
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાશે. NDA તરફથી સી. પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી મેદાનમાં છે. આજની ચૂંટણીમાં બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિ એમ બે પક્ષોએ મતદાન ન કરવાની જાહેરાત કરી છે. આ સિવાય શિરોમણી અકાલી દળ તરફથી પણ ચૂંટણીમાં સામેલ ન થવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ચૂંટણી હવે રસપ્રદ બની ગઈ છે.
મતદાન 9 સપ્ટેમ્બર સવાર 10 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે
મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDAના તમામ સાંસદોની બેઠક યોજાઈ જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તેની એક એક સાંસદને ટ્રેનિંગ આપવામાં આવી.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સદસ્યો મતદાન કરી શકે છે. સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં હાલમાં કુલ 781 સાંસદ છે. જે જોતાં જીત માટે 392 સાંસદોના મતની જરૂર છે. નંબરગેમમાં NDAની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. લોકસભામાં NDA પાસે 293 જ્યારે રાજ્યસભામાં 132 સાંસદો છે. જેથી NDA પાસે કુલ 425 સાંસદોનું સમર્થન છે.