CIA ALERT

Member of Parliament Local Area Development Fund Archives - CIA Live

July 17, 2025
image-4.png
1min15

ગુજરાતમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નું એક હથ્થું શાસન છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. ગુજરાતના લોકોએ જેમને ખોબલે ખોબલે વોટ આપીને દિલ્હી મોકલ્યા છે તેવા 26માંથી 25 સાંસદ તેમને મળતા એક વર્ષના ફંડમાંથી માત્ર ચાર ટકાનો લોકોપયોગી કર્યો છે. સાંસદોને મળતા એમપીલેડ (મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ) ફંડના ઉપયોગનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે આ ચોંકાવનારા આંકડા જોવા મળ્યા હતા, જેમાં 26 સાંસદે 254 કરોડમાંથી માંડ 10 કરોડ રુપિયા ખર્ચ્યાં છે.

મળતી વિગતો મુજબ ગુજરાતના 26 સાંસદોએ તેમને મળતા ફંડમાંથી માત્ર 4.2 ટકા જ બજેટ વાપર્યું છે. સાંસદો તેમને મળતા એમપીલેડ (મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કિમ) ફંડમાંથી 95.8 ટકા ફંડ વાપરી શક્યા નથી, 14 મતક્ષેત્રમાં સંસદસભ્યોએ ભલામણ કરેલાં કામોમાંથી એક પણ કામ પૂર્ણ થયું નથી. એક તરફ મતદારો તેમના ચૂંટાયેલા સ્થાનિક સાંસદ સભ્ય પાસે વિકાસની અપેક્ષા અને આશા રાખી જુદાં જુદાં કામો કરવા અરજ કરતા હોય છે, ત્યારે હકીકત જોઈએ તો સાંસદો તેમને મળેલા ફંડના 95.8 ટકા ફંડ વાપરી શક્યા નથી. કુલ ફંડનું માત્ર 4.2 ટકા ફંડ જ વપરાયું છે.

ભરુચ લોકસભાના વિસ્તારમાં સૌથી વધુ ખર્ચાયા
ભરુચ લોકસભા વિસ્તારમાં સૌથી વધુ એટલે કે 1.73 કરોડ રૂપિયા ખર્ચાયા છે, બીજા ક્રમે પાટણ સંસદીય ક્ષેત્રમાં 1.56 કરોડ ખર્ચાયા છે, જ્યારે ત્રીજા નંબરે સાબરકાંઠા સંસદીય મતક્ષેત્ર છે, જેમાં 1.08 કરોડનો ખર્ચ થયો છે. જો કે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, 18મી લોકસભાને 1 વર્ષ પૂરું થયું, પણ અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, અને નવસારી સંસદીય મતક્ષેત્રમાં એમપીલેડમાંથી હજુ સુધી કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી.

સંસદીય વિસ્તાર માટે વર્ષદીઠ પાંચ કરોડનું બજેટ
એમપીલેડ ફંડ યોજના અંતર્ગત દરેક સંસદસભ્યનું બજેટ વર્ષદીઠ 5 કરોડ છે, એટલે કે દર વર્ષે સંસદસભ્ય તેમના મત વિસ્તારના 5 કરોડ સુધીનાં કામોની ભલામણ કરી શકે. ત્યાર બાદ જિલ્લા આયોજનમંડળ દ્વારા આ કામો જે-તે અમલીકરણ એજન્સીને સોંપવામાં આવે છે.

3823 કામ પૈકી માત્ર 93 કામો પૂર્ણ થયાં
એમપીલેડ 2023ની ગાઈડલાઈન અનુસાર સંસદસભ્ય દ્વારા ભલામણ કરવામાં આવે, એના 45 દિવસમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે, પરંતુ ઉપલબ્ધ વિગતો ચકાસતાં ભલામણ થયેલાં કુલ 3823 કામ પૈકી માત્ર 93 કામો પૂર્ણ થયાં છે, જ્યારે અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર, વલસાડ મતક્ષેત્રમાં હજુ સુધી એક પણ કામ પૂર્ણ થયું નથી. આમ 26 મત ક્ષેત્રોમાંથી 14 મતક્ષેત્રમાં એક વર્ષ દરમિયાન એક પણ કામ કરવામાં આવ્યું નથી.