ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ) દ્વારા આઠ એપ્રિલે જાહેર થનારા બૅન્કના વ્યાજદર પર ઉદ્યોગ ક્ષેત્ર સહિત સામાન્ય જનતા મીટ માંડીને બેઠી છે.

કોવિડ-૧૯ના રોગચાળા, રશિયા-યુક્રેનના યુદ્ધ અને ક્રૂડના વધી રહેલા ભાવ જેવી અનેક મુશ્કેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદર યથાવત રાખવામાં આવે એવી શક્યતા વધુ છે.વ્યાજદર નક્કી કરતી આરબીઆઈની મનેટરી પૉલિસી કમિટી (એમપીસી)ની બેઠક છએપ્રિલે શરૂ થઇ હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણયની આઠ એપ્રિલે જાહેરાત કરવામાં આવશે.
વ્યાજદરની સમીક્ષા કરવા યોજવામાં આવનારી આ બેઠકમાં આરબીઆઈ વ્યાજદર યથાવત રાખે તેવી શક્યતા છે.
જોકે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે સર્જાયેલી વૈશ્ર્વિક અચોક્કસતા વચ્ચે આરબીઆઈ રિટેલ ફુગાવા અંગે તેનું વલણ બદલે તેવી શક્યતા છે.
અર્થશાસ્ત્રી આદિત્ય નાયરે કહ્યું હતું કે એમપીસીની આ સમીક્ષા બેઠકમાં ફુગાવા આધારિત ક્ધઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ)માં સુધારો કરવામાં આવે એવી શક્યતા છે. ફુગાવાને અંકુશમાં લેવા એમપીસી વિકાસનું બલિદાન આપે તેવી શક્યતા નથી.
વર્તમાન અચોક્કસતાને ધ્યાન પર લેતાં આર્થિક નીતિ વધુ કડક કરવા આરબીઆઈ પાસે મર્યાદિત અવકાશ છે, એમ એનાલિટિકલ ઑફિસર સુમન ચૌધરીએ કહ્યું હતું.