29 એપ્રિલ 2022ના રોજ શનિદેવ 30 વર્ષ બાદ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને 24 માર્ચ 2025 સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. શનિદેવ લગભગ દર 2.5 વર્ષે પોતાની રાશિ બદલે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહનું રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વનું ગણાય છે કારણ કે, તમામ રાશિના જાતકો પર તેનો પ્રભાવ પડે છે.
જોકે શનિના રાશિ ગોચરથી મુખ્યત્વે 5 રાશિના જાતકો પ્રભાવિત થાય છે. 2 રાશિઓ પર શનિની ઢૈયા (2.5 વર્ષ) ચાલશે જ્યારે 3 ઉપર એકસાથે શનિની સાડાસાતી.
શનિના કુંભ રાશિમાં પ્રવેશથી ધનુ રાશિના જાતકોને શનિની સાડાસાતીમાંથી મુક્તિ મળશે જ્યારે મીન રાશિના જાતકો પર સાડાસાતી શરૂ થશે. શનિના આ ગોચરથી કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર શનિની ઢૈયા શરૂ થઈ જશે. જ્યારે મિથુન અને તુલા રાશિના જાતકો તેમાંથી મુક્ત થઈ જશે.
શનિદેવના રાશિ પરિવર્તનથી 4 લગ્નવાળા જાતકો માટે ભાગ્યશાળી સમય શરૂ થશે. શનિ ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરવા જઈ રહ્યો છે. આ યોગનું નિર્માણ વૃષભ લગ્નવાળા જાતકો માટે 10મા ભાવમાં, સિંહ લગ્નવાળા જાતકો માટે સપ્તમ ભાવમાં, વૃશ્ચિક લગ્નવાળા જાતકો માટે ચતુર્થ ભાવમાં અને કુંભ લગ્નવાળા માટે લગ્નમાં બનવા જઈ રહ્યો છે જેનો જોરદાર લાભ મળશે.
‘શશ’ યોગવાળા જાતકો ખૂબ જ મહેનતું હોય છે અને પોતાના પ્રયત્નો દ્વારા સફળતા પ્રાપ્ત કરે છે. તેમના કોઈ ગોડફાધર નથી હોતા. તેઓ અન્ય લોકોની સેવા કરવા માટે હંમેશા તત્પર રહે છે. ‘શશ’ યોગ શનિના પ્રભાવને સુધારવામાં મદદ કરે છે અને શુભ પરિણામ આપે છે. આ યોગ જાતકને શનિના કુપ્રભાવમાંથી બચાવવા માટે ખૂબ જ લાભદાયી છે. ‘શનિની સાડાસાતી’ અને ‘શનિ ઢૈયા’ના દુષ્પ્રભાવને પણ ઘટાડી દે છે. કુંડળીમાં બનેલો ‘શશ’ યોગ જાતકને નિરોગી બનાવે છે અને જીવનને દીર્ઘાયુ બનાવે છે. આવા જાતકો ખૂબ જ વ્યાવહારિક હોય છે. ‘શશ’ યોગવાળા જાતકો ખૂબ જ સફળ થાય છે અને રાજકીય ક્ષેત્રે નવી ઉંચાઈઓ સર કરે છે.

મેષ લગ્નઃ
મેષ લગ્નવાળાઓ માટે શનિ દશમ અને એકાદશ ભાવનો સ્વામી છે અને તમારા એકાદશ ભાવમાંથી ગોચર કરશે. જોકે તમારા માટે શનિ અકારક ગ્રહ છે. જોકે શનિ તમને ભરપૂર ધનલાભ કરાવી આપશે. તમને વિભિન્ન સ્ત્રોતમાંથી ધનપ્રાપ્તિ થશે. તમારો આર્થિક પક્ષ મજબૂત બનશે. તમારી ધર્મ પ્રત્યેની રૂચિ વધશે. તમે નવું વાહન કે મકાન ખરીદી શકો છો. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. ખાણી-પીણી પર નિયંત્રણ રાખો.
