
ભારતના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તા.૨૩ જુલાઈ ૨૦૨૪ના રોજ વર્ષ ૨૦૨૪નું વાર્ષિક બજેટની જાહેરાત કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ બજેટને આવકારતા જણાવ્યું હતું કે, બજેટ સમાજલક્ષી છે તથા આત્મનિર્ભર ભારતની દિશામાં લઈ જવાની ઝુંબેશ તરફ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત ધંધા-ઉદ્યોગની સાથે જ હોર્ટિકલ્ચરનું પણ છે, ત્યારે સરકાર દ્વારા એગ્રીકલ્ચરનું ઉત્પાદન વધારવા માટે બાગાયતી ખેતીમાં ઉપયોગ થતાં ૧૦૯ હાયઈલ્ડીંગ વેરાયટી સીડ ખેડૂતોને આપવાની જાહેરાત કરી છે. તથા કઠોળ અને તેલબીજમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વિશેષ સ્કીમ આપવામાં આવી છે.
દેશના વિવિધ શહેરોમાં ઈ-કોમર્સ એક્ષ્પોર્ટ હબ પીપીપીના ધોરણે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ચેમ્બર દ્વારા અગાઉ નાના-શહેરોમાં પીપીપીના ધોરણે એક્ષ્પોર્ટ હબ બને તે માટે માંગણી કરવામાં આવી હતી, જે આ બજેટમાં પૂર્ણ થઈ છે તેમ જણાવ્યું હતું.
તેમણે સરકાર શ્રીએ પડકારજનક સ્થિતીમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ફુગાવો દર ૪% થી ઓછો કરવાનો પ્રયત્ન આવકારદાયક ગણાવ્યો હતો. તેમણે નાણાકીય ખાદ્યને ૪.૯% સુધી રાખવાની અને વર્ષ ૨૦૨૬ સુધી ૪% થી ઓછો કરવાનો પ્રયત્નની પણ પ્રશંસા કરી હતી. MSME ઉદ્યોગકારો માટે કરવામાં આવેલ ક્રેડીટ ગેરેન્ટી સ્કીમ પ્લાન્ટ અને મશીનરી ખરીદી કરવા માટે રૂ. ૧૦૦ કરોડ સુધીનું ક્રેડીટ ગેરેન્ટી ફંડ શરૂ કરવાની જાહેરાત કરી હતી. હવે MSME ઉદ્યોગકારોને લોનનું ક્રેડિટ એસેસમેન્ટ એસેસ્ટ બેઝ્ડ નહીં પણ ડિજિટલ ફૂટપ્રિન્ટના એસેસમેન્ટ પર કરવામાં આવશે. માંદા પડેલ ઉદ્યોગોને પણ લોન મળી રહે તેવી જાહેરાત કરવામાં આવી છે.
આ બજેટમાં રોજગારલક્ષી ઘણી યોજનાઓની વાત કરવામાં આવી છે. કૌશલ્ય વિકાસ હેઠળ પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. પાંચ વર્ષમાં ૨૦ લાખ યુવાનોને કૌશલ્ય વિકાસ પ્રોજેક્ટમાં જોડવામાં આવશે. જેમ કે, ઉચ્ચ શિક્ષણ માટે રૂ. ૧૦ લાખ સુધીની લોન અને મોર્ડન શિક્ષણ માટે રૂ. ૭.૫ લાખ સુધીની લોન આપવાની અને ૩% વ્યાજ છૂટની પણ વાત કરવામાં આવી છે. જેથી ભારતની યુવા પેઢી જ્ઞાનની સાથે કૌશલ્યપૂર્ણ બને. ભારત વિવિધ ક્ષેત્રમાં મેન્યુફેક્ચરીંગ હબ બન્યું છે, દેશમાં અત્યાધુનિક મશીનરીઓનું નિર્માણ અને ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે ભારતીય યુવા પેઢી વધુ કૌશલ્યવાન બનશે તો ઉત્પાદનમાં વધુ વૃદ્ધિ થઈ શકશે.
દેશમાં નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોરીડોર હેઠળ ૧૨ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ડીએમઆઈસી સુરતમાંથી પસાર થાય છે, ત્યારે એક ઈન્ડસ્ટ્રિયલ પાર્ક સુરતને મળે અને તે ઉપરાંત દેશની ૧૦૦ સિટીમાં ૧૦૦ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક પ્લગ એન્ડ પ્લે હેઠળ લાવવામાં આવશે. તેમાંથી કેટલાક દક્ષિણ ગુજરાતને આપવામાં આવે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.
બજેટમાં ક્રિટિકલ મિનરલ્સ મિશનની જાહેરાત કરવામાં આવી છે. જે હેઠળ કેટલાક મિનરલ્સ માટે ફરજિયાત રિસાયકલિંગ, રિયુઝની પોલિસી લાવવામાં આવશે. જેમ પ્લાસ્ટિકમાં EPR છે, તેમજ મિનરલમાં પણ EPR પ્રોવિઝન લાવવાની જાહેરાત કરાઈ છે. વિદેશોમાં પણ આવા ક્રિટિકલ મિનરલ્સની માઈન્સ હાંસલ કરવા માટે સરકાર સ્પેશિયલ ફંડ આપશે. આ પગલાંથી ક્રિટિકલ મિનરલ્સમાં આત્મનિર્ભરતા આવશે. સાથે જ આયાતમાં પણ ઘટાડો થવાની સંભાવના છે તેમ ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું.
ભારતની એનર્જી સિક્યુરિટી માટે પ્લબ સ્ટોરેજ પ્રોજેક્ટની સ્પેશિયલ સ્કીમ લાવવામાં આવશે. જેથી સોલાર ઈન્ડસ્ટ્રીને લાભ મળશે. સ્મોલ મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટર્સ જે ભારત સરકાર પ્રાઈવેટ કંપનીઓ સાથે મળીને સંશોધન કરશે.
