જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
વિતેલા સપ્તાહે સુરતીઓની નમકીનની ફેવરીટ બ્રાન્ડ યુરો ફૂડ્સના મનહરભાઇ, દિનેશભાઇને મળવાનું થયું. એજન્ડા કંઇ ન હતો. બસ યુરો ફૂડ્સની મજલ વિશે જાણવું હતું. વ્યવસાયે પત્રકારત્વ રગેરગમાં વહેતું હોય, કંઇક નવું જાણવાની હંમેશા ઇંતેજારી રહેતી હોય છે. સુરતમાં અનેક સ્થળોએ મળવા જવાનું થાય ત્યારે યુરોની પાણીની બોટલ હાથમાં આવે, ક્યાં તો યુરોના જ્યુસની બોટલ આવી જાય અગર તો પછી નાસ્તામાં યુરોના નમકીન પીરસાય, સવારે ચા નાસ્તામાં યુરોના ખાખરા કે ભાખરવડી હોય, રાત્રે જમ્યા પછી યુરોની ડ્રાયફ્રૂટ ચીકી હોય આમ સ્વાદ અને પેટની ભૂખ સંતોષવા માટે અવારનવાર યુરો બ્રાન્ડની જુદી જુદી બનાવટો માધ્યમ બનતી હોઇ, એવી ઇંતેજારી હતી કે યુરો બ્રાન્ડ વિશે મનહરભાઇને મળીને તેના વિશે ચોક્કસ માહિતી જાણું.
અને એ ઇંતેજારી પૂરી થઇ 16 ફેબ્રુઆરી 2022ના રોજ. જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશભાઇ નાવડીયા સાથે યુરોની ફેક્ટરીની વિઝીટ પર જવાનું થયું અને એવી અનેક બાબતો જાણવા મળી કે જે ભવિષ્યમાં રેફરન્સ બની રહેશે.
2008માં યુરો બ્રાન્ડના વૈચારીક બીજ નંખાયા હતા

મનહરભાઇ સાંસપરા અને દિનેશભાઇ સાંસપરા બન્ને ભાઇઓ અને ત્રીજા ભાઇ જયંતિભાઇ વિદેશમાં ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા છે. આ ત્રણેય ભાઇઓ 2008ની વૈશ્વિક મંદીના સમયે પરીવાર સાથે મહારાષ્ટ્રના એક હિલ સ્ટેશન હરવા ફરવા માટે ગયા હતા. એ સમયે સાંસપરા ફેમિલીના મુખ્ય બિઝનેસ હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ અને ત્રણેય ભાઇઓએ પરિવાર સાથે હીલ સ્ટેશન પર જ વિચાર વલોણું કર્યું કે હીરાની સાથે કોઇક અન્ય બિઝનેસ તરફ જવું જોઇએ. સુરતમાં હીરા, ટેક્ષટાઇલ, રિયલ એસ્ટેટના પ્રમોટર્સ એક મેક સાથે સંકળાયેલા હોય એટલે એકમાં મંદી આવે એટલે સાઇકલ ત્રણેયમાં ફરી વળે. ત્રણેય ભાઇઓએ વિચાર્યું અને એ પછી શરૂ થઇ સર્ચિંગની સફર.
શું કરવું જોઇએ શું ન કરવું જોઇએ એ અંગે ખાંખાખોળા કર્યા અને એક કોમન બિઝનેસ મળ્યો ફૂડ સેક્ટરનો. મનહરભાઇએ કહ્યું કે અમારા પરિવારમાં ક્યારેય કોઇ નિર્ણય કોઇ એક વ્યક્તિનો ન હોય, તમામ સાથે મળીને સર્વસંમત થાય એ જ કામ કરવાનું થાય. ત્રણેય સાંસપરા બંધુઓએ નક્કી કર્યું કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ઝૂકાવીએ. ત્રણેય ભાઇઓએ નક્કી કર્યું કે સુરતમાં આ બિઝનેસ વિકસાવવો અને તેની સીધી દેખરેખ મનહરભાઇ રાખશે. કેમકે દિનેશભાઇ મુંબઇનો બિઝનેસ સંભાળે અને ત્રીજા ભાઇ, જયંતિભાઇ વિદેશમાં બિઝનેસ સંભાળે છે એટલે સુરતમાં ફૂડ બિઝનેસ મનહરભાઇની દેખરેખમાં આગળ વધે.
