CIA ALERT

Rajya Sabha Archives - CIA Live

June 10, 2022
rajya_sabha.jpg
1min335

15 રાજ્યની 57માંથી 41 બેઠકો ઉપર નિર્વિરોધ જીત પછી બાકીની 16 બેઠકો માટે
આજે ખરાખરીનો ખેલ: તોડજોડ અને ક્રોસવોટિંગની આશંકા વચ્ચે રિસોર્ટ પોલિટિક્સથી રોમાંચ
દેશનાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખનું આજે એલાન થયું છે પણ તે પહેલા અત્યારે સંસદનાં ઉપલા ગૃહ રાજ્યસભાની ચૂંટણીનો ગરમાવો અને ધમધમાટ ચરમસીમાએ છે. આવતીકાલે યોજાનારી ચૂંટણી અને તેનાં પરિણામો વચ્ચે હવે ગણતરીનાં કલાકો જ બચ્યા છે. આ વખતની રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી આમ તો 1પ રાજ્યોની કુલ મળીને પ7 બેઠકો ઉપર થવાની હતી પણ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે 41 સદસ્યો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હોવાથી હવે માત્ર 16 બેઠકો ઉપર જ કાલે ચૂંટણી યોજાશે.

અત્યાર સુધીમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, તામિળનાડુ, તેલંગણ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ એમ કુલ મળીને 11 રાજ્યોમાં વિભિન્ન પક્ષનાં 41 ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે. બાકી બચતી 16 બેઠકો માટે જ શુક્રવારે મતદાન થવાનું છે અને તેમાં કેટલીક બેઠકો ઉપર તો ભારે રોમાંચક રસાકસી જામવાની છે.
જે 16 રાજ્યસભા બેઠકો માટે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે તેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકની બેઠકોનો સમાવેશ થાય છે. પક્ષોને આમાં સોદાબાજીથી લઈને ક્રોસ વોટિંગ સુધીનો ડર સતાવી રહ્યો છે. ઉમેદવારો પણ તોડજોડનાં રાજકારણમાં વ્યસ્ત છે અને પક્ષોએ પોતાનાં આંકડા ટકાવી રાખવા માટે વિધાયકોને રિસોર્ટમાં છૂપાવવા સુધીની રણનીતિઓ અપનાવેલી છે. કોઈ ધારાસભ્ય આડાઅવળો ન થઈ જાય એટલે તેમની પહેરેદારી થઈ રહી છે.
મહારાષ્ટ્રની છ બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. જેમાં કોંગ્રેસ, એનસીપી પાસે એક-એક બેઠક જીતવા માટે પૂરતું સંખ્યાબળ છે.

તો ભાજપ પાસે બે બેઠકો માટે તાકાત છે. આવી જ રીતે શિવસેના પાસે એક બેઠક ઉપર ઉમેદવારને રાજ્યસભામાં મોકલવાની પર્યાપ્ત સંખ્યા છે. જો કે શિવસેનાએ પોતાનાં બીજા ઉમેદવારની જીત સુનિશ્ચિત કરવાં માટે પોતાનાં સહયોગી અને અપક્ષ સહિત કુલ 30 મતની આવશ્યકતા છે.

રાજસ્થાનની વાત કરવામાં આવે તો ત્યાં 4 બેઠકો ઉપર સીધી ટક્કર છે. કોંગ્રેસનાં ત્રણ ઉમેદવાર મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારી મેદાને છે. આ ત્રણેય ઉમેદવાર માટે 123 વિધાયકોનાં મતની જરૂર કોંગ્રેસને છે. બદલાતા માહોલમાં જ ફક્ત ત્રણ જ વિધાયકનાં ઉલટસુલટ થઈ જાય તો કોંગ્રેસનાં ત્રીજા ઉમેદવારની હાર પણ સંભવ છે. કારણ કે કોંગ્રેસ પાસે પોતાનાં ફક્ત 108 ધારાસભ્ય છે. એક આરએલડી, 13 અપક્ષ, બે સીપીએમ અને બે બીટીપીનાં મત કોંગ્રેસને મળે ત્યારે તેના 126 મત થઈ શકે તેમ છે. ભાજપનાં સમર્થન સાથે સુભાષ ચંદ્રા અપક્ષ ઉમેદવાર બનેલા છે. તેમને 11 મતની જરૂર છે. જેમાં તેમને ભાજપનાં 30 સરપ્લસ અને આરએલપીનાં ત્રણ વિધાયકનાં મત મળી શકે તેમ છે.
હરિયાણામાં બે બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી થશે. અહીં કાર્તિકેય શમાએ મુકાબલાને રસાકસી ભરેલો બનાવી દીધો છે. શર્માને ભાજપનું સમર્થન છે. તેમને જીત માટે 31 મતની જરૂર છે. જે અજય માકન માટે પડકાર સમાન બની ગયું છે. માકન તો જ જીતી શકશે જો તેને કોંગ્રેસનાં 31માંથી 30 વિધાયકનાં મત મળે. એવું કહેવાય છે કે, કોંગ્રેસનાં ત્રણ મત એવા છે જેણે પોતાનાં તમામ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.

