Jayesh Brahmbhatt 98253 44944
આગામી તા.29, 30 એપ્રિલ અને 1લી મે દરમિયાન સુરતના સરસાણા સ્થિતિ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઇ રહેલી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) એક્ષ્પો સુરતનો જ નહીં પણ ગુજરાતનો સૌથી મેગા એક્ષ્પો બની રહેશે. 927 જેટલા એક્ઝિબિટર્સને તેમની પ્રોડેક્ટ અને સર્વિસીઝનું નિદર્શન અને વેચાણ કરવા માટે ત્રણ વર્ષમાં પણ નહીં મળે તેવો પ્રતિસાદ ત્રણ દિવસના એક્ષ્પોમાં મળી રહેશે. જીપીબીએસ એક્ષ્પો એટલા માટે જંબો એક્ષ્પો બની રહેવાનો કેમકે ત્રણ દિવસ (પ્રતિ દિન 8 કલાક)માં પ્રતિ કલાકે 29 હજારથી વધુ મુલાકાતીઓ આ એક્ષ્પોની મુલાકાત લેશે અને તેના માટેનું ઇવેન્ટ મેનેજમેન્ટ અત્યંત માઇક્રો લેવલથી કરવામાં આવ્યું હોવાનું એક્ષ્પોના કન્વીનર મનિષ કાપડીયા અને જીપીબીએસના પ્રધાન સેવક ગગજી સુતરીયાએ CiA Live News Web ને જણાવ્યું હતું.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (જીપીબીએસ) 2018 અને 2020માં અમદાવાદ, ગાંધીનગર ખાતે યોજાયા બાદ સુરત ખાતે એપ્રિલ માસાન્તે યોજાઇ રહ્યું છે. અગાઉના બન્ને જીપીબીએસ કરતા ડબલથી સ્ટ્રેન્થથી યોજવામાં આવેલા આ એક્ષ્પોમાં કુલ 927 જેટલા એક્ઝિબિટર્સ પોતાની 2000થી વધુ પ્રોડક્ટ્સ અને સેવાઓનું નિદર્શન, વેચાણ અને ભવિષ્યની ડિલ્સ કરી શકે તે માટે તેમને દરેક પ્રકારની અનુકૂળતા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 1500થી વધુ લોકો છેલ્લા પંદર દિવસથી દિવસ રાત એક કરીને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની પ્રત્યેક કામગીરીને બારીકાઇથી આખરીઓપ આપી રહ્યા છે.
આજે Dt.25/04/2022 ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંગે સંસ્થાના પ્રધાન સેવક ગગજી સુતરીયા, સુરત ઇવેન્ટના કન્વીનર મનિષ કાપડીયા તેમજ અન્યોએ જણાવ્યું હતું કે જે રીતે પ્રાચીન કાળથી સુરત વેપાર વણજ માટે જાણિતું હતું એવી જ રીતે સમગ્ર વિશ્વમાં સુરતના વેપાર વણજના પતાકા ગ્લોબલ ગુજરાત બિઝનેસ સમિટથી ફરકશે. બન્ને આગેવાનોએ ઉમેર્યું કે આ ફક્ત પાટીદારોની બિઝનેસ ઇવેન્ટ નથી, પણ વીસ ટકાથી વધુ એક્ઝિબિટર્સ અને 30 ટકાથી વધુ મુલાકાતીઓ સર્વજ્ઞાતિના છે. ગ્લોબલ ગુજરાત બિઝનેસ સમિટમાં 927 એક્ઝિબિટર્સ પૈકી 475થી વધુ એક્ઝિબિટર્સ સુરત કે દક્ષિણ ગુજરાતના છે.
મનિષ કાપડીયાએ જણાવ્યું કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એક એવું પ્લેટફોર્મ છે કે જે પ્રોડ્ક્ટના ઉત્પાદક કે સર્વિસના પ્રોવાઇડર્સને ત્રણ વર્ષમાં નહીં મળે તેટલો રિસ્પોન્સ ફક્ત ત્રણ દિવસના એક્ષ્પોમાંથી મળશે. સમગ્ર ગુજરાતમાંથી લોકો જીપીબીએસની મુલાકાતે આવી રહ્યા છે. તા.25મી એપ્રિલ સુધીમાં 2.62 લાખથી વધુ લોકોએ તો મુલાકાત માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે.
વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે
સુરતના આંગણે યોજાઇ રહેલા ગુજરાતના સૌથી મેગા એક્ષ્પો, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદઘાટન તા.29મી એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઇને કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક મંત્રીઓ જીપીબીએસના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે.
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં 38 ટકા ભાગીદારી સરકારની
જીપીબીએસ સુરતના આયોજક પૈકી પ્રધાન સેવક ગગજી સુતરીયા અને મનિષ કાપડીયાએ જણાવ્યું કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં અંદાજે 7 લાખ મુલાકાતીઓ ત્રણ જ દિવસમાં ઉમટી પડશે. આ એવી ઇવેન્ટ છે કે જો કોઇપણ વસ્તુ કે સેવાને લોકો સુધી પહોંચાડવી હોય તો અત્યંત હાથવગું માધ્યમ છે અને એટલે જ 38 ટકા સ્ટોલ્સ રાજ્ય અને કેન્દ્ર સરકારના જુદા જુદા ડિપાર્ટમેન્ટ્સની વિવિધ યોજનાઓ અને માહિતીઓ માટેના સ્ટોલ્સ છે.