કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 7 કરોડ મેમ્બર્સ માટે સારા સમાચાર છે. શ્રમ સચિવ સુમિતા ડાવરાએ કરેલી જાહેરાત મુજબ, શ્રમ તથા રોજગાર મંત્રાલય વર્તમાનમાં ભારતના કાર્યબળને શ્રેષ્ઠ સેવા આપવા માટે આઈટી સિસ્ટમને શાનદાર બનાવવાની પ્રક્રિયામાં છે. ઈપીએફઓ મેમ્બર્સને 2025માં કેટલીક શાનદાર સુવિધા મળી શકે છે. તેઓ એટીએમ દ્વારા પૈસા ઉપાડી શકશે.
શ્રમ તથા રોજગાર મંત્રાલયના સચિવ સુમિત્રા ડાવરાએ કહ્યું, અમે પીએફની આઈટી સિસ્ટમને સુધારી રહ્યા છીએ. આ પહેલા પણ અમે અનેક સુધારા કર્યા હતા. જેનાથી ક્લેમમાં તેજી આવી છે અને સેલ્ફ ક્લેમમાં વધારો થયો છે. પીએફમાંથી બિનજરૂરી પ્રક્રિયાઓને હટાવી દેવામાં આવી છે. અમારી મહત્ત્વકાંક્ષા અમારા ઈપીએફઓના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અમારા બેંકિંગ સિસ્ટમને સમાન સ્તર પર લાવવાની છે. જાન્યુઆરી 2025માં તમને મોટા સુધારા જોવા મળશે. જ્યારે અમારી પાસે ઈપીએફઓમાં આઈટી 2.1 એડિશન હશે ત્યારે દાવેદાર, લાભાર્થી સીધા એટીએમના માધ્યમથી દાવો કરી શકશે. સિસ્ટમ વધુ એડવાન્સ થવાથી તમે કેટલાક અન્ય સુધારા જોઈ શકશો.
જાણકારી મુજબ, ઈપીએફઓ પીએફના પૈસા ઉપાડવા માટે એક નવું કાર્ડ જાહેર કરશે. જેનાથી એટીએમના માધ્યમથી સરળતાથી પૈસા ઉપાડી શકાશે. જોકે કુલ જમા રકમના 50 ટકા રૂપિયા જ ઉપાડી શકાશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સક્રિય સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા 7 કરોડથી વધારે છે.
નોકરી દરમિયાન તમે પીએફ ફંડ આંશિક કે પૂર્ણ રીતે ઉપાડવાની મંજૂરી નથી. જો તમે ઓછામાં ઓછા એક મહિનાથી બેકાર હો તો તમે પીએફ બેલેન્સના 75 ટકા સુધીની રકમ ઉપાડી શકો છો. બે મહિનાની બેરોજગારી બાદ તમે પૂરી રકમ ઉપાડી શકો છો.