
દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું છે. આ માહિતી ટાટા ગ્રૂપે જ આપી હતી. ટાટા સમૂહે કહ્યું છે કે અપાર દુઃખ સામે અમે પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ.
મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને કારણે મુંબઈમાં રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.
રતન ટાટાને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે. મુંબઈમાં 10 વાગ્યાથી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.
મુંબઈ પોલીસના દક્ષિણ ઝોનના એડિશનલ કમિશનર અભિનવ દેશમુખે જણાવ્યું હતું કે તેમના પાર્થિવ દેહને સવારે 10 થી બપોરે 3:30 વાગ્યા સુધી દર્શન માટે NCPA ખાતે રાખવામાં આવશે. દર્શન માટે આવનાર તમામ લોકોને અપીલ છે કે ત્યાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તેઓએ પોલીસની સૂચનાનું પાલન કરવું પડશે અને આવતા પહેલા તેમની પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. પોલીસનો સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે લખ્યું, “રતન ટાટાનું નિધન એક યુગનો અંત છે. તેઓ ભારતીય ઉદ્યોગના આધુનિકીકરણ અને તેનાથી પણ વધુ તેના વૈશ્વિકીકરણ સાથે ઊંડે સુધી સંકળાયેલા હતા. હું તેમને મળ્યો છું. ઘણા પ્રસંગોએ તેમની સાથે વાર્તાલાપ કરવાનો આનંદ મળ્યો અને તેમની દૂરંદેશી અને સૂઝબુઝનો લાભ મળ્યો. ઓમ શાંતિ! તેમના નિધનના શોકમાં સમગ્ર રાષ્ટ્ર સાથે જોડાઈએ.