CIA ALERT

Rajyasabha Archives - CIA Live

August 27, 2024
rajyasabha.jpg
2min144

રાજ્યસભાની પેટાચૂંટણીમાં ભાજપના નવ સભ્યો અને સાથી પક્ષોના બે સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવતાં સત્તારૂઢ એનડીએ ગૃહમાં બહુમતીના આંકડા સુધી પહોંચી ગયું હતું. નવ સભ્યોના ઉમેરા સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 96 પર પહોંચી ગયું છે જ્યારે એનડીએનું સંખ્યાબળ 112 પર પહોંચી ગયું છે. અન્ય બિનહરીફ ચૂંટાયેલા સભ્યોમાં એનડીએના ઘટકપક્ષો એનસીપી (અજિત પવાર જૂથ)ના નીતિન પાટીલ અને રાષ્ટ્રીય લોક મંચના ઉપેન્દ્ર કુશવાહાનો સમાવેશ થાય છે. શાસક ગઠબંધનને છ નોમિનેટેડ સભ્યો અને એક અપક્ષ સભ્યનું સમર્થન પણ છે.

આ પેટાચૂંટણીમાં કોંગ્રેસના એક સભ્ય પણ બિનવિરોધ ચૂંટાયા છે, જેના કારણે રાજ્યસભામાં વિપક્ષની સંખ્યા વધીને 85 થઈ ગઈ છે.

રાજ્યસભામાં 245 બેઠકો છે, જોકે હાલમાં આઠ બેઠકો જમ્મુ-કાશ્મીરમાંથી ચાર અને ચાર નોમિનેટેડ બેઠક ખાલી છે. ગૃહની વર્તમાન સભ્ય સંખ્યા 237 છે, બહુમતીનો આંકડો 119 છે.

બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોમાં

  • આસામના મિશન રંજન દાસ અને
  • રામેશ્વર તેલી,
  • બિહારથી મનન કુમાર મિશ્રા,
  • હરિયાણાથી કિરણ ચૌધરી,
  • મધ્ય પ્રદેશથી જ્યોર્જ કુરિયન,
  • મહારાષ્ટ્રમાંથી ધૈર્યશીલ પાટીલ,
  • ઓડિશાના મમતા મોહંતા,
  • ત્રિપુરાના રાજીવ ભટ્ટાચારજી અને
  • રાજસ્થાનના રવનીત સિંહ બિટ્ટુનો સમાવેશ થાય છે.

તેલંગણામાંથી કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે એનસીપીના અજિત પવાર જૂથના નીતિન પાટીલ મહારાષ્ટ્રમાંથી ચૂંટાયા છે અને આરએલએમના ઉપેન્દ્ર કુશવાહા બિહારથી ઉપલા ગૃહમાં પહોંચ્યા છે.

રાજ્યસભાની પેટાચૂંટણીમાં મતદાન પહેલાં જ ભાજપનું ખાતું ખૂલ્યું, રવનીત સિંહ બિટ્ટુ, ઉપેન્દ્ર કુશવાહા અને મનન મિશ્રા બિનહરીફ ચૂંટાયા

એનડીએ છેલ્લા એક દાયકાથી રાજ્યસભામાં બહુમતનો આંકડો હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આનાથી તેના માટે બિલ પાસ કરાવવામાં સરળતા રહેશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વિપક્ષે વારંવાર સરકારી બિલોને ઉપલા ગૃહમાં રોકી પાડ્યા હતા.
બહુમતીના આંકને સ્પર્શ્યા પછી ભાજપે મહત્વના બિલો પસાર કરવા માટે હવે બીજેડી, વાયએસઆર, બીઆરએસ, એઆઈએડીએમકે જેવા પક્ષો પર આધાર રાખવો પડશે નહીં.

બીજી તરફ કોંગ્રેસની રાજ્યસભામાં વિપક્ષના નેતાની ખુરશી પણ સુરક્ષિત રહેશે. રાજ્યસભામાં કોંગ્રેસના સંખ્યાબળમાં એકનો વધારો થતાં આ સંખ્યા બળ હવે 27 થયું છે, જે વિપક્ષના નેતા પદ માટે જરૂરી 25 બેઠકો કરતાં બે વધુ છે.