
ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે 11 અને 12 ડિસેમ્બરે કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 17 કેસની પુષ્ટિ
દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 32 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે 11 અને 12 ડિસેમ્બરે CRPCની કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન મહાનગરમાં રેલી, કૂચ અને તમામ પ્રકારના સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એકલા મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 17 કેસની પુષ્ટિ થઈ છે.
મુંબઈ પોલીસે Dt.10/12/21 શુક્રવારે કમિશનરેટ વિસ્તારમાં CrPC ની કલમ 144 લાગુ કરીને આગામી બે દિવસ માટે રેલીઓ અને પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઓપરેશન્સ) દ્વારા જારી કરવામાં આવેલ આદેશ શનિવાર અને રવિવારે 48 કલાક માટે અમલમાં રહેશે.
તેમણે કહ્યું કે, ‘કોવિડ-19ના નવા ઓમિક્રોન વેરિયન્ટને કારણે માનવ જીવનને જોખમ હોવાથી અમરાવતી, માલેગાંવ અને નાંદેડમાં ચાલી રહેલી હિંસાની પૃષ્ઠભૂમિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ જારી કરવામાં આવ્યું છે.’ તેમણે આદેશમાં જણાવ્યું કે, ઉલ્લંઘન કરનારાઓને ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ સજા કરવામાં આવશે.