માંગરોળ પાસે જમીન પણ મળી. પરંતુ, રોજ હાઇવે પર જવાનું હોઇ, બે ભાઇઓએ સ્પષ્ટ ના પાડી, મનહરભાઇ માટે રોજ હાઇવે ક્રોસ કરવાનું જોખમ ના ઉભું કરી શકાય. છેવટે ઇચ્છાપોર ખાતે પ્લાન્ટ નાંખવાનું નક્કી થયું.

યુરો નામ કેવી રીતે પડ્યું
યુરો નામ પાછળ કોઇ મોટી કહાણી ન હોવાનું જણાવતા મનહરભાઇ કહ્યું કે વાત વાતમાં નામ રાખી દીધું યુરો. તેમણે કહ્યું કે અમારા ભાઇ જે વિદેશમાં છે એ મોટા ભાગે શબ્દ પ્રયોગ કરે, યુરો મોકલી આપું..યુરો એટલે યુરોપનું ચલણી નાણું. બસ નામ પણ મોઢે ચઢી જાય તેવું લાગ્યું અને ત્રણેય ભાઇઓએ નક્કી કરી નાંખ્યું કે આપણી ફૂડ કંપનીનું નામ યુરો રહેશે. આટલી સાહજિકતાથી નામ પડ્યું અને એટલી સાહજિકતાથી જ યુરો ફૂડ કંપનીનું નમકીન કે અન્ય ખાદ્ય બનાવટો ભારતમાં જ નહીં પણ આજે વિશ્વના 14 દેશોના લોકોની માનીતી બ્રાન્ડ બની છે.
કમિટમેન્ટ (નિષ્ઠા) સાથે બાંધછોડ નહીં ને ત્રણ બાબતો સાથે સમાધાન નહીં
સાંસપરા બંધુઓના નવા ઔદ્યોગિક સોપાન, 2014માં જ્યારે યુરો ફૂડ્સ કંપનીએ ઉત્પાદન શરૂ કર્યું તેની પશ્ચાદ ભૂમિકામાં ત્રણેય ભાઇઓના મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડીંગનો પાયો હતો કે કમિટમેન્ટ સાથે કોઇ જ કોમ્પ્રોમાઇસ નહીં કરવું, નિષ્ઠા સાથે ક્યારેય બાંધછોડ નહીં. સારું અને કવોલિટી ફૂડ આપવું એટલે આપવું પછી તેમાં લેશમાત્ર સમાધાન નહીં. આ કમિટમેન્ટ જ આજે યુરો ફૂડ્સને વૈશ્વિક બ્રાન્ડ બનાવી રહ્યું છે. મનહરભાઇ અને દિનેશભાઇએ કહ્યું કે (1) પેકેજિંગ ડિઝાઇનિંગ (2) ક્વોલિટી ગુણવત્તા અને (3) ટેસ્ટ સ્વાદ, આ ત્રણેય વસ્તુઓ સાથે ક્યારેય સમાધાન નહીં કરવું એવું મનમાં ઠાની લઇને યુરો ફૂડ્સ કંપનીએ સૌથી પહેલા પોટેટો ચીપ્સ (બટાકાની વેફર) બનાવવાનું શરૂ કર્યું.