એનર્જી એફિસિન્સીના ટારગેટ પણ નવી પોલિસી દ્વારા નિર્ધારિત થશે તથા એ થકી ભારતમાં કાર્બન ટ્રેડિંગ માર્કેટ ઊભું કરવામાં આવશે. સરકાર દ્વારા માળખાગત સુવિધાઓ માટે ૧૧.૧૧ લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેનાથી ભારતીય અર્થવ્યવસ્થાને મોટો બુસ્ટ મળવાની સંભાવના છે. તથા રાજ્ય સરકારોને ઈન્ફ્રા ડેવલપમેન્ટ માટે રૂ. ૧.૫૦ લાખ કરોડ સુધીની ઈન્ટરેસ્ટ ફ્રી લોન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે, જેથી રાજ્યોના માળખાકીય સુવિધાઓમાં વધારો થશે તથા માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ હાથ ધરવા માટે પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓને વાયબિલીટી ગેફ ફંડીંગ સરકાર દ્વારા આપવામાં આવશે. ગ્રામીણ વિસ્તારમાં આવેલી જમીનો માટે આધાર બેઝ્ડ રેકોર્ડ સિસ્ટમ બનાવવામાં આવશે તથા સમગ્ર દેશની જમીન માટે લેન્ડ રેજિસ્ટ્રી બનાવવામાં આવશે. બજેટમાં એક્વાટીક એનિમલ્સ માટેના ખાદ્યાન્ન પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે. જેથી એક્વાટીક ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને લાભ મળશે.
ચેમ્બર પ્રમુખે જણાવ્યું કે, બજેટ પર્સનલ ઈનકમ ટેક્સમાં સ્ટાર્ડન્ડ ડિડક્શનની મર્યાદા રૂ. ૫૦ હજારથી રૂ. ૭૫ હજાર કરવામાં આવી, જે ઘણી ઓછી છે. જેના થકી પગારદાર વર્ગને વાર્ષિક ૧૭,૫૦૦નો ફાયદો થવાની સંભાવના છે. જેને ઓછામાં ઓછી રૂ.૧ લાખ કરવાની જરૂર હતી. શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ૧૫% થી વધારી ૨૦% કરાયું છે. લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ પણ ૧૦% થી વધારી ૧૨.૫% ટકા કરવામાં આવ્યું છે. તથા સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. એકંદરે બજેટ ખેડૂતલક્ષી, મહિલાલક્ષી લાગે છે પણ ટેક્ષ્ટાઈલ ઉદ્યોગકારો માટે કોઈ ખાસ જાહેરાત કરવામાં આવેલ નથી. પરંતુ આગામી સમયમાં ટેક્ષ્ટાઈલ સંબંધિત નવી પોલિસીઓની જાહેરાત થાય તેવા અમે આશાવાદી છીએ.
ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪નું વાર્ષિક બજેટ સમતોલ અને તમામ વર્ગોને ધ્યાને રાખીને બનાવવામાં આવેલું દૂરંદેશી બજેટ. બજેટમાં સ્ત્રી સશક્તિકરણને ધ્યાનમાં રાખીને મહિલાઓ અને યુવતીઓ માટે ખાસ રૂ. ૩ લાખ કરોડની ફાળવણી વિવિધ યોજનાઓ માટે કરવામાં આવી છે. જેથી મહિલા આંત્રપ્રિન્યોર્સનો અને સમાજનો વિકાસ થશે તથા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન મળશે. ૧૦૦ શહેરોમાં સ્ટ્રીટ માર્કેટ શરૂ કરવામાં આવશે. જેથી નવી રોજગારી નિર્માણ થશે. પીએમ સૂર્ય ઘર યોજનાને પ્રોત્સાહન આપવાની જોગવાઈ કરાઈ છે. જેથી સોલાર ઈન્ડસ્ટ્રીને લાભ થશે. ફિસ્કલ ડેફીસટ ઘટાડવાનો સંકલ્પ એટલે રાજકોષીય ખાદ્ય ઘટાડવાનો સંકલ્પ આવકારદાયક છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૧૦૦ શહેરોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપનાની જોગવાઈના કારણે શહેરોની સફાઈ અને આરોગ્યમાં ખૂબ સુધારાઓ થશે. પીએમ આવાસ યોજનામાં ૩ કરોડ ઘરોની જોગવાઈના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનું પોતાના ઘરનું સપનું સાકાર કરવામાં મદદરૂપ થશે. શિક્ષણ, રોજગાર અને સ્કીલ ડેવલપમેન્ટમાં રૂ. ૧.૪૮ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવતાં દેશના રૂ. ૪ કરોડ ૧૦ લાખ યુવાનોને તેનો લાભ મળશે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે એકંદરે બજેટની જોગવાઇઓ અત્યંત ફાયદાકારક છે. ભારતના ખેડૂતોથી લઇને યુવાઓ માટેની જોગવાઇ ન્યુ ઇન્ડિયાના ઘડતર માટે અત્યંત ઉપયોગી નિવડશે. હીરા ઝવેરાત ઉદ્યોગ માટે કેટલીક જોગવાઇઓ સારી કરવામાં આવી છે. હીરા ઉદ્યોગની ઇક્વિલાઇઝેશન લેવીની વર્ષો જૂની માગણી સંતોષાય છે જે આવકારદાયક છે. તેમણે કહ્યું કે ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે ચેમ્બર તરફથી જે રજૂઆતો થઇ છે તે સંતોષાઇ નથી પરંતુ, અમને આશા છે કે આગામી દિવસોમાં એ બાબતે પણ ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસીની જોગવાઇ કરવામાં આવશે.