CIA ALERT

PM Modi on tarrif war Archives - CIA Live

August 7, 2025
image-5.png
1min11

અમેરિકાએ ગઈકાલે ભારત માટે ટેરિફમાં વધુ 25 ટકાનો વધારો ઝીંક્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પ આગળ ઝૂકવાનો ઈનકાર કર્યો છે. વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિતમાં મોટું નિવેદન આપ્યું છે કે, અમારા માટે ખેડૂતોના હિતોની રક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે.

નવી દિલ્હી ખાતે એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતાં PM મોદીએ કહ્યું કે, સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી પર ખર્ચ ઘટાડવા પર કામ કરી રહી છે. અમે ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ. તેના માટે મોટી કિંમત ચૂકવવી પડે તો પણ તૈયાર છીએ. ભારત તેના માટે તૈયાર છે. દેશમાં સોયાબીન, સરસવ, મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે વધ્યું છે.

ટ્રમ્પે 7/8/25 ભારત પર ટેરિફમાં વધુ 25 ટકાનો વધારો કર્યો હતો. આ સાથે અમેરિકા હવે ભારત પાસેથી કુલ 50 ટકા રેસિપ્રોકલ ટેરિફ વસૂલશે. ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ ગણાવતાં તેમજ રશિયા સાથે વેપાર સંબંધો ચાલુ રાખવા બદલ આ પગલું લીધુ હોવાનું જણાવ્યું છે. બીજી બાજુ બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર મંત્રણામાં નડતર રૂપ અમેરિકાની માગ સામે ભારતને ઝૂકવા દબાણ કરવાનો પ્રયાસ પણ માનવામાં આવી રહ્યો છે. અમેરિકાએ પોતાના કૃષિ-ડેરી બજાર માટે તકો ખુલ્લી મુકવા માગ કરી છે. જો કે, કૃષિ અને ડેરી ક્ષેત્રે ટોચનું માર્કેટ ધરાવતુ ભારત આ માગ સ્વીકારવા તૈયાર નથી.

વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે, અમે ખેડૂતોની આવક વધારવા, ખેતી ખર્ચ ઘટાડવા તેમજ આવકના નવો સ્રોત ઉભા કરવાના લક્ષ્યાંક પર કામ કરી રહ્યા છીએ. અમારી સરકારે ખેડૂતોની તાકાતને દેશની પ્રગતિનો આધાર માન્યો છે. આથી છેલ્લા કેટલાક વર્ષોમાં જે નીતિઓ ઘડવામાં આવી છે, તે માત્ર મદદ પૂરતી નહીં, પરંતુ ખેડૂતોની આવકમાં વધારો કરવાનો પ્રયાસ પણ હતો. પીએમ સન્માન નીધિથી મળતી સહાયતા નાના ખેડૂતોને આત્મબળ આપે છે. પીએમ ફસલ બીમા યોજનાએ ખેડૂતોને જોખમો સામે રક્ષણ પૂરુ પાડ્યું છે. સિંચાઈ સંબંધિત સમસ્યાઓ પીએમ કૃષિ સિંચાઈ યોજનાના માધ્યમથી દૂર થાય. નાના ખેડૂતોની સંગઠિત શક્તિ વધી છે. કો-ઓપરેટિવ અને સેલ્ફ હેલ્પ ગ્રૂપને આર્થિક મદદ પ્રદાન કરવામાં આવી છે. પીએમ કિસાન સંપદા યોજનાએ નવા ફૂડ પ્રોસેસિંગ યુનિટ અને સંગ્રહને વેગ આપ્યો છે.