– ચાઇનીઝ ગેંગ સાથે મળીને છેતરપિંડીના નાણાંની હેરફેર કરતી ગેંગ ઝડપાઇ
– વિદેશી ગેંગ સાથે સંકળાયેલા મુખ્ય આરોપીઓ સહિત ૧૩ લોકોની ધરપકડ કરીને મોટા પ્રમાણમાં વિવિધ બેંકોની ચેકબુક સહિતના દસ્તાવેજો જપ્ત કરાયા

વિવિધ કેસ કરવાની ધમકી આપીને લોકો સાથે લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલી સ્થાનિક ગેંગના ૧૩ લોકોને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઝડપીને મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ લોકોને કમિશનની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલીને તેમાં છેતરપિંડીના નાણાં જમા કરાવતા હતા. જ્યારે તે નાણાંનો ઉપયોગ ક્રિપ્ટો કરન્સીથી ચીનમાં મોકલવામાં આવતા હતા. ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર પી એચ મકવાણા અને તેમના સ્ટાફને માહિતી મળી હતી કે કૃષ્ણનગર વિજય પાર્ક ચાર રસ્તા પાસે મારૂતિ પ્લાઝામાં કેટલાંક લોકો ઓફિસ ખોલીને ચાઇનીઝ ગેંગ સાથે મળીને અનેક લોકોને લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવીને ઓનલાઇન છેતરપિંડીના નાણાંની મોટાપ્રમાણમાં હેરફેર કરે છે.જે બાતમીને આધારે પોલીસે ગુરૂવારે દરોડો પાડયો હતો. જેમાં મારૂતિ પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ક્રિશવ એન્ટરપ્રાઇઝ અને ત્રીજા માળે આવેલી ઓફિસમાં દરોડા દરમિયાન નાસભાગ મચી ગઇ હતી. જેમાં પોલીસે કેટલાંક લોકોને ઝડપીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દિલીપ જાગાણી (રહે. હરીકૃપા સોસાયટી, નિકોલ) અને દિપક રાદડિયા (રહે. ધનલક્ષ્મી સોસાયટી, હીરાવાડી, સૈજપુર) નામના શખ્સો અનેક લોકોને લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ ખોલાવીને તેની માહિતી દુબઇ પહોંચતી કરતા હતા. તેમજ આ એકાઉન્ટમાં જમા થતા લાખો રૂપિયા સેલ્ફ ચેકથી ઉપાડીને કેતન પટેલ (રહે. શ્યામ શુકન સોસાયટી, પીડીપીયુ રોડ, ગાંધીનગર)ને આપતા હતા.
જેના આધારે તે નાણાંને હવાલાથી ચુકવીને ક્રિપ્ટો કરન્સીથી ચાઇનીઝ ગેંગને નાણાં ટ્રાન્સફર કરતા હતા. જેના બદલામાં દિપક અને દિલીપને ત્રણ-ત્રણ ટકા કમિશન મળતુ હતું. પોલીસે દિપક અને દિલીપ સાથે પગાર પર નોકરી કરતા આઠ જેટલા અન્ય લોકોની પણ ધરપકડ કરી હતી. જે બેંકમાંથી રોકડ ઉપાડીને ઓફિસમાં જમા કરાવતા હતા. આમ, છેલ્લાં બે મહિનાથી કરોડો રૂપિયાની હેરફેરનું કૌભાંડ સામે આવતા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. આ અંગે સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે પોલીસે અલગ અલગ બકોની ૩૦ પાસબુક, ૩૯ ચેકબુક, ૫૯ એટીએમ કાર્ડ, બેંક એકાઉન્ટ ખોલવાના ફોર્મ, હિસાબના કાગળો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દિલીપ જાગાણી અને દિપક રાદડિયાએ ખુબ મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલીને સમગ્ર છેતરપિંડી આચરી હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.