
2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વિશેષ અદાલતે આજે તા.18મી ફેબ્રુઆરીને, શુક્રવારે સવારે 49 દોષિતોને સજા સંભળાવી છે. જેમાં 38ને મૃત્યુદંડની સજા જ્યારે 11ને આજીવન કેદની સજા આપવાનો હુકમ વિશેષ અદાલતે કર્યો છે. અમદાવાદ બોંબ બ્લાસ્ટ કેસના દોષિતોને સજા સંભળાવવાની હોવાથી સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સ્થિત વિશેષ કોર્ટ અને તેની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને સજા માટે 18 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 2008માં અમદાવાદના વિસ્તારોમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. સ્પેશિયલ જજ એ.આર.પટેલની કોર્ટે આદેશ પસાર કરવાની તારીખ 18 ફેબ્રુઆરી નક્કી કરી હતી અને આજે શુક્રવારે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો.
આ લોકોને ન્યાય મળ્યો
બોમ્બ વિસ્ફોટો 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયા હતા. 70 મિનિટમાં 56 લોકોના મોત થયા હતા. આ બોમ્બ વિસ્ફોટોમાં 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાના બાદ આ કેસ 13 વર્ષથી વધુ સમય સુધી કોર્ટમાં ચાલ્યો અને ગયા અઠવાડિયે વિશેષ અદાલતે 49 લોકોને દોષિત જાહેર કર્યા હતા અને અન્ય 28 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.
કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 77 આરોપીઓ સામે ટ્રાયલની કાર્યવાહી પૂરી કરી હતી. ટ્રાયલ હેઠળના 78 આરોપીઓમાંથી એક સરકારી સાક્ષી બન્યો હતો. પોલીસનો દાવો છે કે આરોપીઓ આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હતા. ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓએ 2002ના ગોધરા રમખાણોનો બદલો લેવાનું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ છે.