પાછલા સપ્તાહે વાદળછાયા વાતાવરણ અને વરસાદની આગાહીની વચ્ચે થોડા દિવસ ગરમીમાંથી રાહત મળી હતી હવે ફરીથી હવામાન વિભાગે આગામી 8 દિવસ કાળઝાળ ગરમી માટે ગુજરાતીઓ તૈયાર રહે તેવી આગાહી કરી છે. મંગળવારથી ગરમીનો પારો ઉંચકાવા જઈ રહ્યો છે. 26 એપ્રિલ, મંગળવારથી 8 દિવસ રાજ્યભરમાં 44 ડિગ્રીથી વધુ ગરમી નોંધાશે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, 25 એપ્રિલથી 2 મે સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ, પાકિસ્તાનમાં સર્જાનારા એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનથી ગરમી વધશે. 29, 30 એપ્રિલે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જઈ શકે છે. તો રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
દરમિયાનમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની આગાહી છે ત્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથ, કચ્છ, રાજકોટ, અમરેલી, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તથા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શનિવારે અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી અને 5 શહેરોમાં 41 ડિગ્રી પાર કરી ગયો હતો. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1.1 ડિગ્રી વધીને 41.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.5 ડિગ્રી વધીને 26.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં અમદાવાદમાં ક્રમશ ગરમીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન ખાતાના આંકડાઓ પરથી જણાય છે કે છેલ્લાં 10 વર્ષમાં પહેલીવાર રાજ્યમાં ગરમીનો પારો 15 માર્ચ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો હતો. અગાઉ સૌથી વધુ 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન 28 માર્ચ-2017ના રોજ નોંધાયું હતું. ગત વર્ષે 29 માર્ચના 41.7 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
જૂનાગઢમાં હિટવેવ તાપમાન 42.7 ડિગ્રી
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઉનાળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગગનમાંથી અગનવર્ષા શરૂ થઇ છે. પરિણામે બપોરના સમયે સ્વૈચ્છિક કફર્યુ જેવી સ્થિતિ સર્જાય છે. જૂનાગઢમાં આજે મહતમ તાપમાન 42.7 ડિગ્રી ન્યુનતમ 26.9 ડિગ્રી, ભેજ 30 અને 14 ટકા, પવન 6 કિ.મી. નોંધાયો છે.