
મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના જોબા ગામ ખાતે એક મહિલા આઈએએસ (IAS) ઓફિસર અને આઈએફએસ (IFS) અધિકારીના લગ્ન થયા તે ખૂબ જ ચર્ચામાં છે. આઈએએસ તપસ્યા પરિહારે યુપીએસસીની પરીક્ષામાં 23મી રેન્ક મેળવી હતી. તેમણે આઈએફએસ અધિકારી ગર્વિત ગંગવાર સાથે લગ્ન કર્યા હતા. તપસ્યાના લગ્ન એટલા માટે ચર્ચામાં છે કારણ કે, તેમણે કન્યાદાન કરાવવાની ના પાડી દીધી હતી. તપસ્યાએ પોતાના પિતાને કહ્યું હતું કે, હું દાનની વસ્તુ નથી, તમારી દીકરી છું. તેમણે લગ્નમાં કન્યાદાનના રિવાજનું પાલન નહોતું કર્યું. ગુરૂવારે જોબા ગામ ખાતે રિસેપ્શન યોજાયું હતું જેમાં બંને પક્ષના સંબંધીઓ અને પરિચિતો સામેલ થયા હતા.

હિંદુ સંસ્કૃતિમાં કન્યાદાનનું વિશેષ મહત્વ છે પરંતુ નરસિંહપુર જિલ્લા ખાતે જન્મેલી તપસ્યા પરિહારે તમામ બંધનો તોડીને પોતાના લગ્નમાં કન્યાદાનની વિધિ ન થવા દીધી. આઈએએસ અધિકારી તપસ્યાના કહેવા પ્રમાણે બાળપણથી જ તેમના મનમાં સમાજની આ વિચારધારાને લઈ લાગતું હતું કે, કોઈ કઈ રીતે મારૂ કન્યાદાન કરી શકે, તે પણ મારી ઈચ્છા વગર. ધીમે ધીમે મેં મારા પરિવારજનો સાથે આ વાતની ચર્ચા કરી અને મારા પરિવારજનો પણ માની ગયા. ત્યાર બાદ વર પક્ષને પણ આ માટે રાજી કરવામાં આવ્યો અને કન્યાદાન વગર જ લગ્ન થઈ ગયા.