Sumul election Archives - CIA Live

July 14, 2026
image-13.png
1min164

7 બેઠકો ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ જીતતાં બોર્ડ પર બહુમતી નિશ્ચિત, છતાં નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડમાં કાંટાની ટક્કર; 710 મતદારો નક્કી કરશે 6,600 કરોડના ટર્નઓવર ધરાવતી ડેરીનું ભાવિ

ધી સુરત અને તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (સુમુલ ડેરી)ની 16 બેઠકોમાંથી 9 બેઠકો માટેનો ચૂંટણી જંગ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. 9 બેઠકો માટે કુલ 21 ઉમેદવારો મેદાનમાં હોવાથી અનેક બેઠકો પર સીધો અને ત્રિકોણીય મુકાબલો સર્જાયો છે. બુધવાર, તા.15 જુલાઈએ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે, જેમાં કુલ 710 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

વ્યારા અને મહુવા બેઠકો પર સૌથી વધુ ચાર-ચાર ઉમેદવારો મેદાનમાં હોવાથી અહીં સૌથી વધુ રસાકસી જોવા મળશે. જ્યારે કુકરમુંડા બેઠક પર ત્રિકોણીય મુકાબલો છે. અન્ય બેઠકો પર ભાજપ સમર્થિત અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર રહેશે.

ચૂંટણી મતદાન પૂર્વેથી જ 16માંથી 7 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉપરાંત સરકાર દ્વારા નિયુક્ત થનારી ત્રણ બેઠકોને ધ્યાનમાં લેતાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ ભાજપે સુમુલ ડેરીના બોર્ડમાં બહુમતી સુનિશ્ચિત કરી લીધી છે. તેમ છતાં બાકીની 9 બેઠકોની ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે.

ખાસ કરીને નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો સામે કોંગ્રેસ તેમજ પશુપાલક હિતરક્ષક સમિતિના ઉમેદવારો ઉપરાંત ભાજપના બળવાખોર ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી ચૂંટણી અત્યંત રસપ્રદ બની છે. કેટલીક બેઠકો પર ભાજપના આંતરિક અસંતોષે ચૂંટણીને વધુ કાંટાની બનાવી છે.

સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકો સાથે સંકળાયેલી અને વાર્ષિક આશરે ₹6,600 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની આ ચૂંટણીને માત્ર સહકારી સંસ્થાની ચૂંટણી નહીં પરંતુ રાજકીય પ્રતિષ્ઠાની લડાઈ તરીકે પણ જોવામાં આવી રહી છે. કોંગ્રેસમુક્ત અથવા વિપક્ષમુક્ત સુમુલનું સ્વપ્ન સંપૂર્ણ રીતે સાકાર થશે કે વિરોધ પક્ષ પોતાની હાજરી નોંધાવશે, તેના પર સૌની નજર છે.

મતદાન પૂર્વે ઉમેદવારો દ્વારા નિયુક્ત મતદારોને પોતાના પક્ષે કરવા માટે ‘ડિનર ડિપ્લોમસી’ પણ પૂરજોશમાં ચાલી રહી છે. વિવિધ સ્થળોએ બપોર અને રાત્રિના ભોજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યાં મતદારોને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ ચૂંટણીમાં કુલ 710 મતદારો મતદાન કરશે. તેમાં સોનગઢ બેઠકમાં સૌથી વધુ 176 મતદારો, ત્યારબાદ માંડવીમાં 129, વ્યારામાં 80, મહુવામાં 65, ઉમરપાડામાં 61, ડોલવણમાં 53, નિઝરમાં 51, કુકરમુંડામાં 43 અને ઓલપાડમાં 42 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.