
શ્રાવણ સુદ પૂનમ (નવમી ઓગસ્ટ, 2025)ના દિવસે એટલે કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાશે. આ વર્ષે પૂનમ તિથિ બપોરે 1: 24 વાગ્યા સુધી છે અને આ દિવસે રાખડી બાંધવા માટે કોઈ પણ પ્રકારનું ‘વિષ્ટિ બાધ્ય’ નથી, જે એક શુભ સંકેત છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના વચનને વ્યક્ત કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ છે.
જ્યોતિષીઓના જણાવ્યાનુસાર, શનિવારે (નવમી ઓગસ્ટ) રાખડી બાંધવા માટેના અનેક શુભ મુહૂર્ત છે, જેથી દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ આ પર્વની ઉજવણી કરી શકે છે.
રક્ષાબંધનના દિવસે શુભ મુહૂર્ત
સવારનો સમય: 07:50થી 09:20
બપોરનો સમય: 12:50થી 05:40
સાંજનો સમય: 07:20થી 08:40
રાત્રિનો સમય: 10:05 થી 02:05 (મધ્યરાત્રિ પછી પણ)
આ સમય દરમિયાન બહેનો પોતાના ભાઈના કાંડા પર પ્રેમ અને રક્ષાનું પ્રતીક એવી રાખડી બાંધી શકે છે. ભાઈ પણ બહેનની રક્ષાનું વચન આપીને આ પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવશે. આ શુભ મુહૂર્તોનો લાભ લઈને દરેક ભાઈ-બહેન આ તહેવારને આનંદ અને ઉત્સાહથી ઉજવી શકે છે.
રક્ષાબંધન એટલે ફક્ત ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક જ નહીં, પરંતુ રક્ષા, વિશ્વાસ અને આશીર્વાદનું એક પ્રાચીન પર્વ. ગ્રંથો અને વિદ્વાનો દ્વારા મળતી માહિતી દર્શાવે છે કે આ તહેવારનું મૂળ ખૂબ ઊંડું છે. જ્યોતિષાચાર્ય ડો. હેમિલ પી. લાઠિયાના જણાવ્યા મુજબ, રક્ષાબંધન માત્ર બહેન દ્વારા ભાઈને જ નહીં, પરંતુ પત્ની, સખી કે પુરોહિત દ્વારા રાજાને પણ બાંધવામાં આવતું હતું. આ પર્વ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ ઘટનાઓ અને લોકવાયકાઓ જોઈએ.
દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધમાં જ્યારે દેવોની સ્થિતિ નબળી પડી રહી હતી, ત્યારે દેવરાજ ઇન્દ્રએ દેવગુરુ બૃહસ્પતિ પાસે મદદ માંગી. ગુરુએ શ્રાવણ સુદ પૂનમના દિવસે એક રક્ષા સૂત્ર તૈયાર કરી આપ્યું. આ દિવસે, ઇન્દ્રની પત્ની શચીએ આ રક્ષા સૂત્ર ઇન્દ્રના કાંડા પર બાંધ્યું. આ રક્ષા સૂત્રના પ્રભાવથી યુદ્ધમાં દેવોની સ્થિતિ સુધરી અને તેઓ વિજયી થયા.
ત્રેતાયુગમાં પણ આ પરંપરા ચાલુ રહી. તે સમયે રાજાના પુરોહિત રાજાને રક્ષા સૂત્ર બાંધતા અને પ્રજા પણ પોતાના ગુરુ પાસે આશીર્વાદ રૂપે રક્ષા બંધાવતી હતી. દ્વાપરયુગમાં એક પ્રસંગ ખૂબ પ્રખ્યાત છે. એકવાર ભગવાન શ્રીકૃષ્ણને હાથમાં ઈજા થઈ હતી. ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો પાલવ ફાડીને તેમના હાથ પર બાંધ્યો હતો. આ બંધનનો બદલો ચૂકવવા માટે શ્રીકૃષ્ણે ચીરહરણ સમયે દ્રૌપદીની રક્ષા કરી હતી.
ઇતિહાસ અને કળિયુગની પરંપરા:
ઇતિહાસમાં પણ એક પ્રસંગ નોંધાયેલો છે. મેવાડની રાણીએ પોતાના રાજ્ય પર થયેલા આક્રમણ સમયે મુઘલ બાદશાહ હુમાયુ પાસે મદદ માંગી અને રક્ષા સૂત્ર મોકલીને તેમને ભાઈ બનાવ્યા હતા. હુમાયુએ પણ બહેનની રક્ષા કરવા માટે સૈન્ય મોકલી મદદ કરી હતી.
આધુનિક કળિયુગમાં આ પ્રથા ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસના પ્રતીક તરીકે ઓળખાય છે. બહેન પોતાના ભાઈની રક્ષા માટે રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈ આજીવન પોતાની બહેનની રક્ષા, સુખ અને સુવિધાનું ધ્યાન રાખવાની જવાબદારી નિભાવે છે. આમ, રક્ષાબંધન એ માત્ર એક દોરો નથી, પરંતુ સ્નેહ, શક્તિ અને સુરક્ષાના વચનનું પ્રતીક છે.