વૃષભ લગ્નઃ
વૃષભ લગ્નવાળાઓ માટે શનિ નવમ અને દશમ ભાવનો સ્વામી છે. તમારા માટે શનિ સર્વાધિક કારક ગ્રહ છે. તમારી કુંડળીમાં શનિ ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે. તમે છેલ્લા 4-5 વર્ષમાં ઘણાં કષ્ટ સહન કર્યા છે, હવે સમય આવી ગયો છે જ્યારે શનિ તમારા પર મહેરબાન થશે. તમારા માટે શાનદાર સમયની શરૂઆત થઈ રહી છે. આ સમય તમારા માટે ભાગ્યશાળી સમય છે.
ચલ-અચલ સંપત્તિ અને જમીનના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા લોકો આ અનુકૂળ અવધિથી લાભાન્વિત થશે. ભવન-મકાન ખરીદવા અને નિર્માણ માટે આ યોગ્ય સમય છે. તમે આનંદ-પ્રમોદના હેતુથી યાત્રા પર જઈ શકો છો. નવા ઉદ્યમ શરૂ કરવા માટે કે નવા રોકાણ માટે આ ઉત્તમ અવધિ છે. જો તમે નોકરિયાત વર્ગના છો તો તમને પ્રમોશન મળવાની પૂરી શક્યતા છે.
મિથુન લગ્નઃ
મિથુન લગ્નવાળાઓ માટે શનિ અષ્ટમ અને નવમ ભાવનો સ્વામી છે. શનિના આ રાશિ પરિવર્તનની સાથે જ તમારા માટે ભાગ્યશાળી સમયની શરૂઆત થઈ છે. તમારા સંઘર્ષના દિવસો સમાપ્ત થયા છે. તમારા વ્યાવસાયિક ક્ષેત્રે જોરદાર વિસ્તાર થશે. તમે પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે જોડાશો જેના સહયોગથી તમારા કામકાજમાં વધારો થશે. નવા ઉદ્યમ શરૂ કરવા માટે આ એક આદર્શ સમય છે. જે લોકો નોકરિયાત વર્ગના છે તેમને પ્રમોશન મળવાની પૂરી શક્યતા છે.
કર્ક લગ્નઃ
કર્ક લગ્નવાળા જાતકો માટે શનિ સપ્તમ અને અષ્ટમ ભાવનો સ્વામી છે. અષ્ટમ ભાવ આયુ અને ગુપ્ત વિદ્યાનો છે. શનિ તમારા માટે અકારક છે. આ સમય દરમિયાન તમને મિશ્રિત પરિણામો મળશે. આ સમય ધૈર્ય રાખીને કામ કરવાનો છે. આ સમય દરમિયાન સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે આકરી મહેનત કરવી પડશે. આ સમય દરમિયાન તમારી જીવન શૈલીનું વિશેષ ધ્યાન રાખો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની પણ આવશ્યકતા છે. જોકે બેરોજગાર જાતકોને નોકરીના પ્રસ્તાવ કે નોકરી મળવામાં સફળતા મળશે. આ સમય દરમિયાન તમને બિનજરૂરી ખર્ચાથી બચવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ લગ્નઃ
સિંહ લગ્નવાળાઓ માટે શનિ છઠ્ઠા અને સપ્તમ ભાવનો સ્વામી છે અને શનિ તમારા સપ્તમ ભાવમાંથી ગોચર કરશે. શનિ તમારા માટે અકારક ગ્રહ છે. જોકે તમારી કુંડળીમાં શનિ ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે જેનો તમને લાભ મળશે. ચલ-અચલ સંપત્તિ અને જમીનના ખરીદ-વેચાણ કારોબાર સાથે સંકળાયેલા લોકો આ અનુકૂળ અવધિથી લાભાન્વિત થશે. ભવન-મકાન ખરીદવા અને નિર્માણ માટે આ અનુકૂળ સમય છે. નવા ઉદ્યમ શરૂ કરવા કે નવા રોકાણ માટે આ ઉત્તમ અવધિ છે. આ સમય દરમિયાન તમારા જીવનસાથીને કેટલીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સકારાત્મક દૃષ્ટિકોણ રાખવાથી તમને આ સમય દરમિયાન જે પણ અડચણ આવે તેને દૂર કરવામાં સહાયતા મળશે.
