સુમુલ ડેરીના પ્રમાણિક,કરકસરયુક્ત, પારદર્શક અને અસરકારક વહીવટને કારણે સુરત અને તાપી જીલ્લાના પશુપાલકોને દૂધ પ્રાપ્તિના ભાવોમાં વધારો શક્ય : માનસિંહ પટેલ-ચેરમેન સુમુલ ડેરી-સુરત

આજરોજ સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહના “સહકાર થી સમૃદ્ધિના” સ્વપ્નને સાકાર કરતા તેમના નિયામક મંડળના સાથ સહકાર, પ્રમાણિક, કરકસરયુક્ત અને અસરકારક વહીવટ થકી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની આર્થિક સુખાકારી માટે અનેક નિર્ણયો કાર્ય છે જેમાં વધુ એક વખત ઐતિહાસિક ભાવ ફેર આપવાનો નિર્ણય કર્યા બાદ દૂધના ખરીદ ભાવોમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
નવા ફાઈનાન્શિયલ વર્ષમાં તા.૪-૦૫-૨૦૨૫ના રોજથી અમલી ભેંસ અને ગાય બંનેમાં દૂધ પ્રાપ્તિના ભાવોમાં કિલો ફેટ દીઠ રૂપિયા ૨૦ નો વધારો કરવામાં આવતા અનુક્રમે ભેંસના ભાવો રૂ.૮૭૦ અને ગાયના ભાવો રૂ.૮૩૦ મળશે. સુરત અને તાપી જિલ્લાના આશરે 2.50 લાખ પશુપાલકોને આ નિર્ણયથી લાભ થશે.
સંઘના નિયામક મંડળ દ્વારા મિશન બિયોન્ડ મિલ્ક’ પહેલ અનુસંધાને 125 કરોડના ખર્ચે આઈસક્રીમ પ્લાન્ટનું વિસ્તરણ અને ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ તેમજ વગર વ્યાજે પશુ ખરીદી માટે સુડીકો બેંક-સુમુલની લોન યોજના, BIS/ISI ક્વોલીટી વાળુ દાણ,સભાસદ વીમા યોજના, ૨૪ કલાક પશુ ચિકિત્સકોની સેવા, વાછરડી-પાડી ઉછેર કાર્યક્રમ,કૃત્રિમ બીજદાન,એમ્બ્રિયો ટ્રાન્સફર યોજના,સુમુલ એનિમલ જીનેટિકસ,સેક્સ સીમેન યોજના,સોલાર સીસ્ટમ,મિલ્કીંગ મશીન, પશુ વીમા યોજના, પશુઓ સુધારણા, ઘાસચારાની યોજના,સાયલેજ, સહિતની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેના મીઠા ફળો મળતા સુમુલ ડેરી તેના સીમાંત, નાના ખેડૂતો તેમજ જમીન વિહોણા મજુરો,મહિલાઓ પશુપાલકોને દરરોજ ૧૦ કરોડ રૂપિયાની આવક ઘર આંગણે પૂરી પાડી મોટા પાયે રોજગારીનું સર્જન કરે છે. દૂધ પ્રાપ્તિના ભાવોમાં વધારાના સમાચાર મળતા જ પશુપાલકોએ માનસિંહ પટેલ અને તેમના નિયામક મંડળ ઉપર અભિનંદનની વર્ષા કરી હતી.