આગામી નવા હિસાબી વર્ષના આરંભથી જ એટલે કે એપ્રિલ મહિનાથી અમલમાં આવે એ રીતે જુદી જુદી 800થી વધારે જીવન જરૂરી દવાઓના ભાવમાં 5થી 10 ટકા સુધીનો વધારો કરવાના સત્તાવાર સંકેતો મળ્યા છે. જે દવાઓના ભાવ વધવાના છે તેમાં તાવ, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, ચામડીના રોગ તેમજ એનીમિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે.
NPPA દ્વારા શિડ્યુલ ડ્રગ્સ માટે કિંમતોમાં 10.7 ટકા સુધીના વધારાને મંજૂરી આપવામાં આવી છે.
એપ્રિલ 2022થી જ પેઈન કિલર અને એન્ટી બાયોટિક જેમ કે પેરાસિટામોલ, મેટ્રોનિડાઝોલ જેવી જરૂરી દવાઓ મોંઘી થઈ જશે. કેન્દ્ર સરકારે શિડ્યુલ ડ્રગ્સની કિંમતોમાં વધારાને મંજૂરી આપી દીધી છે. નેશનલ ફાર્મા પ્રાઈસિંગ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ દવાઓના ભાવ WPI ના આધારે નક્કી કરવામાં આવ્યા છે. શિડ્યુલ ડ્રગ્સમાં જરૂરી દવાઓનો સમાવેશ થાય છે અને તેની કિંમતો પર નિયંત્રણ હોય છે. આ પ્રકારની દવાઓના ભાવ મંજૂરી વગર વધારી શકાતા નથી. જે દવાઓના ભાવ વધવાના છે તેમાં કોરોનાના મધ્યમથી લઈને ગંભીર લક્ષણો વાળા દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ પણ સામેલ છે.
સિરપ અને ઓરલ ડ્રોપ સાથે અનેક અન્ય દવાઓ અને મેડિકલ એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવાતા ગ્લિસરિનના ભાવ 263 ટકા અને પોપીલન ગ્લાઈકોલની કિંમત 83 ટકા વધી ગઈ છે. ઈન્ટરમીડિએટ્સના ભાવ 11 ટકાથી 175 ટકા સુધી વધી ગયા છે. ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખઈને ગત વર્ષે 2021ના અંતમાં ફાર્મા ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્ર સરકારને દવાઓના ભાવ વધારવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.