કેન્દ્ર સરકારે ટફ બંધ કર્યાના અઢી વર્ષ બાદ રાજ્ય સરકારે ટેક્ષટાઇલ ઉદ્યોગમાં અપગ્રેડેશન રૂંધાય નહીં તે માટે કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ પર 10થી 35 ટકા સુધી સબસિડી આપવાની જાહેરાત કરી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગુજરાત ટેક્ષટાઇલ પોલિસી 2024નું લોકાર્પણ કર્યું અને જાણે સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગના ભાગ્ય ખૂલી ગયા હતા. કેન્દ્રએ ટેક્ષટાઇલ ઉદ્યોગમાં ખાસ કરીને નાના અને મધ્યમસ્તરના કાપડ ઉત્પાદક કારખાનેદારો માટેની ટફ સબસિડી સ્કીમ બંધ કર્યાના અઢી વર્ષ બાદ ગુજરાત સરકારે આજે જાહેર કરેલી ટેક્ષટાઇલ પોલિસીમાં ટેક્ષટાઇલ કારખાનેદારો માટે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ સબસિડીની જાહેરાત કરી છે જેને લઇને સ્થાનિક ટેક્ષટાઇલ ઉદ્યોગકારોમાં ખુશાલી પ્રવર્તી ઉઠી છે.
મળતી પ્રારંભિક માહિતી મુજબ ટેક્ષટાઇલ ઉદ્યોગમાં મશીનરી સ્વરૂપમાં નવું મૂડીરોકાણ કરનારા ઉદ્યોગ સાહસિકોને 10 ટકાથી લઇને 35 ટકા સુધી સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. કયા સંજોગોમાં 10 ટકા અને કયા સંજોગોમાં 35 ટકા સબસિડી મળશે તેની ડિટેઇલની રાહ જોવાય રહી છે. પરંતુ, રાજ્ય સરકારે ઇન્વેસ્ટમેન્ટ પર સબસિડી આપવાની નીતિ વિષયક ઘોષણા કરીને સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને દિલ જીતી લીધા છે. ઇન્વેસ્ટમેન્ટ સબસિડીનો લાભ લેવામાં સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો એકલા ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પહેલા ક્રમે આવે છે.
કેન્દ્ર સરકારની 1998થી ચાલી આવતી ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ (ટફ) સ્કીમ માર્ચ 2022માં સમાપ્ત કરી દીધી હતી. ટફ સ્કીમમાં મશીનરીની કુલ કિંમતના 10 ટકા સબસિડી આપવામાં આવતી હતી. જેની સામે રાજ્ય સરકારે 10થી 35 ટકા સુધીની ઇન્વેસ્ટમેન્ટ સબસિડી આપવાની ઘોષણા કરી છે.
એથી વિશેષ બેંક ધિરાણ પર લાગૂ પડતા વ્યાજમાં 5થી 7 ટકા સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી આપવાનું પણ એલાન ગુજરાત ટેક્ષટાઇલ પોલિસીમાં કરવામાં આવ્યું છે.
એવી જ રીતે ઇલેક્ટ્રીસિટી ટેરીફ પ્રતિ યુનિટ રૂ.1ના દરે આપવાની પણ નીતિ વિષયક ઘોષણાને કારણે સુરતના વીવીંગ નીટીંગ ઉદ્યોગકારોને મોટો ફાયદો થાય તેમ માનવામા આવે છે.
એવી જ રીતે ટેક્ષટાઇલ ઉદ્યોગમાં રોજગારીનું સર્જન વધારે થાય તે માટે રૂ.5 હજાર સુધી પ્રતિ કર્મચારી પેરોલ સપોર્ટ આપવાની પણ ઘોષણા કરવામાં આવી છે.