હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના મોટા ભાગનાં રાજ્યોમાં આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી કરી હતી.
ગુજરાતથી ઓડિશા સુધીનાં રાજ્યોમાં વરસાદની લાંબા ગાળાની સરેરાશ ૧૦૬ ટકાથી વધુ રહેવાની આશા છે. દેશમાં આ સતત ચોથા વર્ષે સારું ચોમાસું રહેવાની આગાહી છે. સારા વરસાદને લીધે પાકનું વિપુલ ઉત્પાદન થવાની અને ફુગાવો અંકુશમાં આવવાની આશા રખાય છે.
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રે અહીં પત્રકારોને સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે દેશમાં ચોમાસા દરમિયાન (લાંબા ગાળાનો) સરેરાશ વરસાદ ૧૦૩ ટકા થવાની આશા છે. અગાઉ, હવામાન વિભાગે (લાંબા ગાળાનો) સરેરાશ વરસાદ ૯૯ ટકા થવાની એપ્રિલમાં આગાહી કરી હતી. આખા દેશમાં ચોમાસા દરમિયાન વરસાદની લાંબા ગાળાની સરેરાશની ગણતરી ૧૯૭૧થી ૨૦૨૦નાં પચાસ વર્ષ દરમિયાન પડેલા વરસાદની સરેરાશને આધારે કરાય છે.
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રે જણાવ્યું હતું કે મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પમાં વરસાદ સામાન્ય કરતાં વધુ પડવાની અને ઇશાન તેમ જ વાયવ્ય ભારતમાં સામાન્ય વરસાદ પડવાની આશા છે. આગામી થોડાં વર્ષો દરમિયાન પણ ચોમાસું સારું રહેવાની શક્યતા છે.
હવામાન ખાતાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સિવાયના દેશના મોટા ભાગના વિસ્તારમાં જૂન દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની એટલે કે વધુ ઠંડી પડવાની આશા છે.
અગાઉ, દેશમાં ૨૦૦૫થી ૨૦૦૮ અને ૨૦૧૦થી ૨૦૧૩ સુધી સતત ચાર વર્ષ સારું ચોમાસું રહ્યું હતું.
દેશમાં ખેતીનો ઘણો આધાર નૈર્ઋત્યના ચોમાસા પર રહેલો છે અને તે દેશના અર્થતંત્ર માટે ઘણું મહત્ત્વનું ગણાય છે.