કેપી ગૃપનો તથા એસોસીએટ સ્પોન્સર તરીકે ન્યુકિલયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, ઇન્ડેક્ષ્ટબી અને જૈનમ બ્રોકિંગ લિમિટેડનો સહકાર પ્રાપ્ત થયો છે.

‘ઉદ્યોગ પ્રદર્શન’ જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધી ખૂલ્લું રહેશે.