CIA ALERT
29. March 2024

primary teachers Archives - CIA Live

September 2, 2022
supremecourt.jpg
1min259

ખાનગી સ્કૂલોના શિક્ષકો માટે સારા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે ખાનગી સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો કર્મચારી છે અને તેઓ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯માં સુધારો કરવામાં આવેલ પેમેન્ટ ગ્રેજ્યુઈટી કાયદા હેઠળ ગ્રેજ્યુઈટીનો અધિકાર ધરાવે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે બધી જ ખાનગી સ્કૂલોને ૩જી એપ્રિલ ૧૯૯૭ની પાછલી અસરથી શિક્ષકોને છ સપ્તાહમાં વ્યાજ સાથે ગ્રેજ્યુઈટી ચૂકવવા આદેશ આપ્યો છે. સુપ્રીમે શિક્ષકોને ‘કર્મચારી’ની વ્યાખ્યામાં લાવવા સહિત સંસદ દ્વારા પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી એક્ટ, ૧૯૭૨માં કરેલા સુધારાની કાયદેસરતાને જાળવી રાખી છે અને ગ્રેજ્યુઈટી માટે હકદાર બધા જ શિક્ષકોને તેની ચૂકવણી કરવાનું ખાનગી સ્કૂલો માટે ફરજિયાત બનાવ્યું છે. ગ્રેજ્યુઈટી ન મળતા શિક્ષકો યોગ્ય ફોરમમાં અપીલ પણ કરી શકશે. 

  • ખાનગી સ્કૂલના શિક્ષકો માટે ખુશખબર : 1997ની પાછલી અસરથી ગ્રેજ્યુઈટી મળશે
  • છ સપ્તાહમાં શિક્ષકોને ગ્રેજ્યુઈટી ચૂકવવી પડશે, નાણાં ન મળતા શિક્ષકો યોગ્ય ફોરમમાં અપલી કરી શકશે : સંજીવ ખન્ના-બેલા ત્રિવેદીની બેન્ચનો નિર્ણય
  • કેન્દ્રે 1997માં ગ્રેજ્યુઈટી કાયદામાં શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કર્યો હતો  સુપ્રીમે 1997થી કાયદાના અમલ પર મૂકાયેલો સ્ટે પણ હટાવ્યો

ન્યાયાધીશો સંજીવ ખન્ના અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે ગ્રેજ્યુઈટી ચૂકવણી (સુધારા) કાયદા, ૨૦૦૯માં કલમ ૨(ઈ)માં સુધારો અને ૩ એપ્રિલ ૧૯૯૭થી પાછલી અસરથી પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી, ૧૯૭૨માં કલમ ૧૩-એના સમાવેશની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજી-રીટ અરજીઓને ફગાવી દીધી હતી. બેન્ચે મંગળવારે આપેલા ચૂકાદામાં કહ્યું હતું કે પાછલી અસર સાથે સુધારો એક કાયદાકીય ભૂલના કારણે શિક્ષકો સાથે થયેલા અન્યા અને ભેદભાવને દૂર કરે છે. સુપ્રીમે એમ પણ કહ્યું કે, ગ્રેજ્યુઈટીની ચૂકવણી ખાનગી સ્કૂલો દ્વારા શિક્ષકોને અપાતું કોઈ ઈનામ નથી, તે તેમની સેવાઓની લઘુત્તમ શરતોમાંની એક છે.

સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાની અસર સમગ્ર દેશમાં ખાનગી સ્કૂલોના શિક્ષકો પર થશે. શિક્ષકોને ગ્રેજ્યુઈટી કાયદાનો લાભ ૩જી એપ્રિલ, ૧૯૯૭થી મળશે. આ સમયમાં નોકરી છોડી ચૂકેલા અથવા નિવૃત્ત થઈ ગયેલા શિક્ષકોને પણ આ કાયદાનો લાભ મળશે. ઈન્ડિપેન્ડેન્ટ સ્કૂલ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને અનેક અન્ય ખાનગી સ્કૂલોએ અરજી કરી સંસદમાં પસાર થયેલા આ કાયદાને યોગ્ય ઠેરવતા દેશની વિવિધ હાઈકોર્ટોના ચૂકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ, છત્તિસગઢ હાઈકોર્ટ અને મધ્ય પ્રદેશ હાઈકોર્ટે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી, ૧૯૭૨માં સંસદ દ્વારા ૨૦૦૯માં કરાયેલા સુધારાને કાયદેસર ઠેરવ્યો હતો. 

ખાનગી સ્કૂલો તરફથી કપિલ સિબલ, રવિ પ્રકાશ ગુપ્તાની મુખ્ય દલીલ કાયદાને પાછલી અસરથી લાગુ કરવા અંગે હતી. સ્કૂલોની દલીલ હતી કે તેઓ પાછલી અસરથી લાગુ કાયદા મુજબ શિક્ષકોને ગ્રેજ્યુઈટી આપવા અસમર્થ છે. તેમનું કહેવું હતું કે, ગ્રેજ્યુઈટી ફંડમાં પ્રતિ વર્ષ ૧૫ દિવસની ગ્રેજ્યુઈટીના રૂપિયા જમા થાય છે, પરંતુ પાછલી અસરથી કાયદો લાગુ કરવા માટે તેમની પાસે ગ્રેજ્યુઈટી ફંડના રૂપિયા નથી. અચાનક આવેલા આર્થિક ભારની અસર છેવટે વિદ્યાર્થીઓ પર પડશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર કાયદાને પાછલી અસરથી લાગુ કરી શકે નહીં.

જોકે, કેન્દ્ર સરકારે કાયદામાં સુધારાને યોગ્ય ઠેરવતા કહ્યું કે ગ્રેજ્યુઈટી કાયદામાં શૈક્ષણિક સંસ્થાઓને ૩જી એપ્રિલ, ૧૯૯૭થી નોટિફાઈ કરાઈ હતી, તેથી સુધારો કાયદાના તે સમયથી જ લાગુ કરાયો છે અને કોઈ પણ કાયદાને પાછલી અસરથી લાગુ કરવાનો સરકારને અધિકાર છે. સુપ્રીમે ખાગની સ્કૂલોની દલીલોને ફગાવી દેતા કહ્યું કે, મોટાભાગના કેસોમાં કાયદા પર પ્રતિબંધનો આદેશ અપાયો નહોતો, પરંતુ કેટલીક બાબતોમાં ૩ એપ્રિલ, ૧૯૯૭થી કાયદો લાગુ કરવા પર સ્ટે મૂકાયો હતો. કોર્ટે આ કાયદાના અમલ પર મુકાયેલો સ્ટે પણ હટાવી દીધો હતો.

દેશમાં પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી એક્ટ ૧૬મી સપ્ટેમ્બર ૧૯૭૨થી લાગુ છે. આ કાયદા હેઠળ કોઈપણ સંસ્થામાં સેવા નિવૃત્તિ, રાજીનામું અથવા કોઈપણ કારણે સંસ્થા છોડતા પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સતત નોકરી કરનારી વ્યક્તિ ગ્રેજ્યુઈટીનો લાભ મેળવવા માટે હકદાર છે. જોકે, શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ૩જી એપ્રિલ ૧૯૯૭ના રોજ એક નોટિફિકેશન મારફત આ કાયદાને ૧૦ અથવા વધુ કર્મચારીઓવાળી શૈક્ષણિક સંસ્થાઓ પર પણ લાગુ કરાયો હતો, એવામાં આ કાયદો ખાનગી સ્કૂલો પર પણ લાગુ થાય છે.