સાંસપરા બંધુઓના સૈદ્ધાંતિક બંધનોએ એવી ક્રાંતિ આણી કે જોત જોતામાં યુરો વેફર્સની માર્કેટમાં ડિમાન્ડ નીકળી. સપ્લાય ચેઇન દિનેશભાઇ અને તેમના પરિવારે સંભાળી, પ્રોડકશન મનહરભાઇએ સંભાળ્યું અને વેફરથી શરૂ થયેલી યુરો ફૂડ્સના ઉત્પાદનોની શ્રેણી આજે યુરો ફૂડસની કુલ 146 પ્રકારની અલગ અલગ વેરાઇટી સુધી પહોંચી ચૂકી છે.
કોરોનામાં યુરો ફૂડ્સે જે કર્યું એ ગુપ્તતાથી કર્યું, ક્યારેય માઇલેજ લેવાનો નાનો સરખો પ્રયાસ પણ ના કર્યો
કોરોના કાળમાં સાંસપરા બંધુઓની યુરો ફૂડ્સ કંપનીએ સામાન્ય લોકો માટે જે કર્યું એ જાણીને એમ થયું કે કદાચ બીજા કોઇ પ્રમોટર હોત તો સાંસપરા બંધુઓએ ગુપ્તતા કેળવીને કરેલા માનવીય કાર્યનું મિડીયા માઇલેજ લઇને યુરો ફૂડ્સને કાગનો વાગ બનાવી દીધો હોત. અમે પણ અહીં તેમના ગુપ્ત માનવીય કાર્યોનો ઉલ્લેખ કરવા માગતા નથી કેમકે એ મુઠ્ઠી ઉંચેરા લોકો જ કરી શકે.
કોરોના કાળમાં નાજૂક સ્થિતિ વચ્ચે કુનેહથી કંપની સંભાળી
વાત વાતમાં મનહરભાઇએ કહ્યું કે માર્ચ 2020માં કોરોના કાળ આવ્યો ત્યારે મુસિબતોનો પહાડ તૂટી પડ્યો એવું લાગ્યું. પણ અમે ડર્યા વગર આગળ વધ્યા. કર્મચારીઓને પૂરો પગાર, તારીખ પહેલા કર્યો. મનહરભાઇએ ત્યારે કર્મચારીઓને કહ્યું કે આ પગારનો એક એક રૂપિયો કાળજીથી વાપરજો. આખા દેશ નહીં વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ છે, હવે પગાર થશે કે નહીં તેની મને ખબર નથી પણ હવે પછી તમારે તમારી મહેનતના પૈસાને બચાવી રાખવાના છે, જરૂર પડે તેમાં જ ખર્ચજો.
રો મટિરિયલ એવું જ ખરીદવાનું જે પરિવાર માટે ખરીદતા હોય
મનહરભાઇ અને દિનેશભાઇ સાંસપરાએ જણાવ્યું કે યુરો ફૂડ્સ એટલે ખાદ્ય પદાર્થોની શ્રેણી. એમાં અમારે જાતજાતના રો મટિરિયલની જરૂર પડે. ક્યારેય તેની ગુણવત્તામાં બાંધછોડ નહીં કરવાની. જે વસ્તુ અમે અમારા ઘર માટે ખરીદીએ એ જ વસ્તુઓમાંથી યુરોની પ્રોડેક્ટ પણ બનાવવી. ચણાના લોટથી લઇને બટાકા સુધી હજારો રો મટિરિટલ આઇટમ્સની ખરીદી કરવી પડે પણ ઉતરતી કક્ષાનું જણાય એટલે એને રિજેક્ટ જ કરી દેવામાં આવે. તેમણે કહ્યું કે યુરો ફૂડના જ્યુસ અને પીણાઓમાં ક્યારેય સેકરીનનો ઉપયોગ નહીં. ખાંડથી બનાવટ મોંઘી પડે સ્વાભાવિક છે પણ લોકોને અમે ક્યારેય સસ્તું આપવાના નામે સ્વાસ્થ્યને નુકસાન કારક વસ્તુ ના આપી શકીએ. જ્યાં સુધી યુરો ફૂડ માર્કેટમાં રહેશે ત્યાં સુધી આ પોલીસી પકડી રાખીશુ અમે.