કન્યા લગ્નઃ
કન્યા લગ્નવાળા જાતકો માટે શનિ પંચમ અને છઠ્ઠા ભાવનો સ્વામી છે. શનિ તમારા માટે કારક ગ્રહ છે અને આ સમયે તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આ સમય દરમિયાન તમને મિશ્રિત પરિણામો મળશે. આ સમય ધૈર્ય રાખીને કામ કરવાનો છે. આ સમય દરમિયાન સફળતા પ્રાપ્ત કરવા માટે આકરી મહેનત કરવી પડશે. પારિવારિક જીવન સુખમય રહેશે. આ સમય દરમિયાન તમારી જીવનશૈલીનું વિશેષ ધ્યાન રાખો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની પણ આવશ્યકતા છે. તમને પેટ સંબંધી રોગ થઈ શકે છે. જોકે બેરોજગાર જાતકોને નોકરીના પ્રસ્તાવ કે નોકરી મળવામાં સફળતા મળશે. નોકરિયાત લોકોને તેમની આકરી મહેનત અને સમર્પણના બદલામાં વરિષ્ઠો દ્વારા પદોન્નતિ અને વેતન વૃદ્ધિ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.
તુલા લગ્નઃ
તમારા માટે શનિ ચતુર્થ અને પંચમ ભાવનો સ્વામી છે અને તમારી કુંડળીમાં લગ્નથી પંચમ ભાવમાં ગોચર કરશે. શનિના આ ગોચરથી તમે આ વર્ષે કોઈ અધૂરો રહી ગયેલો અભ્યાસ ફરી શરૂ કરી શકો છો અથવા તો કોઈ વિષયમાં સંશોધન કરી શકો છો. શનિની સ્થિતિ તમારા વિચારને ગંભીર બનાવી દેશે જેથી તમે ખૂબ ઉંડાણમાં જઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. આ વર્ષે વ્યાપાર અંગે ભ્રમ જળવાઈ રહેશે અને નવા કાર્યને લઈને પણ કશ્મકશ બની રહેશે. કર્મચારીઓ વચ્ચે મતભેદ પણ થઈ શકે છે. કોઈ જૂનું અટવાઈ પડેલું સરકારી કામ આ વર્ષે પૂર્ણ થશે. તમને માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. કોઈ મોંઘી ભૌતિક વસ્તુ માટે તમારા નાણાં વપરાઈ શકે છે. તમે તમારી મહિલા મિત્ર માટે આભૂષણ પણ ખરીદી શકો છો.
વૃશ્ચિક લગ્નઃ
શનિ તમારા માટે ત્રીજા અને ચોથા ભાવનો સ્વામી છે. શનિ તમારા માટે અકારક ગ્રહ છે પરંતુ તમારી કુંડળીમાં શનિ ચોથા ભાવમાં ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે. આ સમય તમારા માટે ખૂબ જ નસીબવંતો છે. વૃશ્ચિક લગ્નવાળાઓને શનિ વ્યાપારમાં નવા અવસર પ્રદાન કરશે. જોકે કોઈ પણ પ્રકારનો અહંકાર તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. જો તમે વિદેશ સાથે સંકળાયેલા કોઈ પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છો તો તે મળી જવાથી તમને લાભપ્રાપ્તિ થશે. ભવન-મકાન ખરીદવા અને તેના નિર્માણ માટે આ અનુકૂળ સમય છે. નવા ઉદ્યમો શરૂ કરવા કે નવા રોકાણ માટે આ ઉત્તમ અવધિ છે. સકારાત્મક દૃષ્ટિકોણ રાખવાથી તમને આ સમય દરમિયાન કોઈ પણ અડચણોનો સામનો કરવામાં સહાયતા મળશે.
ધનુ લગ્નઃ
ધનુ લગ્નવાળા જાતકો માટે શનિ બીજા અને ત્રીજા ભાવનો સ્વામી છે અને તમારા ત્રીજા ભાવમાંથી ગોચર કરશે. વ્યાપારમાં કોઈ નવું કામ કરવા માટે વિચારી રહ્યા છો તો કાર્ય માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. આર્થિક સ્થિતિ પણ સામાન્ય જળવાઈ રહેશે અને આર્થિક સ્થિતિને પગલે કામમાં કોઈ અડચણ નહીં આવે. કોઈ મિત્રની મદદથી તમારા અટકી પડેલા કામો સુચારૂરૂપે આગળ વધશે પરંતુ તે જ મિત્ર સાથે કોઈ નવા કામની શરૂઆત ન કરતા. કોઈ જૂનો અધૂરો રહી ગયેલો અભ્યાસ આ વર્ષે ફરી શરૂ થશે અને પૂર્ણ પણ થઈ શકશે. આ સમય દરમિયાન તમને આળસનો અનુભવ થશે પંરતુ કામને આવતીકાલ પર ટાળવામાં તમારૂં જ નુકસાન છે.