કર્ણાટકમાં 4 બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. પહેલા અહીં આસાન ચૂંટણી દેખાતી હતી પણ કોંગ્રેસે પ્રદેશ મહાસચિવ મન્સૂર અલીને પોતાનાં ઉમેદવાર બનાવીને પેચ ફસાવી દીધો છે. ભાજપે અહીં વિધાન પરિષદનાં સભ્ય લહેરસિંહને પોતાના ત્રીજા ઉમેદવાર બનાવ્યા છે. 224 બેઠકોની કર્ણાટક વિધાનસભામાં એક રાજ્યસભા બેઠક માટે 4પ વિધાયકનાં મતની જરૂર હોય છે. કોંગ્રેસ પાસે 70 છે પણ પક્ષે જયરામ રમેશ અને મન્સૂર અલી ખાનને મેદાને ઉતારીને લડત આપવાનું મન બનાવ્યું હતું. કોંગ્રેસને હવે બીજી બેઠક માટે વધારાનાં 20 મતની જરૂર છે.

May 13, 2022
parliament.jpg
1min380

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૧૧, તમિલનાડુ-મહારાષ્ટ્રમાં ૬-૬ બેઠકો પર ચૂંટણી યોજાશે

ભાજપને લાભ છતાં બહુમતીથી દૂર રહેવાની શક્યતા : ઉપલા ગૃહમાં આપનું પ્રભુત્વ વધશે, અકાલી દળને મોટું નુકસાન


દેશના ૧૫ રાજ્યોમાં રાજ્યસભાની ૫૭ બેઠકો પર ૧૦મી જૂને ચૂંટણી યોજાવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે. આ ચૂંટણી પછી અકાલી દળ ગૃહમાં હાજરી ગુમાવશે જ્યારે ભાજપને મહત્તમ લાભ થવા છતાં તે બહુમતીથી દૂર રહેવાની શક્યતા છે. આ ચૂંટણી પછી ગૃહમાં ‘આપ’નું કદ વધશે.

ચૂંટણી પંચે ગુરુવારે Dt.12/5/22 જાહેરાત કરી હતી કે જૂન અને ઑગસ્ટ વચ્ચે વિવિધ તારીખોએ કેટલાક સભ્યોની નિવૃત્તિને કારણે ખાલી પડનારી બેઠકો પર ચૂંટણી યોજાશે. રાજ્યસભાના નિવૃત્ત થઈ રહેલા સભ્યોમાં કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારામન, પિયુષ ગોયલ અને મુખ્તાર અબ્બાસ નકવી, કોંગ્રેસના નેતાઓ અંબિકા સોની, જયરામ રમેશ તથા કપિલ સિબલ અને બસપના સતિષ ચંદ્ર મિશ્રાનો સમાવેશ થાય છે. આ સભ્યો ૨૧મી જૂન અને ૧લી ઑગસ્ટ વચ્ચે નિવૃત્ત થશે. કેન્દ્રીય મંત્રીઓએ આ ચૂંટણીમાં ફરી ચૂંટાઈ આવવું પડશે. રાજ્યસભાની ચૂંટણીનો આગામી તબક્કો વર્ષ ૨૦૨૪માં આવશે.
રાજ્યસભાની આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની સૌથી વધુ ૧૧ બેઠકો પર મતદાન થશે જ્યારે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ૬-૬, બિહારમાં પાંચ, કર્ણાટક, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાંથી ૪-૪, મધ્ય પ્રદેશ અને ઓડિશામાં ૩-૩, પંજાબ, ઝારખંડ, હરિયાણા, છત્તિસગઢ તથા તેલંગાણામાં ૨-૨ તથા ઉત્તરાખંડમાં એક બેઠક પર ચૂંટણી યોજાશે.

 હાલમાં ૨૪૫ સભ્યાની રાજ્યસભામાં ભાજપના ૯૫, કોંગ્રેસના ૨૯ સાંસદો છે. રાજ્યસભાના નિવૃત્ત થઈ રહેલા સાંસદોમાં ભાજપને આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ નુકસાન થશે, જ્યાં તેના ત્રણ સભ્યો વિદાય લઈ રહ્યા છે. આ સિવાય ઝારખંડ અને રાજસ્થાનમાંથી પણ તેના સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. જોકે, ભાજપને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સૌથી વધુ લાભ મળશે. ઉત્તર પ્રદેશમાં ખાલી પડી રહેલી ૧૧ બેઠકોમાંથી પાંચ ભાજપની છે. શાસક પક્ષ ઉત્તર પ્રદેશમાં આઠ બેઠકો જીતે તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં યોજાનારી રાજ્યસભાની આ ચૂંટણી ઘણી મહત્વની બની જશે.

વધુમાં આ ચૂંટણી પછી ઉપલા ગૃહમાં નવ નિશ્ચિત અને એક સંભવિત બેઠક સાથે આમ આદમી પાર્ટીની તાકાત વધશે. આ દેખાવ સાથે આપ ગૃહમાં ટોચના પાંચ પક્ષોમાં સામેલ થઈ જશે. મહારાષ્ટ્રમાં શાસક પક્ષ શિવસેના-એનસીપી-કોંગ્રેસનું જોડાણ રાજ્યની ત્રણેય બેઠકો સરળતાથી જીતી લેશે જ્યારે ભાજપ તેની ત્રણમાંથી બે બેઠકો જીતશે. આ ચૂંટણી પછી ગૃહમાંથી અકાલી દળના એકમાત્ર સભ્ય નિવૃત્ત થઈ જશે જ્યારે બસપ એક સાંસદ સુધી સિમિત થઈ જશે.