CIA ALERT

Navratri 2024 Archives - CIA Live

October 3, 2024
amba-1280x1700.jpg
1min210

નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દૈવશક્તિના વિજય માટે નવદુર્ગા, અંબિકા, જગદંબા, ભગવતી ચંડીકા જેવા અનેક નામોથી પૂજીએ છે તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર. આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો આજ (ત્રીજી ઓક્ટોબર)થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લીન થશે. જ્યારે ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. આ વખતે આસો સુદ ત્રીજ બે દિવસ છે, જ્યારે 12મી ઓક્ટોબરે નોમ અને દશેરા એક જ દિવસે મનાવાશે. અલબત્ત, અનેક સ્થળોએ 11મી ઓક્ટોબર સુધી જ ગરબાનું આયોજન કરાયું છે.

જે ચેતના, જે ઊર્જા, સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે, જેના દ્વારા સઘળી સૃષ્ટિની રચના છે એ શક્તિના વિવિધ સ્વરૂપ પ્રત્યે કૃતજ્ઞતા-ભક્તિભાવ વ્યક્ત કરવાનો અવસર એટલે નવરાત્રિ. આજથી શક્તિપીઠ અંબાજી, ચોટીલા, હરસિદ્ધિ માતા, અમદાવાદમાં ભદ્રકાળી સહિતના માતાજીનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે.

ઉપાસના શરૂ કરવા તેમજ ઘટ સ્થાપન કરવા સવારે 6:31થી વિવિધ મુહૂર્ત છે. સવારે 6:31થી 8:01 શુભ, સવારે 11:01થી બપોરે 12:31 ચલ, બપોરે 12:31થી 2:01 લાભ, બપોરે 2:01થી ૩:30 અમૃત, સાંજે 5થી 6:30 શુભ, સાંજે 6:30થી 8 અમૃત જ્યારે રાત્રે 8થી 9:31 વાગ્યે ચલ મુહૂર્ત છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રિમાં શારદીય નવરાત્રિનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. પૃથ્વી પર જેટલા વ્રતો છે તેમાં નવરાત્રિ વ્રતને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

નવરાત્રિ પૂજનથી ધન-ધાન્ય-સંતતિ, સુખ-સમૃદ્ધિ, આયુષ્ય-આરોગ્ય રક્ષણ, સ્વર્ગ મોક્ષ તેમજ વિદ્યા, સુખ-સંપત્તિ -સૌભાગ્ય વગેરે લાભ થાય છે. શાસ્ત્રવિદોના મતે નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપ દૈવી શક્તિના વિજયનો ઉત્સવ. રામાયણના યુદ્ધ સમયે ભગવાન શ્રી રામે પણ નવરાત્રિના વ્રત કરીને માતાજીના આશીર્વાદ લીધા હતા. આમ, પોતાનું શુભ ઈચ્છનારે નવરાત્રિ દરમિયાન વ્રત કરવા જોઇએ. નવરાત્રિમાં ભક્તિ કરવાથી પૂર્વજન્મના દોષ, અપરાધ તેમજ આ જન્મમાં કોઇ દ્વિધા-સંતાપ હોય તે દૂર થાય છે.

હવામાન વિભાગના મતે અમદાવાદમાં આવતીકાલે સાંજે 8 થી 6 દરમિયાન હળવા ઝાપટાં પડી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે અમદાવાદમાં નવરાત્રિમાં બાકીના નોરતાં દરમિયાન વરસાદની કોઇ જ સંભાવના નથી. હવામાન નિષ્ણાતોના મતે હાલ કોઇ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની સંભાવના ઓછી છે. આમ, ખેલૈયાઓ વરસાદના વિધ્ન વિના આગામી દિવસોમાં મન મૂકીને ગરબે ધુમી શકશે.

નવરાત્રિમાં માતાજીના પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનના સમય

શક્તિપીઠ અંબાજી : આરતી સવારે 7:30થી 8, દર્શન સવારે 8થી 11:30, રાજભોગ બપોરે 12, દર્શન બપોરે 13:30થી 4:15, આરતી સાંજે 6:30થી 7, દર્શન સાંજે 7થી 9 વાગ્યા સુધી.

ચોટીલા ચામુંડા માતાજી: પગથીયાના દ્વાર સવારે 4:30 વાગ્યે ખુલશે અને સવારે 5 વાગ્યે આરતી. સાંજની આરતી સૂર્યાસ્તના સમયે.

પાવાગઢ મંદિર : પ્રથમ-આઠમા નોરતે અને પૂનમના દિવસે મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખોલાશે અને રાત્રિના 8 વાગ્યે બંધ થશે. આ સિવાયના નોરતામાં સવારે 5 વાગ્યે દ્વાર ખોલાશે અને રાત્રે 8 વાગ્યે બંધ થશે.

ભદ્રકાળી મંદિર અમદાવાદ: સવારે 6થી રાત્રિના 12 સુધી દર્શન થઈ શકશે. રોજ રાત્રિના 9થી 12 મંદિરના ચોકમાં ગરબાનું પણ થશે.

September 30, 2024
Navratri_9swaroop.jpg
1min234

નવરાત્રિના 9 દિવસોમાં માંના 9 સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતાજીને પ્રસન્ન કરવા માટે ભક્તો વ્રત પણ રાખે છે. ધાર્મિક માન્યતાઓના અનુસાર, નવરાત્રિ દરમિયાન વિધિ-વિધાનથી માં દુર્ગાની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. આસો મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિથી શારદીય નવરાત્રિ શરૂ થઈ જાય છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખુબ વધારે મહત્વ હોય છે. હિન્દુ પંચાગ અનુસાર, શારદીય નવરાત્રિનો પર્વ 3 ઓક્ટોબર 2024, ગુરૂવારથી શરૂ થાય છે. શારદીય નવરાત્રિનો પર્વ 11 ઓક્ટોબર 2024ના રોજ સમાપ્ત થશે.

નવરાત્રિના પહેલા નોરતાથી કલશ સ્થાપનાનું મહાત્મ્ય છે. તેનાથી માતાજી પ્રસન્ન થાય છે. કલશમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને માતૃગણનો નિવાસ માનવામાં આવે છે. તેની સ્થાપનાથી જાતકને શુભ પરિણામ મળે છે.

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, આ વખતે કલશ સ્થાપનાનો સમય સવારે 6:15 વાગ્યાથી 7:22 વાગ્યા સુધી રહેશે. તેના સિવાય કલશ સ્થાપના અભિજીત મુહૂર્તમાં પણ કરી શકાય છે. અભિજીત મુહૂર્ત સવારે 11:46 મિનિટથી બપોરે 12:33 મિનિટ સુધી રહેશે. એટલે 47 મિનિટનો સમય મળશે.

જ્યોતિષાચાર્યના અનુસાર, નવરાત્રિ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ નવ રાત થાય છે. આ નવ દિવસોમાં ઉપવાસ રાખીને દુર્ગા દેવીની પૂજા કરવામાં આવે છે. દુર્ગા સપ્તસતીના પાઠ, દુર્ગા સ્ત્રત્તેત અને દુર્ગા ચાલીસાની સાથે રામ ચરિતમાનસના પણ પાઠ કરવામાં આવે છે. ભક્તિભાવથી આરાધના કરવાથી દુર્ગા માં પ્રસન્ન થાય છે. તેમણે જણાવ્યું કે, આ વખતે માતાજી પાલખીમાં આવી રહ્યા છે. નવરાત્રીની શરૂઆત ગુરુવાર અને શુક્રવારથી થાય છે, તો માનવામાં આવે છે કે માતા પાલખીમાં આવી રહ્યા છે.