મકર લગ્નઃ
મકર લગ્નવાળા જાતકો માટે શનિ લગ્ન અને બીજા ભાવનો સ્વામી છે અને શનિ તમારા બીજા ભાવમાંથી ગોચર કરશે. આ સમય તમારી અંદર સકારાત્મક પરિવર્તન લાવશે. જો આ સમય દરમિયાન કોઈ પણ કાર્ય શરૂ કરવા ઈચ્છો તો તમારી જાત પર સંપૂર્ણ ધ્યાન લગાવીને જ કરવું, તો જ શનિ તમને સફળતા દેખાડશે. જોકે શનિ તમને ભરપૂર ધનલાભ કરાવશે. તમને વિભિન્ન સ્ત્રોતોમાંથી ધનપ્રાપ્તિ થશે અને તમારો આર્થિક પક્ષ મજબૂત બનશે. તમારી ધર્મ પ્રત્યેનિ રૂચિ વધશે. તમે નવું વાહન કે મકાન ખરીદો તેવી શક્યતા છે. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. ખાણી-પીણી પર નિયંત્રણ રાખો. શનિ તમને જમીન સાથે સંકળાયેલો કોઈ ફાયદો અપાવી શકે છે. વ્યાપાર વિસ્તાર માટે આ અનુકૂળ સમય છે. તમારા પરિવારજનો અને મિત્રો સાથે અનાવશ્યક વિવાદથી બચો.
કુંભ લગ્નઃ
કુંભ લગ્નવાળા જાતકો માટે શનિ લગ્ન અને બારમા ભાવનો સ્વામી છે અને તમારા લગ્નમાં જ ગોચર કરશે. આ તમારા માટે ખૂબ જ નસીબવંતો સમય છે. તમારા લગ્નમાં જ શનિ ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે. હવે સમય આવી ગયો છે અને શનિ તમારા પર મહેરબાન થશે. તમારા માટેના શાનદાર સમયની શરૂઆત થઈ રહી છે. આ ગોચરથી તમારી નિર્ણય શક્તિમાં સંતુલન અને ઉંડાણ આવશે અને તમને નવી મંજિલ મળશે. આ ગોચર વ્યાપાર માટે નવા અવસરો લાવશે અને આર્થિક સ્થિતિમાં પણ લાભ જળવાઈ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી તમે વિદેશ જવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકશો અને તમારૂં ઘર લેવા માટે વિચારી રહ્યા છો તો એ સપનું પણ અવશ્યપણે પૂર્ણ થશે. જીવનસાથી સાથે અમુક મતભેદો થઈ શકે છે પરંતુ તમે તમારી સમજણ વડે આ મુશ્કેલીમાંથી છૂટકારો મેળવી લેશો.
મીન લગ્નઃ
મીન લગ્નવાળા જાતકો માટે શનિ એકાદશ અને દ્વાદશ ભાવનો સ્વામી છે અને દ્વાદશ ભાવમાં ગોચર કરશે. તમારા જીવનમાં સંઘર્ષ અને મહેનત વધી જશે અને તમને તમારી જિંદગીની વાસ્તવિકતા ખબર પડશે. આ સમય દરમિયાન તમારા પોતાના લોકો પણ તમારાથી દૂર થઈ જશે અને અમુક એવા સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે જેના વિશે તમે કદી વિચાર્યું પણ નહીં હોય. કોઈ વાતને કારણે જીવનસાથી સાથે અંતર વધી શકે છે. નવું કામ કરતા પહેલા કોઈ સીનિયરની સલાહ અવશ્ય લેવી. વ્યવસાયમાં કોઈ મોટા રોકાણ માટે સમજી વિચારીને જ આગળ વધવું. વિદેશ વ્યાપાર માટે આ સમય અનુકૂળ છે.