CIA ALERT

rathyatra Archives - CIA Live

July 2, 2022
rath2.jpg
1min323

પોલીસે અત્યાર સુધીનો સૌથી આધુનિક બંદોબસ્ત ગોઠવ્યો હતો

૧૦ હજારથી વધારે બોડી વોર્ન કેમેરા, ડ્રોન સહિતના હાઇટેક સાધનો સાથે ગ્રાઉન્ડ લેવલે પણ પોલીસનો લોંખડી બંદોબસ્ત રખાયો હતો

અમદાવાદ

ગુજરાતમાં અમદાવાદ અને ભાવનગર સહિત નાની મોટી ૧૮૦ જેટલી રથયાત્રા વિના વિધ્ને પૂર્ણ થઇ હતી. રથયાત્રા દરમિયાન રાજ્યની શાંતિ ન ડહોળાઇ તે  માટે પોલીસે અત્યાર સુધીનો સૌથી મોટો અને હાઇટેક બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં પોલીસે ડ્રોન, બોડી વોર્ન કેમેરા સહિતના સાધનોનો ઉપયોગ કર્યો હતો. આ સાથે રથયાત્રામાં કોઇ અનિચ્છિનીય ઘટના ન બનતા પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યમાં અમદાવાદ બાદ ભાવનગરની રથયાત્રા બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે.   ગુજરાતમાં અમદાવાદની ૧૪૫મી રથયાત્રા સહિત કુલ ૧૮૦ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.  અમદાવાદની રથયાત્રામાં ૧૧ લાખ જેટલુ વિશાળ માનવ મહેરામણ ઉમટયુ હતું. અમદાવાદ બાદ રાજ્યની બીજી સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાં યોજાઇ હતી. જેમાં સવા લાખ જેટલા ભાવિકો જોડાયા હતા.

આ ઉપરાંત, રાજકોટ, સુરત, વડોદરા, મહેસાણા, ગાંધીનગર સહિતની નાની મોટી ૧૮૦ જેટલી રથયાત્રાઓ યોજવામાં આવી હતી.  રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગૃહ વિભાગે પોલીસ વિભાગ સાથે સંકલન કરીને અત્યાર સુધીનો સૌથી હાઇટેક અને સૌથી મોટો બંદોસ્ત ગોઠવવાનું નક્કી કર્યું હતું. જેમાં  મોટી સંખ્યામાં ડ્રોન, ૧૦ હજાર જેટલા બોડી વોર્ન કેેમેરા, સીસીટીવી નેટવર્ક, વધારાના કંટ્રોલ રૂમ તૈયાર કર્યા હતા. તો ગ્રાઉન્ડ લેવલે સંવેદનશીલ વિસ્તારોમાં તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ પર વોચ રાખવામાં સ્ટેટ આઇબી અને સ્થાનિક પોલીસ કેટલાંક અધિકારીઓને એક મહિનાથી કામે લગાડયા હતા. જેના કારણે સમગ્ર રાજ્યમાં રથયાત્રા વિના વિઘ્ને સંપન્ન થઇ હતી.