CIA ALERT

Roger Binny Archives - CIA Live

August 30, 2025
image-44.png
1min77

ભારતીય ક્રિકેટના વહીવટમાં સર્વોચ્ચ સ્તરે મોટો ફેરફાર થયો છે જેમાં રોજર બિન્ની (ROGER BINNY)એ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)નું પ્રમુખપદ છોડી દીધું છે અને ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા (RAJIV SHUKLA) તેમના સ્થાને કાર્યવાહક પ્રમુખ (PRESIDENT) બની ગયા છે.

1983માં ભારતને વન-ડે વર્લ્ડ કપની ઐતિહાસિક ટ્રોફી અપાવનાર કપિલ દેવની ટીમના મહત્વના ખેલાડી રોજર બિન્નીએ ઑક્ટોબર 2022માં સૌરવ ગાંગુલીના સ્થાને બીસીસીઆઈ (BCCI)નું પ્રમુખપદ સંભાળ્યું હતું.

19મી જુલાઈએ રોજર બિન્ની 70 વર્ષના થયા અને બીસીસીઆઈના બંધારણ મુજબ કોઈ પણ હોદ્દેદાર 70 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેઓ બોર્ડમાં કોઈપણ પ્રકારના હોદ્દા પર રહી ન શકે એ નિયમને બિન્ની અનુસર્યા હોવાનું મનાય છે. દરમ્યાન, ટીમ ઇન્ડિયા માટે બીસીસીઆઈ નવા મુખ્ય સ્પોન્સરની શોધમાં પણ છે.

65 વર્ષના રાજીવ શુક્લા 2020ના વર્ષથી બીસીસીઆઈના ઉપ-પ્રમુખપદે છે. અગાઉ તેઓ આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલમાં હતા. તેઓ આગામી વાર્ષિક સભા સુધી ક્રિકેટ બોર્ડનો રોજબરોજનો કારભાર સંભાળશે.

બીસીસીઆઈની ઍન્યુઅલ જનરલ મીટિંગ (એજીએમ) સપ્ટેમ્બરમાં યોજાવાની સંભાવના છે અને એ મીટિંગમાં તમામ રાજ્યોના ક્રિકેટ અસોસિયેશનોના મત જાણ્યા પછી નવા ફુલ-ટાઈમ પ્રમુખ નક્કી કરવામાં આવશે.

અગાઉ પીટીઆઈના એક અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું હતું કે બીસીસીઆઈ હવે નવા રાષ્ટ્રીય ખેલફૂદ ખરડા હેઠળ આવી ગયું હોવાથી એના એક નિયમ મુજબ કોઈપણ સ્પોર્ટ્સ ફેડરેશનના હોદ્દેદાર 75 વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે.

જોકે બીસીસીઆઈના વર્તમાન બંધારણમાં હોદ્દા પર રહેવા 70 વર્ષની વયમર્યાદા છે અને કહેવાય છે કે રોજર બિન્નીએ આ નિયમને અનુસરીને હોદ્દો છોડી દીધો છે. બીસીસીઆઈ કેન્દ્ર સરકારના નવા ખરડાનો હજી ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યું છે.

રોજર બિન્નીએ 1983ના વર્લ્ડ કપમાં કુલ ૧૮ વિકેટ લીધી હતી અને એ ટૂર્નામેન્ટના તમામ બોલર્સમાં તેમની 18 વિકેટ હાઈએસ્ટ હતી.

2000ની સાલમાં બિન્નીના કોચિંગમાં ભારતની અન્ડર-19 ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ત્યારે મોહમ્મદ કૈફ ટીમનો કેપ્ટન હતો અને એ ટીમમાં યુવરાજ સિંહ પણ હતો. બિન્ની પછીથી સિલેકટર પણ બન્યા હતા.